ભારતમાં ક્રિકેટ પ્રેમીઓની કોઈ કમી નથી અને એ વાત કોઈથી છુપાયેલી પણ નથી કે લોકો પોતાના ફેવરેટ ક્રિકેટરને મળવા માટે કઇ હદ સુધી જઇ શકે છે. હાલમાં જ એક ફેન ચાલુ મેચે મેદાનમાં આવી ગયો હતો અને વિરાટ કોહલીને ગળે લગાવ્યો હતો. આ પછી હવે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે પણ આવી જ રસપ્રદ ઘટના બની. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 27 માર્ચે હૈદરાબાદમાં મેચ રમાઇ હતી.
આ મેચ માટે જ્યારે મુંબઈની ટીમ હૈદરાબાદ આવી ત્યારે એક ફેન કેપ્ટન પંડ્યાને મળવા પહોંચ્યો. દુર્ગેશ તિવારી નામના વ્યક્તિએ ટ્વિટર પર હાર્દિક પંડ્યા સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. દુર્ગેશે પહેલા પોતાના હાથ પર બનાવેલું ટેટૂ હાર્દિકને બતાવ્યું અને પછી તેને પગે પડી આશીર્વાદ પણ લીધા. લોકો આ હૃદયસ્પર્શી વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. દુર્ગેશે કેપ્શનમાં એમ પણ લખ્યું કે તે હૈદરાબાદમાં તેના આઇડલને મળ્યો.
આ દિવસોમાં હાર્દિકને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને લોકો તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવા માટે તેનો ક્લાસ લઈ રહ્યા છે, પરંતુ દુર્ગેશ સાથેના વીડિયોએ બધાના દિલ પીગાળી દીધા. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ 24 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે થઇ હતી જેમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 168 રન બનાવ્યા.
જ્યાં સુધી રોહિત શર્મા ક્રિઝ પર રહ્યો ત્યાં સુધી મુંબઈની જીત લગભગ નિશ્ચિત જણાતી હતી, પરંતુ રોહિત આઉટ થતાં જ મુંબઈની આખી ટીમ ફંગોળાતી જોવા મળી. કેપ્ટન હાર્દિકે અંતમાં ઘણો પ્રયાસ કર્યો પરંતુ ગુજરાતના બોલર રાશિદ ખાન, ઉમેશ યાદવ અને મોહિત શર્માની ચુસ્ત બોલિંગને કારણે ગુજરાત 6 રનથી મેચ જીતી ગયુ. આ પછી 27 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પણ મુંબઈ તેની બીજી મેચ હાર્યુ.
View this post on Instagram