ચમત્કાર! તેલ અને ઘી વગર વર્ષોથી તિરૂપતિ બાલાજી મંદિરમાં પ્રગટે છે આ દીવો

આંધ્ર પ્રદેશમા આવેલુ તિરૂપતિ બાલાજી મંદિર ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રખ્યાત છે. અહીં દર વર્ષે કરોડો લોકો દર્શન કરવા આવે છે. ચિત્તુર જિલ્લામાં આવેલુ આ મંદિર સમુદ્રથી 3200 ફૂટ ઉપર સ્થિત છે. આ મંદિર સાથે જોડાયેલી ઘણી બધી વાર્તાઓ છે. એવું કહેવામાં આવે છે કે મંદિરે આવતા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી કેટલીક વાતો.

મંદિરની મૂર્તિ વિશે એવી માન્યતા છે કે જ્યારે તેની પૂજા કરવામાં આવે છે ત્યારે મૂર્તિ હસવા લાગે છે. તિરૂપતિ વેંકટેશ્વર બાલાજીની મૂર્તિમાં માતા લક્ષ્મીનો પણ વાસ છે. એવી પણ માન્યતા છે કે આ મૂર્તિ જાતે પ્રગટ થઈ હતી.એવુ પણ કહેવામાં આવે છે કે આ મૂર્તિ પર લાગેલા વાળ અસલી છે. આ વાળ ક્યારેય ગુંચવાતા નથી અને હંમેશા મુલાયમ રહે છે.

મૂર્તિ અંગે એક વાત એવી પણ છે કે જ્યારે તમે મંદિરના ગર્ભ ગૃહમાં જશો ત્યારે તમને લાગશે કે મૂર્તિ ગર્ભ ગૃહના મધ્યમાં સ્થિત છે પરંતુ જ્યારે તમે ગર્ભ ગૃહની બહાર જઈને મૂર્તિને જોશો તો લાગશે તે ભગવાનની મૂર્તી જમણી બાજુ છે.

આ મંદિરના દરવાજા પર એક લાકડી રાખવામાં આવી છે. તેને લઈને અનેક જુનવાણી વાર્તાઓ છે. એક લોકવાયકા પ્રમાણે જ્યારે ભગવાન વિષ્ણુ ધરતી પર માતા લક્ષ્મીજીને શોધવા આવ્યા હતા  ત્યારે આ લાકડી તેમની મદદ કરતી હતી.

એક લોકવાયકા એવી પણ છે કે આ લાકડીએ નાનપણમાં ભગવાન વેંકટેશ્વરને ઈજા પહોંચાડી હતી. તે ઈજાના નિશાન આજે પણ ભગવાનની મૂર્તિમાં જોવા મળે છે. તેથી શુક્રવારે ભગવાનના ચહેરા પર ચંદનનો લેપ લગાવવામાં આવે છે.

આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે શ્રી તિરૂપતિ વેંકટેશ્વર બાલાજી મંદિરમાં શૃંગાર,પ્રસાદમાં ચઢાવવામા આવતી સામગ્રી તિરૂપતિ બાલાજીના ગામથી આવે છે. આ ગામ મંદિરથી 23 કિમી દૂર છે અને આ ગામમાં બહારના વ્યક્તિના આવવા પર પ્રતિબંધ છે.

આ ઉપરાંત આ મંદિરમાં એક દીવો પણ છે જે હંમેશા પ્રજવલીત રહે છે અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ દીવામાં ક્યારેય ઘી કે તેલ નાખવામાં આવતું નથી. આ દીવો સૌથી પહેલા કોણે અને ક્યારે પ્રગટાવ્યો હતો તેના વિશે કોઈ જાણતુ નથી.

YC