પોરબંદરમાં સર્જાયો તારાજી જેવો માહોલ, આભ ફાટતા જ સર્વત્ર ભરાયા કમર સમા પાણી, પશુઓની હાલત ખુબ જ દયનિય, જુઓ
Heavy rain in Porbandar : દેશભરમાં હાલ ચોમાસોનો માહોલ જામ્યો છે, ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ગુજરાતના ઘણા ક્ષેત્રોમાં હજુ પણ વરસાદ બહુ ઓછો જોવા મળ્યો છે, ત્યારે આવા સમયે એક ખબર પોરબંદરમાંથી આવી છે, જ્યાં આભ ફાટતા તારાજી જેવો માહોલ સર્જાયો છે. ગઈકાલે બપોરે 12થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઈંચ વરસાદ થવાના કારણે હચમચાવી દેનારા દૃશ્યો પણ સામે આવ્યા છે. જેમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા તો પશુઓ પણ પાણીમાં તણાતા જોવા મળ્યા હતા.
ભારે વરસાદના કારણે પોરબંદર શહેર અને તેની આસપાસના ગામડાઓના હાલ બેહાલ થઈ ગયાં છે. અત્યાર સુધીમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં શહેરમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના રાણાવાવ તાલુકામાં સાડા 9 ઇંચ જેટલો વરસાદ અને કુતિયાણા તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ પડતા જળ હોનારત સર્જાઈ હોય તેવો માહોલ પણ જોવા મળ્યો હતો, આ વરસાદના કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
પોરબંદર શહેરના પારસ નગર,મીરા નગર સહીતના વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે પશુઓ અને વાહનો પાણીમાં તણાઈ રહ્યા હોય એવા દૃશ્યો પણ જોવા મળ્યા હતા. તેમજ ઘર અને દુકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પોરબંદરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. જેમાં ખાપટ, જનકપુરી વિસ્તારનો સમાવેશ થાય છે.
મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભારવાડા ગામના વાડી વિસ્તારમાં કેટલાક ખેતમજૂરો ફસાયા હતા. ખેત મજૂરે ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપતા ફાયર વિભાગે તાત્કાલિક લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતુ.