મુકેશ સોજીત્રા લેખકની કલમે

“લંગડદાસ બાપુની માયા” આ બધું જ માયા ને આભારી છે. માયા મનુષ્યને સરખી રીતે જીવવા તો નથી દેતી પણ સરખી રીતે મરવા પણ નથી દેતી. માયાની મોહજાળમાં ભલભલા મનુષ્ય અને સારા સારા સિદ્ધપુરુષો ફસાઈ જાય છે

વાર્તા “લંગડદાસ બાપુની માયા”

લેખક :- મુકેશ સોજીત્રા

“આ બધું જ માયા ને આભારી છે. માયા મનુષ્યને સરખી રીતે જીવવા તો નથી દેતી પણ સરખી રીતે મરવા પણ નથી દેતી. માયાની મોહજાળમાં ભલભલા મનુષ્ય અને સારા સારા સિદ્ધપુરુષો ફસાઈ જાય છે ત્યાં તમારી જેવા પામર મનુષ્યનું તો શું ગજું!!?? માયા એટલે બીજું કાઈ જ નહિ ધન સંપતિ અને પૈસો!!  જ્યાં સુધી માયાનું આવરણ છે ત્યાં સુધી પ્રભુ ભજન અને પ્રભુ દર્શન શક્ય નથી માટે કહું છું કે હે સંસારી લોકો તમે માયાનો ત્યાગ કરો ..!! માયા રૂપી પૈસાનો ત્યાગ કરો.. માયા રૂપી સંપતી ગાડી બંગલા વૈભવ નો ત્યાગ કરો… તો જ તમને ઈશ્વરના દર્શન અને પ્રાપ્તિ થશે!! માયા તમને ક્યાયના નહિ રહેવા દે!! જીવ જયારે પૃથ્વી પર આવવાનો હોય માતાના પેટમાં ઉંધે માથે લટકતો હોય!! ત્યારે જીવ બહુજ હેરાન થતો હોય છે .પ્રભુને પ્રાર્થના કરતો હોય કે હે પ્રભુ તું આમાંથી છુટકારો કરને તો આખી જિંદગી પ્રભુ ભજન કરીશ તારું નામ સ્મરણ કરીશ. અને પ્રભુ તો દયાળુ છે એ જીવની પ્રાર્થના માન્ય રાખે છે અને એનો છુટકારો કરે છે. રૂડો મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને જીવનો આ ધરતી પર જન્મ થાય છે. જન્મે એટલે તરત જ એ મોહ માયામાં લપેટાઈ જાય છે. આ મારા બાપા છે આ મારી માં છે આ મારી પત્ની છે આ મારા સંતાનો છે ..આ મારા પૈસા છે .. આ મારી કંપની છે … આ મારું ખેતર છે ..આ મારી મિલકત છે!! આવી અનેકવિધ માયામાં જીવ આબાદ ફસાઈ જાય છે .પ્રભુ ને ભૂલી જાય છે!! હા અમુક અગાઉના જન્મના પુણ્યશાળી જીવડા હોય છે એ અમુક સમયે ચેતી જાય છે .પોતાની સંપતી સાધુ સંતો ને આવી જગ્યાઓમાં આપી દે છે. એ જીવડાઓ છૂટી જાય છે પણ બહુ ઓછા જીવ આવા હોય છે. માટે કહું છું તમારી પાસે પૈસા છે એનો ત્યાગ કરી દો!! પૈસો અને પાપ ક્યારેય સંઘર્યા સંઘરાય નહિ. એ એનો માર્ગ કરી જ લે માટે હજી સમય છે ચેતી જાવ અને આગલા જન્મ માટે કમાઈ કરી લો!! જય સીયારામ!!

લંગડદાસ બાપુએ પ્રવચન પૂરું કર્યું. સામે બેઠેલા ચાલીશેક જણા એ વારફરતી ઉભા થઈને બાપુના ચરણ સ્પર્શ કર્યા. અમુકે બાપુને વળી સો રૂપિયા કે પચાસ રૂપિયાની પ્રસાદી પણ ધરી. એના વાંહામાં બાપુએ હળવો ધબ્બો પણ માર્યો!!  . વાંહામાં ધબ્બો વાગતા જ એ વ્યક્તિ ધન્ય થઇ ગયો હોય એમ ગળગળો થઇ ગયો. ભાવ વિભોર થઇ ગયો.. બસ જાણે હવે આ જન્મમાં એનો ફેરો સફળ થઇ ગયો હોય એમ લાગ્યું. બાપુ કાઈ બધાને ધબ્બા ના મારે.. બાપુને જે વ્હાલા હોય એને જ ધબ્બા મારે છે. અને બાપુને કોણ વ્હાલા હોય??? જે પૈસા મુકે એ જ વ્હાલા હોય ને!!

આમ તો આઠ વરસ પહેલા આહી નાની એવી દેરી હતી એક બે ખીજડા ના ઝાડ હતા. દેરી હતી રસ્તાના કાંઠે પણ સાવ  અવાવરું જગ્યાએ હતી. એમાં આ બાપુ આવી ચડ્યા. બાપુનું શું નામ અને કયું ગામ એ કોઈને ખબર જ નહોતી. પણ બાપુનો એક પગ ભાંગલો હતો એટલે બધાએ નામ પાડી દીધું હતું. લંગડદાસ બાપુ!! અને બાપુને એ નામથી કોઈ જ વાંધો નહોતો!! લંગડદાસ બાપુ એ ધીમે ધીમે આ સ્થળને જમાવી દીધેલું. શરૂઆતમાં ઘેટા બકરા ચારતા ગોવાળ સિવાય ત્યાં કોઈ ભોજિયો ભાઈ પણ ફરકતો નહિ!! એવામાં એક બાજુમાં પટેલનું ખેતર એટલે અસુર ટાણે એ આવતા જતા થયા. બાપુને ક્યારેક રોટલો અને કઢી જમાડે. ગામમાં એક માસ્તર રહે. માસ્તર ધાર્મિક ઘણા. ગામડામાં રહેતા માસ્તરો વધુ ધાર્મિક હોય છે .. સત્યનારાયણની કથા હોય કે ગમે એની ઘરે હોમ હવન કે એવો ધાર્મિક પ્રસંગ હોય!! આ માસ્તર તો હોય હોય ને હોય જ!! આમેય આવા ધાર્મિક માસ્તરની કાઠીયાવાડમાં એક ખાસ વેલ્યુ હોય છે. એક માસ્તર ગયા જાય એટલે એની વાંહે વાંહે બીજા માસ્તર પણ શરમના માર્યા જાવા મંડ્યા!! નહીતર ગામમાં પાછી વાતું થાય કે આ માસ્તર તો સાલો નાસ્તિક છે કોઈ દિવસ મંદિરે કે દેવ દર્શને કે સત્યનારાયણની કથામાં જતો જ નથી.!! એક દિવસ શ્રાવણ મહિનાના સોમવારે માસ્તરે છોકરાને આ બાપુ પાસે લઇ આવ્યા. વાળી ચોળીને જગ્યા સાફ થઇ.. પાણી પીવા માટે બે મોટી માણ મુકાઈ ગઈ. બાળકોએ વનભોજન કર્યું. સાંજે વળતી વખતે દરેક બાળક બાપુને પગે લાગતું જાય અને રૂપિયો બે રૂપિયા મુકતું જાય!! એના પછીના શ્રાવણ માસના સોમવારે વળી જગ્યામાં વ્રુક્ષારોપણ થયું. એ સ્થળ હવે જગ્યા બની ગઈ હતી!! એક માસ્તર વળી વધારે ઉત્સાહી હતો એણે નિશાળમાં પડેલા કલર અને પીંછી થી એક મોટું બોર્ડ બનાવ્યું.

“શ્રી લંગડદાસેશ્વર બાપુની જગ્યા”

અને પછી તો એ રસ્તે નીકળતી બે બસો પણ પાણી પીવાની લાલચે ત્યાં ઉભી રહેવા લાગી. શ્રદ્ધાળુ અને દુખી લોકોની આ દુનિયામાં કોઈ કમી નથી એટલે આવા લોકો જ્યાં જ્યાં ધજા ભાળે ત્યાં ત્યાં પાંચ દસ રૂપિયા દાન પેટીમાં નાંખતા જાય”

અને પછી આવી ગુરુપુનમ અને લંગડદાસ બાપુએ માસ્તરને કીધું.

“હમરી ઈચ્છા હૈ કી ઇસ સાલ ગુરુ પૂનમ ધૂમધામ સે ઉજવણા કરવાના. આપ ગાવમે ઘર ઘર જાકે ફાળા ઉઘરાણા કરના હૈ , શાળા કે બચ્ચો કો બટુક ભોજન કરાયેંગે અને શામ કો ભજન ગાયેંગે મોજ કરેંગે”  લંગડદાસ બાપુ હતા તો ગુજરાતી પણ જેમ જેમ જગ્યાનો વિકાસ થતો જતો હતો એમ એમ એની ભાષામાં હિન્દી શબ્દો આવી રહ્યા હતા.!!

અને માસ્તરે ફાળો શરુ કરી દીધો. સાંજે નિશાળ છૂટે એટલે ઘરે આંટો મારે એમ કરતા એક દિવસ માસ્તર બજરંગદાસ બાપના ઓટલે ભાભલા મંડળ બેઠું હતું તે ત્યાં જઈ ચડ્યા.

‘આ જગ્યા એ ગામનું ગૌરવ ગણાય. આ વખતે ત્યાં ગુરુ પૂનમ ઉજવવાની છે. લંગડદાસબાપુની ઈચ્છા છે એટલે મને ફાળાનું સોંપ્યું છે. સહુ સહુની યથા શક્તિ મુજબ ફાળો લખાવો” કોઈએ પચાસ અને કોઈએ વળી સો લખાવ્યા એક બે જણાએ વળી પાંચસો પાંચસો લખાવ્યા. પણ ભાભલા મંડળમાં બેઠેલા જેઠા બાપા બોલ્યા.

“ માસ્તર તમારી નિશાળમાં કોઈ છોકરા ને નોટબુક કે પેન, કંપાસ કે એવું કાઈ ભણવાનું ઘટતું હોય અને ઈ છોકરાવ ના બાપાને સગવડ ના હોય તો આ જેઠાબાપા ને કેજો બાપના બોલથી હજાર રૂપિયાનો ખર્ચ થાશે ને તો આ જેઠો ભોગવી લેશે પણ આ ગુરુ પૂનમ અને લંગડદાસમાં આપણે કાઈ લખાવવાના નથી”

“એ તો જેની જેની શ્રદ્ધા આ કઈ ફરજીયાત નથી. ધરમનું કાર્ય છે અને મને સોંપ્યું છે એટલે હું સેવાભાવનાથી કામ કરું છું” માસ્તરે ગરમ થયા વિના કહ્યું.

“તમને સોંપ્યું છે એટલે હું માપમાં જ બોલ્યો છું. બાકી બીજો કોઈ આવ્યો હોતને તો આ ખાસડા ભેગો ઉંધો જ થઇ જાત.. એ લંગડદાસ થોડો ગામ આખાનો ગુરુ છે તે ગુરુ પૂનમ ઉજવે અને ગામ ફાળો આપે??? ગુરુ શું કહેવાય?? એ બધી એને કાઈ ખબર જ નથી અને મારું બેટું ગામ પણ લઇ હાલ્યું જ છે. ઘરે છોકરા પાંચ રૂપિયાના બિસ્કીટ સારું બારસાખે માથા ભટકાડતા હોય અને ઈ છોકરાનો બાપ અને માં લંગડદાસને ત્યાં કિલો સફરજન દઈ આવે .આવા નમુના પણ ગામમાં પડ્યા છે. એ ઘરના છોકરાને ખવડાવો મોટા થઇ ને ઈ રળી ને દેશે.. આ લંગડદાસ કાઈ તંબુરો ય નહિ બંધાવી દે.. તમારે જ પૈસે જે સાધુ જીવે એ તમને શું સાસ ઘાલી દે એ કયો મને માસ્તર?? ” માસ્તર કાઈ બોલ્યા નહિ. ગામ આખું જેઠાબાપા સામે કાઈ ના બોલતું. જેઠાબાપા પાસે રોકડો જ હિસાબ હોય .એક તો ઈ ગાયકવાડ વખતમાં સાત પાસ થયેલા. ગામ કહેતું કે જેઠાબાપા ભલે કોલેજ નથી ગયા પણ નોલેજ ગજબનું છે. એ આવા સાધુને તો ક્યારેય ના માનતા. જેઠા બાપા ભલા એની ખેતી ભલી!!

અને ગુરુ પૂનમ ઉજવાણી ધામધૂમ થી ઉજવાણી.. સાવ મફતમાં ઉજવાણી.. જમવામાં પણ સહયોગ મળી ગયો હતો કોઈએ પચાસ કિલો ગાંઠીયા આપ્યા તો કોઈએ બટેટાની ગુણ તો કોઈએ તેલના બે ડબ્બા આમ ને આમ કાચો માલ મફતમાં મળી ગયો. રસોઈયા પણ મફતમાં રાંધી ગયા. વાસણ તો મધ્યાહન ભોજનના હોય એટલે કોઈ તકલીફ નહોતી. બધો હિસાબ કરતા વાંહે લંગડદાસ બાપુને ત્રીસેક હજારનો નેટ નફો થતો હતો. એક ખૂણામાં નાળીયેરનો ઢગલો થઇ ગયો હતો. બસ પછી તો બાપુને જ્યારે તરસ લાગે ત્યારે બે નાળીયેર ફોડે શેષ આપે ભક્તોને અને પાણી લંગડદાસ બાપુ પીવે!! વરસ દિવસ પહેલા સાવ સુકી પાંખી જેવો બાંધો ધરાવતા લંગડદાસ બાપુ નાળીયેરનું પાણી પી પી ને હવે હટાકટા બની ગયા હતા. બસ પછી તો આજુબાજુના ગામમાં પ્રચાર થઇ ગયો કે બાપુ તો કા ગંગાનું પાણી પીવું અને કા નાળીયેરનું એવી બાધા લીધી છે. બસ પછી તો લીલા નાળીયેર પણ આવવા લાગ્યા. અને બાપુ નાળીયેરનું પાણી પીવા લાગ્યા.

અને આ આઠ વરસમાં એક નાનકડું મકાન!! એ ય ને પાછુ એટેચ્ડ સંડાસ બાથરૂમ વાળું. બાપુ માટે  એક નાનકડો હોલ જેમાં બાપુ હવે સત્સંગ જેવો આવડે એવો ઠપકારવા માંડ્યા હતા. બાપુની પ્રેકટીશ વધી ગઈ હતી. એ હવે આયુર્વેદનું જ્ઞાન પણ આપવા માંડ્યા હતા. લોકો હવે એની સમસ્યા પણ લઈને આવતા હતા .એના માટે બાપુએ સવારે આઠ થી નવનો સમય ફાળવ્યો હતો.

“ બાપુ આ છોકરાને આંખે ચીપડા બહુ વળે છે અને આંખો દિવસ આંખ્યું ખંજવાળ  ખંજવાળ કરે છે આની દવા બતાવો”

બાપુ એક ભભૂતિ આપે અને કહે!!

એને લીલું લીલું ખવડાવો … કોથમીર ખવડાવો .. મેથીની ભાજી ખવડાવો!! ગલકા ખવડાવો.. તુરીય ખવડાવો..લીલું એટલું આંખ માટે સારું!!

તો કોઈક વળી કહે

“બાપુ આને લોહી આછું થઇ ગયું છે અને સહેજ વાગેને ત્યાં ફૂટ થઇ જાય છે લોહી પાતળું થઇ ગયું છે સાવ સુકાઈ ગયો છે .શરીર પીળું પડતું જાય છે..બાપુ કૈંક દવા કરોને કે આ છોકરો પાછો  ધુબાકા મારતો થઇ જાય.”

બાપુ એનેય ધૂણાની ભભૂતિ આપે અને કહે.

“આને લાલ ખવડાવો..ટામેટા ખવડાવો… થોરના ફીંડલા ખવડાવો…. લાલ મરચાનું આથણું ખવડાવો.. ગાજર ખવડાવો … બીટ ખવડાવો!!!

હવે બાપુ પાસે ફોન પણ આવી ગયો હતો. અને એ પણ જીઓનો ફોન!! બાપુ ફોનમાંથી સત્સંગના વિડીઓ જોઈ જોઇને સત્સંગ કરવા લાગ્યા હતા. હવે એના ગામમાં ખાસ સેવકો વધી ગયા હતા. એ ફોન પર જ બધો વહીવટ કરતા થઇ ગયા હતા. એને મન થાય ત્યારે ફોન લગાડે અને કહે!!

“પંકજભાઈ એક કિલો સફરજન લેકે આ જાઓ આજ મેરેકુ ઉપવાસ હૈ ઇસીલિયે ફરાળ કરના હૈ”!!

“ ભરતભાઈ પાંચ કિલો કેરી લેકે આ જાઓ આજ રસ ખાને કા મન હુઆ હૈ!!”

“પ્રવીણભાઈ એસા કરો ઇસ ફોન મેં ૧૯૮ કા રીચાર્જ કરા દો મેરા નેટ ખતમ હુઆ હૈ”

“ચંપક ભાઈ તુમ વીકે કો કહો અપની ગાડી લે કે આ જાઓ મુજે ગઢડા ઘૂમને જાના હૈ, અગર વીકે મના કરે તો જીજ્ઞેશભાઈ કો કહના વો ના નહિ પાડેગા”!!

“બડે તુમ દર્શન કરને નહીં આતે ક્યાં હમસે કોઈ તકલીફ હૈ ક્યાં..ઐસા કરો શામ કો આ જાઓ ઔર ફરાળી વેફર્સ કા તીન પેકેટ લેતે આના”

અને હવે બાપુની ગાડી ફાસ્ટ ટ્રેકમાં ચાલવા લાગી .સરકારી પડતર અને ગૌચર વાળીને મોટી જગ્યા થઇ ગઈ .તાર ફેન્સીગ પણ થઇ ગઈ.. લસણ અને મેથી અને લીલા શાકભાજી પણ આશ્રમમાં વવાઈ ગયા. બાપુએ સવાર સાંજ અને બપોર રસોડું ચાલુ કરી જ દીધું. જે આશ્રમમાં આવે ઈ જમ્યા વગરનો ના જાય અને સો બસો મુકયા વગરનો  પણ ના જાય એની ખાસ તકેદારી રાખવામાં આવતી. જેઠા બાપા એક બે વખત આશ્રમની મુલાકાતે આવી ગયા ઉપરછલ્લા એને આ બાપુની કોઈ વાતમાં રસ જ નહિ.. બાપુ હવે પ્રવચનમાં માયા ઉપર ખાસ ભાર મુકતા હતા. માયાથી કેમ છુટકારો મેળવવો એ વિષે એ કલાકો સુધી બોલી શકતા હતા. કોઈ ભાભલો ભૂલે ચુકેય જો લંગડદાસની વાત કરે એટલે જેઠા બાપા એને રીતસરનો ઉધડો જ લઇ લે.

“શું સલી ને દલી ચોંટી પડ્યા છો!! ગુરુ ગુરુ કરો છો એનામાં એકેય લખણ તો નથી ગુરુના!! એને નથી કોઈ વાણી નું વિવરણ કરતા આવડતું કે નથી કોઈ ભજનની બે કડી ગાતા આવડતું. એને નથી મીરાબાઈ કે ગંગાસતીની વાણી વિષે ખબર કે નથી કબીર અને નાનક વિષે ખબર!! નાળીયેરનું પાણી પી પી ને ફાટલ પાડા જેવો થઇ ગયો છે અને ઈ પોતે  ડાયાબીટીશ ની દવા ના ટીકડા લેશે અને તમારા દરદ ઈ મટાડી દે એમ??? પણ આ તો ગાડરિયો પ્રવાહ વળ્યો ઈ બાજુ વળ્યો!! તમને બહુ દાઝતું હોય ને એનું તો તો એના ચેલા થઇ જાવાનું બાકી આ બજરંગદાસ બાપાના ઓટલે એ લુખ્ખેશ ની વાત નહિ કરવાની. બાયું પણ હમણા મંડી જ પડી છે… ડોશી એની શેરીમાં પોદળા હોય .. ઘરના ફળીયામાં કચરાના ખડકલા હોય ઈ સાફ કરવાના બદલે લંગડદાસ ની જગ્યા વાળવા વેલી સવારે ઉપડી જાય છે. ઘરે સાસુ બિચારી ચા અને ભાખરી કરે લૂગડાં ધોતી હોય એને પોરો ના આપે અને જગ્યામાં કામ કરવા ધોડીને જાય છે એ બાવો જાણે મોટો ઉદ્ધાર ના કરી દેવાનો હોય!! અમારા કુટુંબમાં કે અમારી શેરીમાં મેં તો ના જ પાડી છે કે ભાળ્યું કોઈ ઈ બાજુ નજર કરી છે તો.. સહુ સહુના ઘર ચોખ્ખા રાખો. ઘરે સેવા પૂજા કરો થાય એટલી આમ હડિયા પાટી કર્યે કાઈ ના વળે..અને ગામ આખામાં એક અમારી શેરી ચોખ્ખી જ હોય!! એક કચરો ના ભાળો તમે!! હાળાવ જે કરવાનું છે ઈ કરતા નથી અને હવામાં બાચકા ભરે છે બાપુ જાણે એને બંધવી દેવાનો હોય એમ”!!

પણ ગામ તો એની રીતે આશ્રમ પાછળ જાણે રીતસરનું પાગલ થયું હતું. એક દિવસ સવારમાં ગામમાં કાળો કેર વર્તાયો. ગામમાં સમાચાર આવ્યા કે રાતે કોઈએ બાપુની હત્યા કરી નાખી છે. આશ્રમમાં આમ તો કાયમ સાત આઠ જણા તો હોય જ પણ એ રાતે ફક્ત બાપુને બીજા બે જણ જ હતા. ઈ બે જણા ઉનાળાની ગરમીને કારણે ધાબે સુતા હતા અને બાપુ તો એમના રૂમમાં એમના પલંગ પર જ સુતા હતા. બાપુ બારે માસ પલંગ પર જ સુતા હતા. વાત ગામમાં આવી અને ગામમાં દેકારો બોલી ગયો. ગામ આખું હડી કાઢીને બાપુની જગ્યામાં!!

થોડી જ વારમાં પોલીસ આવી. બધાને દૂર રાખ્યા. બાપુના રૂમના ફોટોગ્રાફસ લીધા. ડોગ સ્કવોડ આવી ડોગ બધેય સુંઘતો સુંઘતો છેલ્લે બાપુના ઓરડામાં ગયો. ત્યાંથી એ પાછલી બાજુએ ગયો. ત્યાં એક જગ્યાએ ફેન્સીગ તૂટેલું હતું ત્યાંથી કુતરો સુંઘતો સુંઘતો એકાદ કિલોમીટર વાડી હતી ત્યાં ગયો અને ત્યાં દાહોદ બાજુના ભાગિયા હતા. એક બે ભાગીયાને જોઇને કુતરો એની તરફ જોઇને જોરથી ભસ્યો અને પેલા બેય ભાગ્યા અને પકડાઈ ગયા.પોલીસે બે ય ભાગીયાને પકડી ને મારી મારીને અભાગિયા બનાવી દીધા. પોલીસનો માર એક એવી વસ્તુ છે કે ગમે તેવો કાગડો પણ પોપટ ની જેમ બોલવા માંડે!! પેલા બેય પોપટની જેમ બોલવા લાગ્યા.

“ અમે તો ચોરી કરવા આવ્યા હતા. પૈસા મળી જાય એટલે અમારે કોઈને મારવા નહોતા. બધેય જોયું કોઈ કબાટમાં પૈસા નહોતા.રસોડામાં પણ બધા ડબ્બા વિન્ખ્યા પણ પૈસા જ નહોતા .એક રૂપિયોય નહોતો.પછી બાપુ જે સુતા હતા ઈ પલંગ ના ગાદલા હેઠળ કદાચ પૈસા હોય એટલે ગાદલા નીચે જોયું તો રૂપિયાના બંડલ હતા, બાપુની જાડું શરીર અને એક બે બંડલ તો આવી ગયા હાથમાં પણ વધારે લાલચ જાગી એટલે બાપુને સહેજ ફેરવ્યા. અને પૈસા લેતા હતા જ ત્યાં બાપુ જાગી ગયા એટલે એ રાડ નો પાડે એટલે ઓશીકું મોઢા પર દાબી દીધું.. દાબ થોડો વધારે થઇ ગયો એટલે બાપુ સળવળતા બંધ થઇ ગયા. અમે બધા જ પૈસા લઈને ભાગી ગયા. આતો અમે હમણા નીકળવાના જ હતા અહીંથી ત્યાં જ તમે આવી ગયા.”

લગભગ અડધો કોથળો ભરાય એટલા પૈસાનો ઢગલો ભાગિયા પાસેથી કબજે કર્યો. મોટા ભાગની બે હજારની નોટો જ હતી. બે કલાકે તો પૈસા ગણાઈ રહ્યા. એક જ દિવસમાં કેસ સોલ્વ થઇ ગયો હતો. આરોપીઓના નિવેદનોની વિડીયો ગ્રાફી થઇ .સાક્ષીઓની સહીઓ લીધી. કોથળામાં પેલી રકમ નોંધી અને આરોપીઓ  ને લઈને પોલીસ ગઈ કે જેઠા બાપા બોલ્યા.

“પણ એક વાત તો માનવી જ પડે હો!! લંગડદાસ કહેતા હતા ને કે આ માયા એક દિવસ મરવી નાંખશે. પૈસાની માયા છોડો તો જ છુટકારો થશે.. પોતે આવું કહેતા પણ પૈસાની પથારી પર જ એ સુતા હતા..અને આ પૈસાએ જ એની અકાળે પથારી ફેરવી નાંખી છે.. આ પૈસા જો કોઈ કબાટમાં રાખ્યા હોતને તો ખાલી પૈસા જ જાત પણ જીવ બચી જાત! આ તો બધુય ગયું”

“પણ બાપુ આટલા પૈસા પોતાની પાસે કેમ રાખતા હતા??. બેંકમાં મૂકી દેવા જોઈએને??  ” ઉકો ભાભો બોલ્યો.

“બેંકમાં મુકે તો બેંક વાળા પૂછે કે આટલા બધા ક્યાંથી આવ્યા!!?? હવે પેલા જેવું નથ્ય!!?? હવે બધે કડક થઇ ગયું છે.. આ બધા પૈસા પર ટેક્સ ભરવો પડે એ તો સમજયા પણ આ પૈસા આવ્યા કયાંથી એ પણ દર્શાવવું પડે નહીતર સાંજે તમને પકડી લે શું સમજ્યો ઉકા” ગામ બધું વાતું કરતુ કરતુ  પોતપોતાના રસ્તે પડ્યું.

આમ લંગડદાસની પથારી નીચેની માયા એ જ  લંગડદાસબાપુની ની પથારી ફેરવી નાંખી.

લેખક :- મુકેશ સોજીત્રા

૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી

મુ.પો. ઢસા ગામ તા.ગઢડા જી,બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.