ઢોલીવુડ મનોરંજન મૂવી રીવ્યુ

ખાટા-મીઠાના સંબંધોથી ભરપુર ફિલ્મ ગોળકેરી, ફિલ્મ જોવા જતા પહેલા આ રીવ્યુ જરૂર વાંચજો

ગુજરાતી સુપરસ્ટાર કહેવાતા અભિનેતા મલ્હાર ઠાકર અને માનસી પારેખની, મિકા સિંહના ગીતવાળી ફિલ્મની બધા ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહયા હતા. ત્યારે હવે આ ફિલ્મ રિલીઝ થઇ ગઈ છે. વાત કરીએ છીએ ખાટા-મીઠાના સંબંધોથી ભરપુર ફિલ્મ ગોળકેરી વિશે.

Image Source

આ ફિલ્મમાં મલ્હાર અને માનસી સિવાય મરાઠી ફિલ્મજગતના જાણીતા અભિનેતા સચિન ખેડેકર અને ટેલિવિઝન જગતનો એક જાણીતો ચહેરો વંદના પાઠક પણ મહત્વના પાત્રોમાં જોવા મળે છે. જણાવી દઈએ કે ફિલ્મ ગોળકેરી સચિન, વંદના અને માનસીની પહેલી ગુજરાતી ફિલ્મ છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે વંદના પાઠક મહારાષ્ટ્રિયન છે, પણ તેઓ અમદાવાદમાં ઉછર્યા છે એટલે તેમની ગુજરાતી ભાષાની પકડ મજબૂત છે.

Image Source

વાત કરીએ ફિલ્મની સ્ટોરી વિશે તો આ ફિલ્મની વાર્તા સમોસુ, હસ્સુ, મોસુ અને જસુની આસપાસ ફરી રહી છે. ફિલ્મમાં મલ્હાર સમોસુ એટલે કે સાહિલ મોહનભાઇ સુતરિયાનું પાત્ર ભજવી રહ્યો છે જયારે માનસી હર્ષિતા એટલે કે હસ્સુનું પાત્ર ભજવી રહી છે, જે એક સ્ટ્રગલિંગ સ્ટેન્ડઅપ કોમિક છે.

Image Source

વંદના પાઠક જસુનું પાત્ર ભજવી રહી છે અને સચિન ખેડેકર મોસુ એટલે કે મોહનભાઇ સુતરિયાનું પાત્ર ભજવી રહયા છે. આ શરૂઆત એક કોમેડી શોથી થાય છે જેના અંતમાં સમોસું અને હસ્સુનું બ્રેકઅપ થઇ જાય છે.

Image Source

આ બ્રેકઅપ પછી શરુ થાય છે ફિલ્મની ખરી વાર્તા જયારે સાહિલના માતા-પિતાની ભૂમિકામાં વંદના પાઠક અને સચિન ખેડેકર તેમની અંતરંગ જિંદગીમાં પ્રવેશ કરે છે. આ વાર્તા તમને પોતાની સાથે એ રીતે બાંધીને રાખે છે કે ક્યારે ઈન્ટરવલ આવી જશે એ ખબર જ નહિ પડે.

Image Source

આ ફિલ્મમાં સમોસુ અને હસ્સુના બ્રેકઅપ પછી તેમના માતાપિતા તેમને પાછા ભેગા કરવા માટેના જે પ્રયાસો કરે છે એ દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મને જોતા સમયે થોડી થોડી વારે હસી પડાશે અને થોડી થોડી વારે એવું લાગશે કે ‘લાયા બાકી…’

Image Source

ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે, જે તમને છેલ્લે સુધી જણાવા નહિ દે કે બ્રેકઅપ તો થયું પણ એનું કારણ શું હતું. ફિલ્મ વર્તમાનની સાથે સાથે ફ્લેશબેકમાં પણ ચાલી રહી છે, પણ વર્તમાન અને ફ્લેશબેકને મળીને પણ ફિલ્મ પોતાનું મૂળ કશે પણ છોડતી નથી. બ્રેકઅપ પછી માતાપિતા વચ્ચે પડે છે અને આખરે બંનેનું પેચઅપ થાય છે કે નહિ એ જોવા માટે તો ફિલ્મ જોવી પડે.

Image Source

છેલ્લે સુધી તમને આ ફિલ્મ પોતાની સાથે બાંધીને રાખે છે. આ ફિલ્મમાં માતાપિતાના પોતાના સંતાન પ્રત્યેનું એક નવું જ વલણ દર્શાવવામાં આવ્યું છે, જે ખરેખર લોકોએ જોવા અને સમજવા જેવું છે. આ ફિલ્મનો વિષય અને આ ફિલ્મમાં ક્ષણે-ક્ષણે આવતા વળાંકો ખરેખર જોવા જેવા છે.

આ ફિલ્મમાં યુવા પેઢીની વિચારધારા, તેમની ભાષા, સંબંધો અને સોશિયલ મીડિયાની આસપાસ ફરતી દુનિયાને ખૂબ જ સારી રીતે રજુ કરવામાં આવી છે. સાથે જ આજની યુવા પેઢી જે રીતે ફેલ થવાના ડરથી પ્રયાસ કરવાનું છોડી દીધું છે એ વિષયને પણ આવરી લેવામાં આવ્યો છે તો સાથે જ કેવી રીતે થાક્યા વિના સતત સંઘર્ષ કરી શકાય છે એ પણ દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બધા જ સંબંધોને ખૂબ જ સરસ રીતે મઢવામાં આવ્યા છે.

Image Source

વાત કરીએ અભિનયની તો આ ફિલ્મમાં સાહિલની ભૂમિકામાં મલ્હારનો અભિનય ખૂબ જ સરસ છે, જે ફેલ થવાના ડરથી કશું પણ કરવાનું છોડી દે છે. એક પ્રેમી તરીકે આમાં તેનું પાત્ર ખૂબ જ અલગ તરી આવે છે. તો આ માનસીની પહેલી ગુજરાતી ફિલ્મ છે, આ ફિલ્મમાં માનસીનું પાત્ર હર્ષિતા એક ખૂબ જ સમજદાર છોકરીનું છે. તેનો અભિનય પણ વખાણવા લાયક છે. હા, ફિલ્મમાં બંનેના પાત્ર વચ્ચેની જે કેમેસ્ટ્રી છે એ થોડી ફીકી પડી જાય છે જયારે વંદના પાઠક અને સચિન ખેડેકરના અભિનયની વાત કરવામાં આવે તો તેમનો અભિનય જગતનો અનુભવ આ ફિલ્મમાં દેખાઈ આવતો હતો. તેમના પાત્રો વચ્ચે જે કેમેસ્ટ્રી દર્શાવવામાં આવી છે એ ખરેખર જોવા લાયક છે.

વંદના પાઠકે એક ગામડાની પણ આજના સમયમાં શહેરની જીવનશૈલીમાં ઢળીને સમય સાથે તાલ મિલાવીને ચાલવાનો પ્રયાસ કરતી સ્ત્રી, પત્ની અને માતાનું પાત્ર બખૂબી નિભાવ્યું છે. તો સાથે જ એક પ્રેમાળ અને ખૂબ જ સપોર્ટ કરતા પિતાના પાત્રમાં સચિન ખેડેકર પણ ગમી જાય છે. સચિન ખેડેકરનું પાત્ર મોસુ આખી ફિલ્મમાં એક જ વાર ગુસ્સે થતા બતાવવામાં આવે છે પણ આ સીન જોવાલાયક છે.

Image Source

આ ફિલ્મ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે. આ ફિલ્મમાં કોમેડી છે, થોડો રોમાન્સ છે, થોડા ઈમોશન છે, એટલે ઓવરઓલ આ એક ગોળકેરીના અથાણાં જેવી જ ખાટી-મીઠી ફિલ્મ છે. ફિલ્મમાં શરૂઆતમાં એક સરસ મજાનું રોમેન્ટિક ગીત છે તો ફિલ્મના અંતમાં બોલીવુડના લોકપ્રિય પોપ સ્ટાર મિકા સિંહ અને પાર્થિવ ગોહિલના અવાજમાં ‘સોણી ગુજરાતની’ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ ગીતથી મિકા સિંહ પહેલીવાર ગુજરાતી ફિલ્મોમાં ગીત ગાઈ રહયા છે.

આખી ફિલ્મ દરમિયાન એક વાતની ખામી હોય તો તે છે ફિલ્મનું નામ ‘ગોળકેરી’. આ ગોળકેરીનું નામ આખી ફિલ્મમાં એકપણ વાર લેવામાં નથી આવ્યું. ફિલ્મના ડિરેક્ટરે આ ફિલ્મ એક મરાઠી ફિલ્મ મુરબ્બાની રીમેક બનાવી છે, પણ આ ફિલ્મ એટલી સુંદર રીતે બની છે કે આ ફિલ્મ રીમેક નથી લાગતી. બાકી આ ફિલ્મમાં મા-દીકરાની કેમેસ્ટ્રી, માબાપની કેમેસ્ટ્રી અને બાપ-દીકરાની કેમેસ્ટ્રી ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવી છે.

એક સરસ મજાની ખાટી-મીઠી આ ગુજરાતી ફિલ્મ ગોળકેરીને 4 સ્ટાર તો આપી જ શકાય.

ફિલ્મ ગોળકેરીના પ્રિમીયરની ઝલક નિહાળો –

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.