ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, મૃત્યુઆંક વધીને 16 થયો- કુલ કેસની સંખ્યા 33- જાણો સમગ્ર મામલો

ચાંદીપુરા વાયરસ રાજ્યભરમાં હાહાકાર મચાવી રહ્યો છે, ચાંદીપુરા વાઈરસને લઈને સરકારે હેલ્પલાઈન નંબર 104 શરૂ કરી છે. આજે જામનગરમાં આ વાયરસના 3 કેસ સામે આવ્યા હોવાનું અને તેમાંથી એક દર્દીનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે હવે આ મૃત્યુઆંક વધીને 16 થઈ ગયો છે અને કુલ કેસની સંખ્યા વધીને 33 થઈ ગઇ છે. અત્યારસુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ‌તી પણ હવે તો અમદાવાદ સહિતના મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે.

સુરેન્દ્રનગરનાં પાટડીમાં એક 5 વર્ષિય બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત થતા આરોગ્ય વિભાગનાં અધિકારીઓમાં દોડઘામ મચી ગઇ હતી. તબીબોના જણાવ્યા અનુસાર, બાળકીમાં ચાંદીપુરા વાયરસનાં લક્ષણો જોવા મળ્યા હતા જેમ કે ઝાડા-ઉલ્ટી અને પેટમાં પીડા… વડોદરાનાં સાવલીમાં પણ 6 વર્ષની એક બાળકીનું મોત થયુ છે, જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા કારણ જાણવા સેમ્પલ લેવામાં આવ્યુ હતુ અને રિપોર્ટ આવતા બાળકીનું મોત ચાંદીપુરા વાયરસને કારણે થયું હોવાનું સામે આવ્યુ છે.

જો કે હજુ પણ 4 બાળકોનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ ઉપરાંત જી.જી. હોસ્પિટલમાં પણ ચાંદીપુરાનાં શંકાસ્પદ 3 કેસ નોંધાયા છે. આઈસીયુમાં સારવાર લઇ રહેલ 1 બાળકનું મોત થયું હતું. જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા નમૂનાં લેવામાં આવ્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસમાં 12 કેસ નોંધાયા છે, જેમાંથી પાંચ બાળદર્દીના મોત થયા છે. આ પાંચ પૈકી એક દર્દીનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો જો કે હજુ ચાર બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે.

હાલ સયાજી હોસ્પિટલમાં 7 બાળકો સારવાર લઈ રહ્યા છે અને આ પૈકી 5 બાળકો બી.આઇ.સી.યુ અને આઇ.સી.યુમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે બે બાળકોને વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ચાંદીપુરા વાયરસની વાત કરીએ તો, પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુરના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત તેમજ આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો આ વાયરસથી પ્રભાવિત છે. આ એક આરએનએ વાઈરસ છે, જેના સંક્રમણથી દર્દી મગજનો તાવનો શિકાર થઈ જાય છે.

આ વાયરસ 9 મહિનાથી 14 વર્ષ સુધીનાં બાળકોને પ્રભાવિત કરે છે. સૌ પહેલા વર્ષ 2004માં આ વાયરસ ગુજરાતમાં ફાટી નીકળ્યો હતો. આ પછી વર્ષ 2010માં ચાંદીપુરા વાયરસના 29 જેટલા કેસ નોંધાયા અને 17 બાળકના મોત થયા હતા. વર્ષ 2019માં વડોદરાના ભાયલીમાં 5 વર્ષની બાળકીનું મોત થયું અને વર્ષ 2010માં પણ આ વાયરસ મધ્ય ગુજરાતના ખેડા, વડોદરા અને પંચમહાલમાં જોવા મળ્યો હતો અને આ વખતે પણ મધ્ય ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે.

Shah Jina