આજના સમયમાં લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અજીબો ગરીબ સ્ટન્ટ કરતા હોય છે, પરંતુ ઘણીવાર આવા સ્ટન્ટ કરવા જીવ માટે પણ જોખકારક સાબિત થતા હોય છે, આપણે ઘણા વીડિયોમાં જોયું હશે કે સ્ટન્ટ કરતી વખતે કોઈનો જીવ પણ ચાલ્યો ગયો હોય અને ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હોય, ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ 30 માળની ઇમારત ઉપરથી સ્પાઈડર મેનની જેમ નીચે ઉતરતો જોવા મળી રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં લખેલી કોમેન્ટ મુજબ, આ ચીનના ગુઈયાંગના હુઆગુયુઆનનો વીડિયો છે, જ્યાં 27 મેના રોજ બપોરે એક બહુમાળી ઈમારતની છત પર સફેદ શર્ટ પહેરેલો એક વ્યક્તિ દેખાયો. તે થોડો વિચિત્ર હરકતો કરી રહ્યો હોય તેવું લાગતું હતું. તેણે પહેલા માથું નીચું કર્યું અને બિલ્ડિંગની નીચે હવામાં પગ લટકાવ્યા.
તે વ્યક્તિ વારંવાર તેના ફોન તરફ જોઈ રહ્યો હતો અને પછી અચાનક નીચે નમ્યો, જાણે તે કંઈક લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. આ પછી અચાનક વ્યક્તિએ બારી પર પગ મૂક્યો અને નીચે ઉતરવા લાગ્યો. વીડિયોમાં તમે આ વ્યક્તિને વિન્ડોની મદદથી નીચે ઉતરતા જોઈ શકો છો.
મળતી માહિતી મુજબ, આ 30 માળની ઈમારત 100 મીટરથી વધુ ઉંચી છે. ઉપરથી જોતાં, ડરને કારણે વ્યક્તિની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને જો કોઈ ત્યાંથી પડી જાય તો બચવાની કોઈ શક્યતા નથી. પરંતુ તે વ્યક્તિ એવી રીતે નીચે જઈ રહ્યો છે કે જાણે તેની પાસે કોઈ સુપર પાવર હોય, તે બિલકુલ ડરતો નથી. આટલી ઉંચી ઉંચાઈ પરથી સ્પાઈડર મેનની જેમ નીચે ઉતરતા આ વિચિત્ર વ્યક્તિને જોઈને તમારા હોશ ઉડી જશે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે દરેક માળની બારીમાંથી બચાવકર્તા દેખાઈ રહ્યા છે, જેઓ કદાચ ત્યાં જઈને તે વ્યક્તિને બારીમાંથી અંદર ખેંચવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ તે વ્યક્તિ સતત નીચે ઉતરી રહ્યો છે. જ્યારે વ્યક્તિ નીચે ઉતરીને ત્રીજા માળની બારી પાસે પહોંચે છે ત્યારે તેને અંદર ખેંચી લેવામાં આવે છે. યુવાનને અંદર ખેંચનારા કદાચ રેસ્ક્યુ ટીમના લોકો પણ હતા. બસ, કોઈક રીતે તેનો જીવ બચી ગયો. સામે આવેલી બિલ્ડીંગમાંથી કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.