નવી વહુ આરામથી નવ દસ વાગે ઉઠતી ને પછી એક કલાક પછી નાહી ધોઈ ને સોળે શણગાર સજી ફરી પાછી બેસી જતી. અને સામેના જ ઘરે એનું પિયર હોવાથી એને આ ઘરમાં કશું નવા જેવુ લાગતું પણ નહી…કેમકે સાસરીના ઘરના દરવાજાની સામે જ પિયરનો દરવાજો પડતો હતો. હજી તો નવી વહુ સવારે ઉઠી પણ ના હોય ત્યાં જ એના ઘરેથી નાસ્તાનો ડબ્બો આવી જતો….

કહે, મારી દીકરીને સવારે નાસ્તામાં આ જ વસ્તુ લેવાની પસંદ છે. જો બીજો નાસ્તો મળશે તો મારી દીકરી ભૂખી રહેશે..ને પાછી બપોરે જમી ફરી નવી વહુ એના રૂમમાં જઈને સૂઈ જતી ને સાંજે ફરી ચા પીવા ઊઠે અને ફરી સૂઈ એના રૂમમાં આરામ કરવા ને તૈયાર થવા જતી રહે….આમ નવી વહુ માત્ર જમવા ને ચા પીવા જ રૂમમાથી બહાર નીકળતી.

એક દિવસ રવિવારનો દિવસ હતો અને વહુ દીકરો હજી ઉપરના રૂમમાથી નીચે નહોતા આવ્યા. ને શરદચંદ્રને દીકરાનું કામ હતું, લગ્નનો બાકી રહેલ હિસાબ આજે પતાવી દેવો હતો. શરદચંદ્ર ખૂબ જ અકળાયા. એમનાથી હવે રાહ જોવાતી ના હતી….એટ્લે એમણે નીચેથી જ પોતાના દીકરાને બૂમો પાડી…..અભિ બેટા……અભિ…..પછી ગુસ્સે થઈને અભલો પણ બોલ્યા. પરંતુ કોઈ જ જવાબ મળ્યો નહી….આખરે અકળાતા અને મનમાં જ બબડતાં બબડતાં એ ઉપર પહોંચી જ ગયા. જઈને જુએ છે તો દીકરો અને વહુ એકબીજાની મસ્તીમાં મસ્ત હતા…શરદચંદ્રને શરમ આવી પણ દીકરા વહુએ તો જાણે શરમ નેવે જ મૂકી ના હોય એવું એમને લાગ્યું…પાછી બે ત્રણ ખોખરા ખાઈને દીકરાને નીચે આવવાનું કહી પોતે નીચે જતાં રહે છે.
જેવો અભિ નીચે આવ્યો કે તરત જ શરદચંદ્ર તેના ઉપર ગુસ્સે થયા…કોઈ જ શરમ જેવુ નથી રહ્યું હવે તમને બંનેને લગ્ન પહેલા કેટલીય વાર સાથે જોયા છે….પણ નજર અંદાજ કરતાં રહ્યા..સાથે ભણતા, સાથે રમતા, કોલેજ પણ સાથે જ કરતાં ને કોઈ મૂવી જોવા પણ સાથે જ જતાં….એટ્લે જ સમાજની બીકે મારે એ છોકરી સાથે તારા લગ્ન કરવા પડ્યા…પરંતુ પહેલાની સ્થિતી અલગ હતી..હવે તમારે બંનેએ જવાબદાર બનવું પડશે…તારી મા હવે ક્યાં સુધી ઘરની બધી જ જવાબદારી નિભાવશે ? થોડું પ્રાચીએ પણ શીખવું પડશે ને… ? ”

પપ્પા, ભલે અમે બચપનથી એકબીજા સાથે રહ્યા. પરંતુ લગ્ન પાછી પણ અમે બંને એકબીજા માટે બને એટલો સમય સાથે રહેવા માંગીએ છીએ. હજી હું નથી ઇચ્છતો કે પ્રાચી આ બધી ઘરની જવાબદારીમાં એ એની લાઈફ જીવવાની ભૂલી જાય….એને એની લાઈફ એન્જોય કરવા દો અને મને મારી…અને હા, પપ્પા આજે સન્ડે હતો તો અમે બંને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા હતા..તો તમારે ઉપર આવવાની શું જરૂર હતી??? કામ તો મોડે પણ થાય!! , અભિએ થોડા ગુસ્સા સાથે વાત કરી અને રસોડામાં ચા નાસ્તો કરવા ચાલ્યો જાય છે.

નાની એવી વાતનું આજે અભિએ મોટું સ્વરૂપ આપી દીધું હતું.. વાતનું વતેસર કરી દીધું હતું…આટલો મોટો ઓફિસર ને આટલું બધુ ભણેલ ગણેલ દીકરો આજે એના પિતાને સાવ વિચાર અને વિવેકહિન લાગ્યો. આજે પણ પ્રાચીના ઘરેથી જ નાસ્તો આવ્યો હતો.
ત્યાં જ પ્રાચી પણ ઉપરથી તૈયાર થઈને આવી અને આ બધી જ વાતથી અજાણ પ્રાચીએ અભિની મમ્મી ને કહ્યું, મમ્મીજી આજે હું કેવી લાગી રહી છુ ?
અને અભિની મમ્મી એક શબ્દ બોલ્યા વગર એના પિયરનો ડબ્બો એને આપીને રસોડાની બહાર નીકળી જાય છે.

પ્રાચીને પણ ખોટું લાગે છે..કે હું આટલું પ્રેમથી વાત કરું છુ..તો પણ કેમ મમ્મીજી મારી સાથે આવું વર્તન કરતાં હશે ??
આજ કાલ કરતાં લગ્નને એક મહિનો થવા આવ્યો હતો. હજી પ્રાચીએ રસોડામાં જઈને એક રસોઈ નહોતી બનાવી…કે ના કોઈ તૈયારી બતાવી હતી. એકદિવસ ફરી રોજના સમયે નાસ્તાનો ડબ્બો પિયરથી આવ્યો…હવે તો અભીનું ટિફિન પણ એના પિયર જ બનતું હતું…..એટ્લે અભિની મમ્મી હેમલતાબહેન ગુસ્સે થયા ને બોલ્યા કે હવે પ્રાચીએ રસોડામાં રસોઈ બનાવવાની છે કે, આખી જિંદગી પિયરથી જ નાસ્તાના ડબ્બા અને ટિફિન આવવાનું છે ?
બીજે દિવસે એક 9 વાગે પ્રાચી તૈયાર થઈને રસોડામાં તો આવી પણ રસોઈ કેમ બનાવવી એ જ એને નહોતી ખબર…એ પણ નહોતી ખબર કે, પરોઠા બનાવવા માટે લોટ કેટલો અને શેનો જોઈએ. આ બધુ જોઈને હેમલતા બહેને એને ઘરનું બીજું કામ કરવાની સલાહ આપી અને રસોઈ એ પોતે જ બનાવવા લાગ્યા. અને પ્રાચી પણ કોઈ રસોઈ શીખવાની તાલાવેલી ના બતાવી કે ના તો કોઈ પણ જાતની તૈયારી બતાવી. એ તો તરત જ રસોડાની બહાર નીકળી ગઈ અને મનમાં ને મનમાં જાણે રાજી થતી હોય એમ એ બીજા નાના મોટા કામ કરવા લાગી.
બીજે દિવસે સવારનો નાસ્તો પ્રાચીને જ બનાવવાનો હતો અને હેમલતા બહેન એને શીખવવાના હતા. હેમલતા બહેને બધી જ તૈયારી કરી લીધી હતી….. ખાલી પ્રાચીને બનાવવાનું જ હતું…ત્યાં જ પ્રાચી આવે છે ને કહે છે, આજે તો મારા મમ્મી એ નાસ્તામાં છોલે પૂરી બનાવી મોકલ્યા છે. આપણાં બધાને થઈ જશે મમ્મી જી આજે કશું જ નથી બનાવવું..

ક્યાં સુધી ચાલશે પ્રાચી આ બધુ ?? તારે ચાલશે, અભિને ચાલશે પરંતુ અમને આવું બધુ નહી ફાવે..ક્યાં સુધી આમ પિયરથી ડબ્બા જ આવશે ??? આઘરના પણ રૂલ્સ છે. હવે સમજે તો સારું… પરંતુ પ્રાચી હેમલતા બહેનની એક ના સાંભળી ને એ તો મનમાં ને મનમાં ગીત ગાતી ગાતી નાસ્તાની પ્લેટ સર્વ કરવા લાગી. હેમલતા બહેનનો ગુસ્સો આજે આસમાને હતો..એ કંટ્રોલ કરતાં કરતાં રસોડાની બહાર જ નીકળી ગયા. જો એ પણ કશું બોલશે તો નકામી લપ થશે અને આમ દુશ્મન રાજી થશે..એટ્લે એ મૌન રહી ઘરમાં જે હાલી રહ્યું છે એ જોતાં રહ્યાં.
આમ ને આમ એક વર્ષ વિતતું ગયું….હજી એના પિયરથી આવતું ટિફિન અને ડબ્બા બંધ નહોતા થયા.અભિ પ્રાચીને ખૂબ પ્રેમ કરતો એટ્લે એને આ ભૂલ નહોતી દેખાતી… પરંતુ એની ભૂલનું કારણ એની મમ્મી હતા. આમ ને આમ રોજ એ રસોઈ અને નાસ્તો બનાવી મોકલતા ક્યારેય એમ ના થયું કે એની દીકરીને એ શીખવે કે રસોઈ કેમ બનાવાય…અને પ્રાચીને પણ બહુ તૈયાર મળી જતું એટ્લે એ પણ કોઈ શિખવાની તાલાવેલી તો જતાવતી જ નહી.
એક દિવસ તો હદ જ થઈ ગઈ ઘરે મહેમાન આવ્યા તો ચા પાણી પણ એના મમ્મીના ઘરેથી જ મંગાવ્યા ને બંને ટાઈમનું જમવાનું પણ એની મમ્મીના ઘરેથી જ મંગાવ્યું….એ સમયે હેમલતા બેન કે શરદચંદ્ર બહારગામ ગયા હતા. આમ ને આમ પ્રાચી આળસી બની ગઈ હતી.. એને કોઈ જ કામ કરવામાં મન નહોતું લાગતું….એ કોઈ જ કામ કરવામાં દિલચસ્પી પણ નહોતી રાખતી.

એક દિવસ પ્રાચીની મોમનું એક્સિડંટ થયું..હાથે અને પગે ફેકચર અને છ મહિનાનો બેડ રેસ્ટ આવ્યો. પ્રાચીની ભાભી એ પણ કોઈ સેવા કરવાની તૈયારી ના બતાવી. ઉલ્ટાનું એણે કહ્યું કે તમારી દીકરીને બોલાવો..સવાર સાંજ તૈયાર માલે ખાય છે તો હવે એ જ તમારું કામ કરશે. ને આ બાજુ પ્રાચીને પણ ટિફિન અને નાસ્તાના ડબ્બા મળતા બંધ થઈ ગયા. હવે હેમલતા બહેન પણ પ્રાચીને કોઈ હેલ્પ નહોતા કરતાં પ્રાચીને બધુ જાતે જ કરવું પડતું હતું ને છ મહિનામાં તો પ્રાચી બધી જ રસોઈ અને ઘરની જવાબદારી સંભળતા શીખી ગઈ હતી..
પ્રાચીને એ તો સમજાઈ ગયું હતું કે એની મમ્મી જ એને કામ કરવા નહોતી દેતી..બાકી એણે બધુ જ આવડતું હતું…ને એને ક્યારેય પોતાની સાસુના પ્રેમની કિંમત જ નહોતી કરી.હકીકતમાં એના સાસુ પણ એની મા જેવા જ પ્રેમાળ હતા. એને આ વાત ત્યારે સમજાઈ જ્યારે તેની જ સગી ભાભીએ એની મોમની સેવા કરવાની ના કહી……ત્યારે એને લાગ્યું કે મારા સાસુને તો મે એક દિવસ પણ રાંધીને નથી જમાડયું કે કોઈ કામમાં હેલ્પ નથી કરી…જો મને મારા ભાભીએ મારા મમ્મીનું કામ કરવાની ના કહી તો પણ મને આટલું દુખ થાય છે… તો મે તો મારા સાસુનું આ બે વર્ષમાં ક્યારેય કામ નથી કર્યું કે નથી એક વાત મે એમની માન્યમાં રાખી તો એમને કેટલું દુખ થયું હશે ? તો પણ ક્યારેય કોઈફરિયાદ નથી કરી…
ભગવાને મને સાસરું કેટલું સારું આપ્યું….મા જેવી જ પ્રેમાળ સાસુ, પિતા જેવાજ પ્રેમાળ સસરા અને સાથે સાથે આટલો પ્રેમ આપનાર પતિ… મને આટલું બધુ આ પરિવારે આપ્યું સામે મે શું આપ્યું ??
આમ વિચારી એ ખૂબ રડવા લાગી અને હેમલતા બહેન પાસે જઈને પોતે અને પોતાની મમ્મીએ જે ભૂલ કરી હતી એની માફી માંગી.
આજે દસ વર્ષ થઈ ગયા આ વાતને…જેવા હેમલતા બહેન સ્વાભિમાની છે એવી જ એમની વહુ પ્રાચી પણ છે. સામે જ પિયર છે પણ એકેય નાસ્તાનો ડબ્બો નથી આવ્યો પિયરથી…!!
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks