ઉડાન ભરતી વખતે જ પ્લેન થયુ ક્રેશ, ક્રૂ સહિત 19 લોકો હતા સવાર – જુઓ દર્દનાક તસવીરો

નેપાળના કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યુ છે. આ પ્લેનમાં એર ક્રૂ સહિત 19 લોકો સવાર હતા, જો કે આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. મળતી માહિતી મુજબ વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું.

અહેવાલો અનુસાર વિમાન ટેકઓફ દરમિયાન રનવે પર સ્લીપ થઇ ગયું હતું, જેના કારણે દુર્ઘટના સર્જાઈ. ઘટના બાદ રાહત અને બચાવ ટીમો પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી. હાલમાં રેસ્ક્યુ ટીમ આગને વહેલી તકે ઓલવવાનો પ્રયાસ કરી રહી છે જેથી કરીને વિમાનમાં સવાર મુસાફરો વિશે માહિતી મેળવી શકાય.

આ વિમાન દુર્ઘટનાની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં આગની ઉંચી જ્વાળાઓ જોવા મળી રહી છે. દુર્ઘટનાને કારણે વિમાનની અવરજવર પ્રભાવિત થઈ છે. આ ઘટના આજે સવારે 11 વાગ્યે બની હતી, હાલ રાહત કાર્ય માટે ટીમો સ્થળ પર હાજર છે.

આ વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. ક્રેશ થયા બાદ પ્લેનમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. રીપોર્ટ અનુસાર, નેપાળ સરકારે રાહત કાર્ય માટે સેનાના જવાનોને ઘટનાસ્થળે મોકલ્યા છે. મેડિકલ અને સેનાના જવાનોની ટીમ રાહત કાર્યમાં લાગેલી છે.

એરપોર્ટના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે કહ્યું કે જે રીતે આગ લાગી છે તે ખરાબ સમાચાર છે. નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સૌરી એરલાઈન્સનું વિમાન ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું હતું.

Shah Jina