માતા-પિતા ગુમાવ્યા, 17 વર્ષે બન્યા સેલ્સમેન, આજે ફેન્સના દિલ પર રાજ કરે છે અરશદ વારસી

કયારેક સેલ્સમેન બની ગુજારો કરતા હતા ‘સર્કિટ’, ઘરે ઘરે જઇને લિપસ્ટિક વેચતા હતા અરશદ વારસી, માતા-પિતાની મોત બાદ છૂટી ગયો હતો અભ્યાસ

અરશદ વારસી એવા સ્ટાર્સમાંથી એક છે જે દરેક પાત્રથી દર્શકોનું દિલ જીતી લે છે. તે પોતાના પાત્રમાં એટલા ડૂબી જાય છે કે લોકોના દિલ અને દિમાગમાં એક છાપ છોડી જાય છે. અરશદ વારસીએ ઘણા સંઘર્ષથી ભરેલા દિવસો વિતાવ્યા છે. માત્ર 20 વર્ષની ઉંમરે અરશદ વારસીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી પરંતુ તેમણે જીવનમાં હાર ન માની. અરશદ વારસીએ સખત મહેનત કરી અને પોતાની ઓળખ બનાવી છે. આજે અરશદ વારસી પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, 1968માં મુંબઈમાં જન્મેલા અરશદ વારસીએ આજે ​​ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. અરશદ પોતાની એક્ટિંગથી અનેક રીતે લોકોના દિલ જીતી લે છે.

જો કે તેમની આ સફર એટલી સરળ ન હતી, પરંતુ કોઈની મદદ વગર બોલિવૂડમાં આવીને પોતાની મેળે સફળતા મેળવવી તે એક સ્વપ્ન જેવું છે અને અરશદ વારસીએ તે સપનું પૂરું કરવા માટે શક્ય તેટલો પ્રયાસ કર્યો અને આ જ કારણ છે કે તે આજે આટલા લોકપ્રિયા છે.અરશદ વારસીનો જન્મ વર્ષ 1968માં મહારાષ્ટ્રના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો અને તે ખૂબ જ નાનો હતો જ્યારે તેના માથા પરથી પિતાનો પડછાયો હટી ગયો હતો. દસમા ધોરણ પછી, અભિનેતાએ તેમનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દેવો પડ્યો.

પિતાના મોત પછી, અરશદ વારસીએ પેટ ભરવા માટે ફોટો લેબથી લઈને ઘરે-ઘરે જઈ કોસ્મેટિક ઉત્પાદનો વેચતા સેલ્સમેન સુધીનું કામ કર્યું. અરશદ વારસીએ વર્ષ 1996માં ફિલ્મ ‘તેરે મેરે સપને’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી, તમને જણાવી દઈએ કે આ ફિલ્મ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પ્રોડક્શન હાઉસ ABCLના બેનર હેઠળ બની હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નહીં. અરશદ વારસીની પહેલી ફિલ્મ ફ્લોપ રહી હતી, પહેલી ફિલ્મ ફ્લોપ થવાને કારણે અભિનેતાને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા અરશદ વારસીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પહેલી ફિલ્મ ફ્લોપ થયા બાદ અભિનેતાને લાંબા સમય સુધી કોઈ કામ ન મળ્યું અને તેમના જીવનમાં એક એવો તબક્કો આવ્યો જ્યારે તે ત્રણ વર્ષ સુધી કામની શોધમાં હતો. આ મુશ્કેલ સમયમાં, અભિનેતાની પત્ની મારિયા ગોરેટીએ તેને ખૂબ જ સારી રીતે ટેકો આપ્યો. અરશદ વારસીએ પોતે આ વિશે જણાવ્યું હતું, તેણે કહ્યું હતું કે જ્યારે તેની પાસે કામ નહોતું ત્યારે તેની પત્ની મારિયા તે સમયે કામ કરતી હતી અને તેના પગારથી ઘર ચલાવતી હતી.

અરશદ વારસીને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ હતો. તેને તે સમયના લોકપ્રિય અકબર સામી ડાન્સ ગ્રૂપમાં જોડાવાની ઓફર મળી અને ધીમે ધીમે અહીંથી તેણે પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. અરશદ વારસીએ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ ફિલ્મમાં તેઓ મહેશ ભટ્ટના સહાયક દિગ્દર્શક હતા.અરશદ વારસીને ABCL દ્વારા પ્રથમ ફિલ્મ ‘તેરે મેરે સપને’ ઓફર કરવામાં આવી હતી જે અમિતાભ બચ્ચનની પ્રોડક્શન કંપની હતી. આ ફિલ્મ માટે અરશદ વારસીની પસંદગી જયા બચ્ચને કરી હતી.

અરશદ વારસીએ ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં સર્કિટનું પાત્ર ભજવીને બોલિવૂડમાં પોતાની વાસ્તવિક ઓળખ મેળવી હતી. આ ફિલ્મ તેની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. અરશદ વારસીના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. તે પોતાના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે. વર્ષ 1999માં તેણે અભિનેત્રી મારિયાને પોતાની જીવનસાથી તરીકે પસંદ કરી. લગ્નના પાંચ વર્ષ પછી એટલે કે 10 ઓગસ્ટ, 2004ના રોજ બંને પહેલીવાર પુત્રના માતા-પિતા બન્યા અને ત્યારબાદ 2 મે, 2007ના રોજ બંનેને એક પુત્રીનો જન્મ થયો.

Shah Jina