ચેતન સાકરિયાને 4.20 કરોડમાં દિલ્હીની ટીમ દ્વારા ખરીદવામાં આવતા પરિવારમાં છવાયો ખુશીનો માહોલ, માતાની આંખો ખુશીથી છલકાઈ ઉઠી

ગત રોજ IPL 2022 માટેનું ઓક્શન પૂર્ણ થયું, જેમાં ઘણા ખેલાડીઓ કરોડો રૂપિયામાં ખરીદાયા તો ઘણા ખ્યાતનામ ખેલાડીઓ પણ અનસોલ્ડ રહ્યા. પરંતુ આઈપીએલ યુવા ખેલાડીઓ માટે એક પ્લેટફોર્મ આપનારું બન્યું છે. ગયા વર્ષે ગુજરાતના એક ફ્રેશર ખેલાડી ચેતન સાકરીયાને રાજસ્થાન રોયલ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે પણ તેને કરોડોની કિંમત ચૂકવી અને દિલ્હીની ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો.

ગત વર્ષે ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલની ટીમ દ્વારા 1.2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો, ત્યારે આ વર્ષે  ચેતન સાકરિયાની આઈપીએલમાં બેઝ પાઈસ 50 લાખ રૂપિયા હતી. પરંતુ ગયા વર્ષનું તેનું આઈપીએલમાં પર્ફોમન્સ જોતા આ વર્ષે 8 ઘણા રૂપિયા મળ્યા છે, એટલે કે તેને આ વર્ષે દિલ્હીની ટીમે 4.20 કરોડ રૂપિયાની બોલી લગાવી ખરીદી લીધો છે.

આપીએએલમાં ચેતન સાકરીયાની નીલામી બાદ દિલ્હીની ટીમ દ્વારા તેને 4.20 કરોડમાં ખરદીવામાં આવતા જ પરિવારની ખુશીનો પાર રહ્યો. તેના મામાના ઘરે ભાવનગરના  મેપાનગરમાં રહેતા આનંદની લહેર છવાઇ હતી અને ઉજવણી જેવો માહોલ છવાયો હતો, પરિવારના સભ્યોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને આ ખુશીની ઉજવણી કરી હતી. તો આ સમયે ચેતનની માતાની આંખોમાં પણ ખુશીઓના આંસુઓ આવી ગયા હતા.

ચેતનની આઇપીએલ સુધી પહોંચવાની સફર પણ ખરેખર અદભુત છે. ખુબ જ તકલીફ ભરેલા જીવનમાંથી પોતાની મહેનત દ્વારા આ ક્ષેત્રમાં પહોંચવું તેના માટે ખુબ જ મુશ્કેલ હતું તે છતાં પણ તેને કરી બતાવ્યું. ભાવનગરના વરતેજ ગામના વતની ચેતન સાકરીયા ખુબ જ સાધારણ પરિવારમાંથી આવે છે. ચેતનને બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ખુબ જ રુચિ હતી.

ચેતનની આર્થિક હાલત ખુબ જ ખરાબ હતી. તેના પિતા કાનજીભાઈ એક ટેમ્પો ચાલક હતા અને માતા ગૃહિણી છે. એક સમય એવો પણ આવ્યો હતો જયારે ચેતનને ક્રિકેટ છોડવી પડે તેમ હતું, પરંતુ કહેવાય છે કે જ્યાં ચાહ હોય ત્યાં રાહ મળી જ આવે છે. આ દરમિયાન તેના મામાએ તેને પાર્ટ ટાઈમ કામ અપાવ્યું અને ક્રિકેટની રમત પણ ચાલુ રખાવી.

ચેતન સાકરીયાના ભાઈએ જાન્યુઆરી 2021માં આપઘાત કર્યો હતો. તે સમયે તે તેના ઘરે ન હતો અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમી રહ્યો હતો. ચેતન ઘરે પરત ફર્યો ત્યારે તેના પિતાએ આ દુ:ખદ સમાચાર જણાવ્યા હતા. આ ઉપરાંત ગયા વેર્ષે જ ચેતન સાકરિયાના પિતાનું પણ કોરોનાના કારણે નિધન થયું હતું. જેના કારણે ગયું વર્ષ ચેતન માટે ખુબ જ ખરાબ પણ રહ્યું હતું.

Niraj Patel