અનાથ દીકરીઓ માટે “લાડકી ફાઉન્ડેશન” અંતર્ગત 100 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ લઈને નીકળેલા સુર સમ્રાટ કિર્તીદાન ગઢવીનું સુરતમાં ભવ્ય સ્વાગત

ગુજરાતના સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી તેમના અવાજના કારણે જગ વિખ્યાત બન્યા છે. તેમના ડાયરામાં અનેરી રમઝટ જોવા મળે છે. થોડા સમય પહેલા જ તે અમેરિકામાં વસતા ગુજરાતીઓને ડાયરામાં મદહોશ કરીને વતન પરત ફર્યા છે. ત્યારે હાલ તે પોતાના “લાડકી ફાઉન્ડેશન”ને લઈને ગરબી અને અનાથ દીકરીઓ માટે 100 કરોડ રૂપિયા એકત્ર કરવાનો ટાર્ગેટ લઈને નીકળ્યા છે.

જે અંતર્ગત કિર્તીદાન ગઢવીનું સુરતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતની અંદર ચારણ ગઢવી સમાજ દ્વારા કિર્તીદાન ગઢવીનો સન્માન સમારંભ ગત ગુરુવારના રોજ સુરત એરપોર્ટ સામે આવેલા કરણીમાતા મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. જેની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.

ચારણ ગઢવી સમાજ દ્વારા આયોજિત સુરતમાં કિર્તીદાન ગઢવીના સ્વાગત સમારંભમાં આહિર, રબારી,ભરવાડ, મુસ્લમિ, રાજપુત સહિત વિવિધ સમાજના અગ્રણી, હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આ સમારોહમાં ડીડીઓ દિલીપદાન ગઢવી, સુરત ગઢવી સમાજના પ્રમુખ રાજેશભાઈ ઠાકરીયા, યુવા પ્રમુખ રાજદીપભાઈ ગઢવી, દક્ષિણ ગુજરાત કરણી સેનાના અગ્રણી વિક્રમસિંહ રાજપૂત સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

યુવા પ્રમુખ રાજદીપભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, “કિર્તીદાન ગઢવીએ 110 દિવસ સુધી અમેરીકામાં વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા. આ સિવાય ગુજરાતની ગરીબ દીકરીઓના ભણતર માટે 7 કરોડ રૂપિયા એકત્રિત કરી સેવાનો સેતુ બાંધ્યો છે. અમેરીકાથી પરત ફર્યા બાદ સમાજનું ગૌરવ સમાન કિર્તીદાન ગઢવીનું સુરતમાં ભવ્ય બહુમાન કરાયું હતું.”

કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં અઢી મહિના દરમિયાન 33 શો કર્યા છે. કિર્તીદાન ગઢવી ગુજરાતની ગરીબ અને જરૂરિયાતમંદ કન્યા માટે લાડકી ફાઉન્ડેશન બનાવી એક અનોખી પહેલ કરી છે. કીર્તિદાને 100 કરોડના લાડકી પ્રોજેક્ટ થકી ગુજરાતની જરૂરિયાતમંદ બાળકીની મદદમાં રહેશે.

ગરીબ બાળકીઓના અભ્યાસ અને ઉછેર માટે કીર્તિદાને ‘લાડકી’ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ બનાવ્યું છે. તેમનાં આ ટ્રસ્ટને કરોડો રૂપિયાનું અનુદાન મળ્યું છે. લોકસેવા અને સમાજસેવાના માધ્યમથી તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકીઓ માટે આ ટ્રસ્ટ થકી સહાય કરતા રહેશે.

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા હજારો ભારતીયોની હાજરીમાં લોકગાયક કીર્તિદાનનું સન્માન કરાયું છે, ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગુજરાતી કલાકાર દ્વારા વિદેશની ધરતી પર 33થી વધુ પ્રોગ્રામ કર્યા હતા. તેઓ આ કાર્યક્રમો દ્વારા આવનારા દિવસોમાં અનેક યોજના થકી વિશ્વભરની દીકરીઓને પગભર કરવાનું આયોજન કરી રહ્યા છે. આ સાથે કિર્તીદાન ગઢવી વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા દ્વારા વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ કેટેગરીમાં તેઓનું નામ સામેલ કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રવાસ દરમિયાન કિર્તીદાન ગઢવીને અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ તરીકે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું અને સાથે જ અમેરિકાના ન્યુજર્સી ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર એન્ડ CEO મિહિર બ્રહ્મભટ્ટ દ્વારા કિર્તીદાન ગઢવીને સનમાનિત કરવામાં આવ્યા હતાં.

અમેરિકાની ધરતી પર લોકલાડીલા લોકગાયક કીર્તિદાન ગઢવીએ 33થી વધુ સ્ટેજ શો કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર બનતા તેમનું સન્માન પણ કરાયું છે. તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાં વિવિધ સ્થળો ઉપર નવરાત્રીના પ્રસંગોમાં ગરબાના કાર્યક્રમો અને ત્યારબાદ ડાયરાના કાર્યક્રમો કર્યા હતા. મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ તેમના કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

નોંધનીય છે કે, કિર્તીદાને ગાયેલી જાણીતી રચના તેરી લાડકી… લાખો લોકોના ઘર ઘરમાં વાગતા હોય છે. વજ્ર જેવો કોઈ પણ કઠણ હ્રદયવાળો વ્યક્તિ પણ આ સોન્ગ સાંભળે તો પીગળી જાય છે. 17 મી સપ્ટેમ્બરે શિકાગોમાં કિર્તીદાન ગઢવી આ રચના રજૂ કરી હતી.

આ દરમિયાન ડલાસમાં કીર્તિદાનભાઈ અને બી યુનાઈટેડ સંસ્થાના અમિત પાઠકને વિચાર આવ્યો કે, ગુજરાતમાં અનેક લાડકીઓ, બાળાઓ એવી છે જેમના માં-બાપ આર્થિક રીતે સધ્ધર ન હોવાને કારણે અભ્યાસ કરી શકતી નથી. આવી બાળાઓને આર્થિક અને સામાજિક સહાય આપવામાં આવે તો સમાજ માટે યોગદાન આપ્યું ગણાશે. બસ આ વિચારને અમલમાં મુકવા માટે કીર્તીદાન ગઢવીએ ગાયેલા આ ગીતનું નામ નવા પ્રોજેક્ટને અપાયું છે.

Niraj Patel