પોતાના ગામની માટીનો સ્વાદ ખાવામાં ભરી નયનજ્યોતિ સૈકિયાએ જીત્યો માસ્ટરશેફ ઇન્ડિયા 2023નો ખિતાબ..ટ્રોફી સાથે જીતી અધધધધ લાખની રકમ
ભારતના સૌથી મોટા અને લોકપ્રિય કુકિંગ રિયાલિટી શો માસ્ટરશેફ ઈન્ડિયા-7ને તેનો વિજેતા મળી ગયો છે. આ વર્ષે આસામના નયનજ્યોતિ સૈકિયાએ માસ્ટરશેફ ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો છે. નયનજ્યોતિએ તેના શાનદાર રસોઈ કૌશલ્ય અને સાદગી તેમજ સત્યતા વડે શોના દર્શકોનું દિલ જીતી લીધું હતુ. ઘણા દિવસો સુધી ઘણા મુશ્કેલ પડકારોને પાર કરીને નયનજ્યોતિ હવે માસ્ટરશેફ ઇન્ડિયાના વિજેતા બની ગયા છે.
માસ્ટરશેફ ઇન્ડિયા-7 36 કંટેસ્ટેંટ સાથે શરૂ થયો હતો અને તે બાદ ટોપ 16 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી અને પછી ફાઇનલ મુકાબલો ટોપ-7 વચ્ચે થયો હતો. આ બધાને હરાવીને હોમ કૂક નયનજ્યોતિ સૈકિયા માસ્ટરશેફ ઇન્ડિયાના વિજેતા બન્યો છે. નયનજ્યોતિએ કુકિંગ રિયાલિટી શો જીત્યા બાદ એક ચમકદાર ટ્રોફી મેળવી છે અને આ સાથે 25 લાખ રૂપિયાનું ઈનામ પણ જીત્યુ છે.
ઘણા સમયથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વખતે ‘માસ્ટરશેફ ઈન્ડિયા 7’ની જીતનો તાજ આસામના નયનજ્યોતિ સૈકિયાના નામે હશે અને આખરે આ હકિકત બની. નયનજ્યોતિએ તમામ તબક્કાઓ ખૂબ જ સુંદર રીતે પાર કર્યા અને પોતાના રસોઇ કૌશલ્યથી શોના નિર્ણાયકોનું દિલ જીતી લીધું. જણાવી દઈએ કે 26 વર્ષીય નયનજ્યોતિએ ક્યારેય કોઈ પ્રોફેશનલ કુકિંગ ક્લાસ લીધા નથી.
તે તેમની પ્રતિભા અને સમર્પણની અજાયબી છે કે તેણે પોતે નવી પદ્ધતિઓ શોધીને રસોઈમાં નિપુણતા હાંસલ કરી છે. નયનજ્યોતિ ગુવાહાટીની ગિરિજાનંદ ચૌધરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ ટેક્નોલોજીમાંથી સ્નાતક થયા છે. નયનજ્યોતિએ એકવાર શોમાં ખુલાસો કર્યો હતો કે તેમના પિતા ઇચ્છતા ન હતા કે તે રસોઈમાં કારકિર્દી પસંદ કરે, પરંતુ પાછળથી વિકાસ ખન્નાએ તેમના પિતાને સમજાવ્યા.
જણાવી દઇએ કે, આ વખતે શોમાં સ્ટાર શેફ રણવીર બરાર, ગરિમા અરોરા અને વિકાસ ખન્ના જજ તરીકે જોવા મળ્યા હતા. શોના વિજેતાની તો વાત કરી પણ હવે ફર્સ્ટ રનર અપ વિશે વાત કરીએ તો, આસામના સંતા સરમાહ શોના ફર્સ્ટ રનર અપ અને મુંબઈના સુવર્ણા બાગુલ સેકન્ડ રનર અપ રહ્યા. બંને રનર્સ અપને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું. શો જીત્યા બાદ નયનજ્યોતિ સૈકિયાએ પિંકવિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે માસ્ટરશેફ ઈન્ડિયામાં ભાગ લઈ શકશે.
નયનજ્યોતિએ કહ્યું- હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો કે મેં માસ્ટરશેફ ઇન્ડિયામાં આટલા અઠવાડિયા વિતાવ્યા અને આખરે હું શો જીતી ગયો. શોમાં જોડાવાનું મારું સપનું હતું. હું માત્ર તેનો હિસ્સો જ ન બન્યો પણ મેં શો જીત્યો. આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતા નયનજ્યોતિએ કહ્યું- મેં હજુ સુધી ભવિષ્યની યોજનાઓ વિશે વિચાર્યું નથી. પરંતુ રસોઈની સાથે મને મુસાફરી કરવી ગમે છે,
તેથી હું ઉત્તર પૂર્વના ખોરાક અને સંસ્કૃતિ પર એક વ્લોગ બનાવવાનું વિચારી રહ્યો છું, કારણ કે લોકોને તે પસંદ આવ્યું છે. આનાથી મને મોટી રેસ્ટોરન્ટમાં કામ કરવાનો મોકો મળશે. જણાવી દઈએ કે, માસ્ટરશેફમાં દેખાયા પહેલા નયનજ્યોતિએ વધુ એક કુકિંગ શો જીત્યો છે. વર્ષ 2020માં નયનજ્યોતિએ નોર્થઈસ્ટ કૂકિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ ઇનામ જીત્યું હતું.
View this post on Instagram