ખબર ખેલ જગત

ગિરનાર રોપ-વે દ્વારા ગુજરાત ટાઇટન્સના જીતવા ઉપર આપવામાં આવશે ખાસ ભેટ, 1 મહિના સુધી મુસાફરોને મળશે ફ્રીમાં સફરનો આનંદ, જુઓ કેવી રીતે ?

IPLની ફાઇનલ આવતી કાલે રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર રમાવાની છે, જેમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ આમને સામને હશે, ગુજરાત ટાઇટન્સ પહેલીવાર આઇપીએલમાં ઉતર્યું અને પહેલીવાર જ સીધું જ શાનદાર પ્રદર્શન દ્વારા ફાઇનલમાં પ્રવેશી ગયું અને ફાઇનલ મેચ પણ ગુજરાતમાં રમવાની હોવાથી દર્શકોમાં પણ ભારે ઉત્સાહ છે.

ત્યારે હવે ક્રિકેટ રસિયાઓ માટે ગિરનાર રોપ-વે તરફથી ખુબ જ શાનદાર ઓફર આપવામાં આવી છે. જેમાં જો ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સને હરાવીને આઇપીએલ 2022નો ખિતાબ પોતાના નામે કરી લેશે તો ગિરનાર રોપ-વેની મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓને એક મહિના માટે ફ્રીમાં સફર કરાવવામાં આવશે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર રોપ-વે ચલાવી રહેલી કંપની ઉષા બ્રેકો દ્વારા આઇપીએલની ફાઇનલને લઈને ખાસ યોજના મુકવામાં આવી છે, જેમાં જે લોકોએ આઇપીએલની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને જોઈ હશે અને આ મેચમાં ગુજરાતની ટીમ જીતી જશે તો તેમને ફ્રીમાં રોપ-વેની સફર માણવા મળશે.

આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત ટાઇટન્સને તો ફાઇનલ મેચ જીતવી જરુરી જ છે, સાથે દર્શકોએ પણ ટિકિટ લઇ અને સ્ટેડિયમમાં મેચ જોઇ હોવી જોઈએ અને એ ટિકિટ બતાવવા ઉપર તેમને રોપ-વેમાં ફ્રી મુસાફરી કરવાનો લાભ મળશે. આ યોજના 30 મે 2022થી એક મહિના સુધી લાગુ કરવામાં આવશે.