વાલીઓ બાળકોને સાચવજો! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, 88 કેસ-36ના મોત…4 વર્ષનું બાળક સંક્રમિત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે ત્યારે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના 88 કેસ નોંધાયા છે. ચાંદીપુરાના પોઝીટીવ 22 કેસ કન્ફર્મ થયા છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 36ના મોત થયા છે. હાલ 46 દર્દીઓ એવા છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જામનગરના કાલાવડના નિકાવા ગામના 4 વર્ષના બાળકને ચાંદીપુરા વાઈરસનો ચેપ લાગતા રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. તેના લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાઈરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આવેલ સિમાણી કાલાવડના 4 વર્ષના બાળકનું ચાંદીપુરાથી મોત થયું હોવાનું સામે આવ્યુ છે. બનાસકાંઠાના થરાદથી એક 10 વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસને પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે દાખલ કરવામાં આવી છે. અમદાવાદની સોલા સિવિલમાં હાલમાં ચાંદીપુરા વાઇરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં સાણંદની 1 વર્ષની બાળકી અને કડીની 6 વર્ષની બાળકી સામેલ છે.

બંને બાળકીના સેમ્પલ ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેમાં એકના શનિવારે અને અન્ય એકના ગઈકાલે મોકલવામાં આવ્યા હતા. હાલ તો બંને બાળકોની સ્થિતિ સ્થિર છે, પણ ઓબ્ઝર્વેશન હેઠળ બંનેની સારવાર ચાલી રહી છે. ભરૂચમાં પણ ચાંદીપુરા વાઈરસની એન્ટ્રી થઈ ગઇ છે. નેત્રંગના ધાણીખુંટ ગામે ચાંદીપુરા વાઈરસનો એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. સાડા પાંચ વર્ષના બાળકને લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવાર માટે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં વધુ ત્રણ બાળકનાં મોત થયાં જેમાં બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી, મોરબી, ઘોઘંબા તથા સુરતમાં 1-1 બાળકનું મોત થયું. આ સાથે મૃત્યુઆંક 36 થયો જ્યારે કુલ કેસ 88… સૌથી વધુ 11 કેસ પંચમહાલમાં જ્યારે સાબરકાંઠામાં 9 નોંધાયા છે. જણાવી દઇએ કે, 14 વર્ષ પહેલા ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં 14 લોકોનો જીવ લીધો હતો.

Shah Jina