2007 ટી20 વર્લ્ડ કપના સાથીને 12 વર્ષ બાદ મળ્યા ધોની, આ ખેલાડીને કારણે ચમકી હતી કપ્તાની
2007 T20 વર્લ્ડ કપ ફાઈનલના હીરો જોગિંદર શર્મા તાજેતરમાં ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને મળ્યા હતા. જોગિંદર 12 વર્ષ પછી માહીને મળ્યા હતા અને આ દરમિયાન તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. જોગિંદર શર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મુલાકાતની કેટલીક ઝલક પણ શેર કરી છે. તેમણે ધોની સાથેની મુલાકાતની ઝલક શેર કરી લખ્યુ- તે 12 વર્ષ પછી ધોનીને મળીને ખુશ છે.
જોગિંદર ‘એ યાર સુન યારી તેરી’ નામનું જૂનું હિન્દી ગીત પણ બેકગ્રાઉન્ડમાં લગાવ્યુ અને પોસ્ટને કેપ્શન આપ્યું, “ઘણા લાંબા સમય પછી ધોનીને મળીને આનંદ થયો. લગભગ 12 વર્ષ પછી આજે તમને મળીને એક અલગ જ આનંદ થયો.” જોગિંદર શર્માએ 2007 T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધોનીએ ફાઈનલની છેલ્લી ઓવર જોગિંદર શર્માને આપી હતી અને જોગિંદર માહીની અપેક્ષાઓ પર ખરા પણ ઉતર્યા.
માહી દ્વારા જોગિંદરને છેલ્લી ઓવર આપવી એ નિર્ણાયક નિર્ણય સાબિત થયો, જોગિંદર શર્માએ મિસ્બાહ ઉલ હકની વિકેટ લીધી અને ભારતને પ્રથમ T20 વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યો. T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચની વાત કરીએ તો પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં જીતવા માટે 12 રનની જરૂર હતી અને મિસ્બાહ ઉલ હક ક્રિઝ પર હતો જે શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો.
અનુભવી બોલરને પસંદ કરવાને બદલે ધોનીએ પ્રમાણમાં ઓછો અનુભવ ધરાવતા બોલર જોગિંદર શર્માને જવાબદારી સોંપી. આ નિર્ણયથી લોકો ચોંકી ગયા, પણ ધોનીનો તેની વ્યૂહરચના પરનો આત્મવિશ્વાસ ઓછો ન થયો, જોગિંદરે વાઈડથી ઓવરની શરૂઆત કરી, જેનાથી તણાવ વધુ વધ્યો. આગળનો બોલ ડોટ રહ્યો, ત્યારબાદ મિસ્બાહે સિક્સર ફટકારી અને પાકિસ્તાનને જીતની ખૂબ નજીક લઈ ગયો. ચાર બોલમાં માત્ર છ રનની જરૂર હતી.
દબાણ ઘણું હતું, પરંતુ ધોની શાંત રહ્યો અને જોગિંદરને ધ્યાન કેન્દ્રિત કરવા અને યોજનાને અંજામ આપવા પ્રોત્સાહિત કર્યો. ચોથા બોલ પર મિસ્બાહે જોખમ ભર્યો ફાઇન લેગ પર સ્કૂપ શોટ કરવાનો પ્રયાસ કર્યો. બોલ હવામાં લટકી ગયો અને શોર્ટ ફાઈન લેગ પર ઉભેલા શ્રીસંતે ધૈર્ય બનાવી રાખી અને કેચ પકડ્યો. મિસ્બાહ આઉટ થયો અને ભારતે પહેલો T20 વર્લ્ડ કપ પાંચ રનથી જીત્યો.
View this post on Instagram