આપણા તહેવારો જ્યોતિષ શાસ્ત્ર

આશરે 500 વર્ષ પછી હોળીના દિવસે બનતો આ સંયોગ શેનો છે? વાંચો રસપ્રદ માહિતી

ફાગલ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવતો હોળીનો તહેવાર ધર્મની સાથે-સાથે સુખ, સમૃદ્ધિ અને શારીરિક કુશળતા સાથે જોડાયેલો તહેવાર છે. નવી ફસલ ઘરમાં આવવાથી આ તહેવાર આનંદનો પણ છે. હોલિકા દહનનો અગ્નિ અનેક કુશળ-મંગળનો કારક છે. દરેક વર્ષે હોળીનો તહેવાર ખાસ હોય છે. પણ આ વર્ષે જે સંયોગ બનવાનો છે, તે છેલ્લાં ૪૯૯ વર્ષમાં પહેલીવાર બને છે! અને આથી આ વખતની હોળી લોકો માટે ખાસ છે. સંયોગ ગ્રહોનો છે, નક્ષત્રોનો છે. આગળ જાણીએ તેના વિશે:

૧૫૨૧ પછી છેક આ વખતે બનેલો સંયોગ:

આ હોળીનાં પર્વમાં ગુરૂ અને શનિ પોતપોતાની રાશિઓમાં રહેવાના છે. બૃહસ્પતિ ગુરૂ ધન રાશિમાં રહેશે જ્યારે સૂર્યપુત્ર શનિ મકર રાશિમાં હશે. આ એક યોગ છે, જે વૈદિક પંચાગની ગણતરી મુજબ ઇ.સ. ૧૫૨૧નાં વર્ષમાં બન્યો હતો અને ફરી આ વખતે બને છે. આ સંયોગને ખાસ માનવાનું કારણ છે : લગભગ પાંચ સદીઓ પછી થતું તેનું પુનરાવર્તન!

આવો છે ફાયદો:

ગુરૂ અને શનિનો અનુક્રમે ધન અને મકર રાશિમાં રહેવાનો આ યોગ સુખ અને સમૃદ્ધિનો દ્યોતક છે. ગુરૂ એ જ્ઞાન, ધન, સંપત્તિ અને સંતાન માટે વરદાનરૂપ છે. એ જ રીતે શનિ દેવતા પણ જો કૃપાયમાન થાય તો સાધકનો બેડોપાર કરી દેશે. પણ એ માટે પૂર્વશરત વ્યક્તિ સારાં કર્મ કરે એ છે. હોળીના દિવસોમાં કોઈની નિંદા, ટીકા, કોઈનું અહિત કે ઘરમાં કલેશ કરવાથી બચવું જોઈએ. દુ:ખી કે નિ:સહાય લોકોને થોડીઘણી પણ મદદ જરૂર કરવી. આ રીતે ગ્રહ સંયોગનો ભરપૂર ફાયદો ઉઠાવી શકાય છે. રંગોના આ તહેવારમાં પ્રેમ અને ભાઈચારાની ભાવના જીવતી રાખવી એ આપણો પ્રથમ ધર્મ હોવો જોઈએ!

આર્ટિકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ લીંક શેર કરજો; સાથે-સાથે વોટ્સએપ કે ફેસબુક ગ્રુપમાં પણ પોસ્ટની લીંક શેર કરી દેશો, ધન્યવાદ! હોલી મુબારક!