મધ્યપ્રદેશની મઉગંજ પોલીસે ચોરીની એક ઘટનાનો ખુલાસો કર્યો છે. ચોરીમાં સંડોવાયેલા ત્રણ ચોર પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આ ચોરોએ પોલીસને હેરાન કરી નાખી હતી. આમાંથી એક ચોર ખૂબ જ ચાલાક નીકળ્યો. વાસ્તવમાં આ ચોરને એક જોડિયા ભાઈ છે. પોલીસ આ બે માસ્ટર માઈન્ડ ભાઈઓની શાતિર ચાલ વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સૌરભ વર્મા અને સંજીવ વર્મા, આ બે જોડિયા ભાઈઓ એટલા ચાલાક હતા કે તેઓ સારા-સારા ચોરોને પણ પાછળ છોડી ગયા. જ્યારે પણ તે ચોરી કરતા ત્યારે એવું કરતા કે કોઇ પણ જાણી આશ્ચર્યમાં મૂકાઇ જાય.
ઘટના સમયે એક ભાઈ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ અન્ય કોઈ જગ્યાએ રહેતો હતો અને બીજી તરફ બીજો ભાઈ તેના અન્ય સાગરિતો સાથે મળીને અન્ય કોઈ જગ્યાએ ચોરીને અંજામ આપતો હતો. આ રીતે ઘટનાને અંજામ આપ્યા બાદ એક ભાઈ બીજા ભાઈની મદદથી પોલીસને ચકમો આપી પોતાને નિર્દોષ સાબિત કરી લેતો. તાજેતરમાં જ 23 ડિસેમ્બરની રાત્રે મઉગંજ પોલીસના ચાક મોડમાં રહેતા સત્યભાન સોનીના સૂમસામ ઘરને અંજામ આપ્યો હતો.
બદમાશોએ ઘરમાં ઘુસીને કબાટ અને પેટીઓના તાળા તોડી તેમાં રાખેલા લાખો રૂપિયાના દાગીના અને રોકડ લઇને ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધ્યા બાદ અજાણ્યા ચોરોની શોધ શરૂ કરી હતી. એસપીએ જણાવ્યુ કે ત્રણ ચોરોને પોલિસે પકડ્યા હતા, એક રવિશંકર વિશ્વકર્મા, બીજો જગન્નાથ કેવટ જ્યારે ત્રીજો સૌરભ વર્મા. સૌરભનો જોડિયા ભાઈ સંજીવ વર્મા છે. જે બિલકુલ તેના જેવો જ દેખાય છે. જ્યારે પણ સૌરભ વર્મા તેના સાગરિતો સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપતો ત્યારે તેનો જોડિયો ભાઇ સંજીવ વર્મા મહત્વની ભૂમિકા ભજવતો.
ઘટના સમયે દેખાતો ભાઈ અન્ય કોઈ જગ્યાએ લગાવેલા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રહેતો, જેથી તે ગુનો કર્યા પછી પોલીસને સરળતાથી ગેરમાર્ગે દોરી શકે. જોડિયા ભાઈઓ એક જ રંગ અને ડિઝાઇનના કપડાં પહેરતા. જ્યારે પણ પોલીસે સૌરભ વર્માને પકડ્યો ત્યારે તે ચતુરાઈથી સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ પુરાવા તરીકે બતાવી નાસી છૂટતો. જોડિયા ભાઈઓ ક્યારેય સાથે રહેતા ન હતા.
જોડિયા ભાઈઓના અસ્તિત્વના સમાચાર આખા ગામમાં માત્ર થોડા જ લોકોને ખબર હતા. એક ભાઈ જ્યારે લોકઅપમાં બંધ હતો ત્યારે બીજો આજીજી કરવા આવ્યો, જેના કારણે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. સામે ઉભેલા યુવકને જોઈ પોલીસ કર્મચારીઓને પરસેવો છૂટવા લાગ્યો હતો. તેમને આશ્ચર્ય થયું કે અમે જે વ્યક્તિને લોકઅપની અંદર રાખ્યો હતો તે બહાર કેવી રીતે આવ્યો. ધીમે ધીમે પોલીસને બધું સમજાઈ ગયું અને બંને જોડિયા ભાઈઓનું રહસ્ય ખુલ્યું. પોલીસે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાના ચોરીના દાગીના કબજે કર્યા છે.