ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને એમાં પણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા અને જુનાગઢ તેમજ સુરત જિલ્લાની વાત કરીએ તો મેઘરાજાની ધોધમાર બેટિંગ જોવા મળી. આજે વહેલી સવારથી કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નખત્રાણા તાલુકામાં તો ભારે વરસાદને પગલે રસ્તાઓ પણ બંધ કરાયા છે. જ્યારે જડોદર પાસે નખત્રાણા નલિયા સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. અનેક જિલ્લાઓ અને શહેરોમાં ભારે વરસાદ વચ્ચે આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે.
જે અનુસાર, આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, ગીર સોમનાથ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મોરબી, ભાવનગર, રાજકોટ, જામનગર, અમરેલી તેમજ ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, મહીસાગર, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. સોમવારે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું.
ભારે વરસાદને પગલે દેવભૂમિ દ્વારકામાં એનડીઆરઆફની ટીમ પણ ફસાઈ હતી અને આ પછી બચાવ કામગીરી માટે એરફોર્સની મદદ લેવામાં આવી હતી. સુરતમાં 8.74 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. દ્વારકાના કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસ્યો જ્યારે માણાવદરમાં 15 ઇંચ… દ્વારકા જિલ્લાના 15માંથી 8 ડેમ છલકાયા છે, જ્યારે અન્ય 70 ટકા ભરાઈ ગયા છે. સુરત શહેરમાં 24 કલાકમાં 8.74 ઇંચ વરસાદ ખાબક્યો. રવિવારે મોડીસાંજથી શરૂ થયેલો વરસાદ સોમવારે પણ દિવસભર યથાવત રહ્યો હતો.
સોમવારે એક જ દિવસમાં જુનાગઢના માણાવદરના જીંજરી ગામ 4 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાયું હતું. 50 જેટલા ઘરોમાં તો પાણી ઘુસી જવા પામ્યા હતા. કચ્છમાં 22 જુલાઇ સુધીમાં તો 6 ઇંચ વરસાદ થવો જોઇએ, જેની સામે સરેરાશ 10 ઇંચ વરસાદ થઇ ચૂક્યો છે. જરૂરિયાત કરતાં 4 ઇંચ સાથે 69% વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે છતાં પણ રાજ્યના 54% વિસ્તારમાં ઘટ..
ગુજરાતમાં અત્યાર સુધીમાં ખાબકેલા વરસાદની વાત કરીએ ગુજરાતમાં આ સિઝનનો સરેરાશ 44.29 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સરેરાશ 66.13 ટકા, કચ્છમાં સરેરાશ 58.40 ટકા, ઉત્તર ગુજરાત ગુજરાતમાં 24.02 ટકા, દક્ષિણ ગુજરાતમાં 50.16 ટકા, મધ્ય ગુજરાતમાં સરેરાશ 24.90 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદની વાત કરીએ તો, દ્વારકામાં 6 ઈંચથી વધુ, જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં 4 ઈંચથી વધુ, કલ્યાણપુરમાં 11.3 ઈંચ, કેશોદમાં 7 ઈંચથી વધુ, ઉપલેટામાં 5 ઈંચથી વધુ, સુરત શહેરમાં 4 ઈંચથી વધુ, નવસારીમાં 4 ઈંચથી વધુ, વલસાડમાં 5 ઈંચથી વધુ, માણાવદરમાં 10 ઈંચ, બારડોલીમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જ્યારે કામરેજમાં 5 ઈંચથી વધુ, વંથલીમાં 4 ઈંચથી વધુ, માળિયા હાટિનામાં 6 ઈંચથી વધુ, વિસાવદરમાં 8.89 ઈંચ, પલસાણામાં 7.44 ઈંચ, ચીખલીમાં 6 ઈંચ, રાણાવાવમાં 5 ઈંચથી વધુ, ગીર ગઢડામાં 5 ઈંચથી વધુ, પોરબંદરમાં 4 ઈંચથી વધુ, જલાલપોરમાં 4 ઈંચથી વધુ, કપરાડામાં 7 ઈંચ, માંડવીમાં 5 ઈંચથી વધુ, ઉમરગાંવમાં 5 ઈંચથી વધુ, પારડીમાં 5 ઈંચથી વધુ, ખેરગામમાં 5 ઈંચથી વધુ, કુતિયાણામાં 5 ઈંચ, કોડિનારમાં 4 ઈંચથી વધુ, મુંદ્રામાં 4 ઈંચથી વધુ, ધરમપુરમાં 4 ઈંચથી વધુ અને અન્ય 136 તાલુકામાં સામાન્યથી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.