મેઘા ગોકાણી લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 39 – બસ તમે જે જાણવા માંગો છો એ કહી જ દઉં કે આર ડી ઝાલા સાહેબ હકા ભીખા જીવિત છે – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-30, ભાગ-31, ભાગ-32, ભાગ-33, ભાગ-34, ભાગ-35, ભાગ-36, ભાગ-37 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

ઘનશ્યામ પોતાના ઘરે મોડે સુધી સુતો.. ત્યાં સુધી સુતો કે સોનાના નળિયા થઇ ગયા હતા. નવ વાગ્યે એ જાગ્યો . જાણે કે છ માસની ઊંઘ એકી સાથે ખેંચી ન કાઢી હોય!! જાગીને ઘરને નીરખીને જોયું તો ઘરની સિકલ જ જાણે ફરી ગઈ હતી. ઓશરીમાં સીન્નીના પંખા લાગી ગયા હતા. ખડકી કાઢીને મસ મોટી ડેલી થઇ ગઈ હતી. ગયો ત્યારે ઘરે બે ગાયો અને એક ભેંશ હતી. એના બદલે ચાર ભેંશ અને ચાર ગાયો થઇ ગઈ હતી. ઘરના સાવ દીદાર જ ફરી ગયાં હતા. ઘરની પાછળ એક બીજું ખાલી મકાન હતું કેશાભાભાનું અને કેશાભાભાએ પાદરડીમાં નવા મકાન કર્યા હતા. એટલે એ મકાન પરબતભાઈ એ ખરીદું લીધું હતું. આગળ જેટલી જગ્યા નહોતી એનાથી ડબલ જગ્યા હવે પાછળ થઇ ગઈ હતી. લીમડાનું દાતણ કરતી વખતે ઘનશ્યામે આ બધું જોઈ લીધું એને મનમાં આનંદ થયો. ચાલો આ બહાને ઘરમાં તો રોનક આવી.

“ આ તારા બાપા છે ને એ હાથના છુટા થઇ ગયા છે.પેલા શેઠિયાએ પૈસા સાચવવાના કીધા હતા પણ મીંદડીના પેટમાં ખીર ટકે તો તારા બાપના હાથમાં પૈસા ટકે આવું છે. માંડ માંડ મહિનો દિવસ શાંત બેઠા. તોય હું અર્ધા પૈસા બેંકમાં અને પોસ્ટમાં મૂકી આવી બાકી તારા બાપાએ તો અત્યાર સુધીમાં દાટ વાળી નાંખ્યો હોત દાટ” ચંપાબેન બોલતાં હતા પણ એના શબ્દોમાં મીઠાશ હતી શબ્દોમાં કોઈ જ ગુસ્સો નહોતો. પછી પરબત ભાઈ બોલ્યાં.

“ જે વાપર્યા છે એ લેખે જ વાપર્યા છે. આ પાછળની ભો કેટલાય દિવસથી મારા ધ્યાનમાં હતી પણ મેળ નહોતો ખાતો. વળી ગાયો અને ભેંશ પાછળ ખર્ચેલું નાણું વેડફ્યું ન કહેવાય. સાજી ભાંગી ખડકીને બદલે ડેલો કરાવ્યો. પંખા પણ કકદાટી બોલાવતા હતા. ઇલેક્ટ્રિક વલોણું પણ આવી ગયું હજુ તે આ ચીજ તો જોઈ જ નથી” એમ કહીને પરબત ભાઈ ફરજામાંથી કાપડ ઢાંકેલ રાજદૂત લઇ આવ્યા. એકદમ નવું નક્કોર રાજદૂત. ઘનશ્યામ તો જોઈ જ રહ્યો.

“ ઓટોમેટીક છે.. હવે અવસ્થા થઇ એટલે કિક ન લાગે એટલે પછી આ લઇ આવ્યો. બે મહિનામાં ટ્રેકટર પણ લેવાનું છે. ટ્રેકટર જેટલી જમીન આપણે ખાતે થઇ ગઈ છે. તને ખબર છે ને આપણા શેઢે રામ ટકીનું અઢાર વીઘા હતું?? એ આપણે લઇ લીધું રામ ટકીનો છોકરો સુરતમાં વીશીના ધંધામાં સલવાઈ ગયો હતો એને પૈસાની જરૂર હતી નહીતર છોકરો હાથમાંથી જાય એમ હતો. રામ ટકી ગામમાં જમીનના ઘરાક ગોતતો હતો. દેવચંદ શેઠે એને સાવ પાણીના ભાવે લેવા તૈયાર હતો અને મને ખબર પડી એટલે દેવચંદ શેઠે કીધેલા ભાવ કરતા વધારે ભાવ આપણે રામ ટકીની દુંટી માથે દાબી દીધા. અને દસ્તાવેજ પણ કરાવી નાંખ્યો. એટલે હવે જમીન પર આપણે ટ્રેકટર પણ આવી જશે. અધૂરામાં પૂરું આ વરસે આપણે વરહ પણ સોળ આની પાક્યું છે.આપણા ગામના ઉગમણે સીમાડે બહુ વરસાદ પડ્યો અને આથમણા સીમાડે માંગ્યો મેહ આવેલો તે આપણા ઉપરવાસમાં નખીયું તળાવ પણ છલોછલ ભરાઈ ગયું. મારી સાંભરણમાં ૧૯૭૯માં મચ્છુ હોનારત થઇ એ વરસે એ તળાવ ભરાયેલું પછો કોઈ દી ઓવરફલો નથી થયું તે ઠેઠ આ વરસે એકવાર નહિ પણ ચાર ચાર વાર ઓવર ફલો થઇ ગયું. વાડીમાં આપણા બેય કુવામાં ઠેઠ ઉપર લગણ પાણી ડેકા ધ્યે છે.ઓણ શ્યાળામાં ચણા પણ થાશે અને જીરું પણ થાશે અને પાણી આ વરહે નહિ ખૂટે એટલે ઉનાળુ બાજરી અને શીન્ગું પણ આ વરસે કરવાની છે. બોલ્ય આ નાણું વેડફ્યું ગણાય કે તરત વાપર્યું ગણાય. અને તારીમાં એટલીય બુદ્ધિ નથી કે બેંકમાં અને પોસ્ટમાં અમુક રકમ જ મુકાય બાકી જાજી રકમ ઘરે નો રખાય. કયાંક ચડ્ડી બન્યન ધારી ગેંગ આવી ગઈ ને તો ડોહા બધુય લુંટી ને જતા રહે અને મોઢું થઇ જાય નાની વાટકી જેવું . માટે બધું સમજી વિચારીને કર્યું છે. માંડ અર્ધા વપરાયા છે અને હજુ અર્ધા બાકી છે” પરબત ભાઈ અને ઘનશ્યામ સવારનું શિરામણ કરતા હતા અને ચંપા બહેન દીકરાની પાસે જ બેઠા હતા. થોડી વાર પછી ચંપાબેન બોલ્યા.

“ ઘના વર્ષા આવી હતી. એને તાત્કાલિક લગ્ન કરવા છે. આમ તો ચાર ભાયડા ભાંગીને બનાવેલ એ છોરી કોઇથી બીવે એવી નથી પણ કોણ જાણે એને હવે એના ભાઈના ઘરે નથી રહેવું. મને કેતીતી કે હું બધું જ કામ ઉપાડી લઈશ. કોઈ વાતે એ અમને ઓછું નહિ આવવા દે. અને આમેય તમારા જીવ મળી ગયેલ જ છે ને તો પછી એનું પણ થોડું વિચારજે. ઈ તો બેહતા વરસે જ આ ઘરમાં આવવાનું કહેતી હતી પણ તને ગમે ઈ ખરું. તમારા બેયના વહીવટમાં હું નહિ પડું અને તારા બાપુજીને વહીવટમાં પડવાય નહિ દઉં. છેલ્લો નિર્ણય તારો છે આમાં” ઘનશ્યામની પીઠ પર હાથ ફેરવતા ફેરવતા એની માતા બોલતા હતા. પરબતભાઈએ વચ્ચે મમરો મુક્યો.

“ મારી ય ના તો નથી જ પણ વિચાર કરી લે જે વર્ષાને પરણીશ તો ઘરમાં પછી તારેય મારી જેમ જ થવાનું છે.. ઘરમાં તારું મુદલેય નહિ હાલે બધું ય બેય સાસુ વહુનું જ હાલશે અને આમેય આ ગામની બાયું અને ગાયું બેય માથાભારે છે હમણા પડખેના ગામના બે જુવાનિયાને એક ગાયે હડફેટે લીધાને તે હાંચડીનું હાડકું ભાંગી ગયું બોલ્ય.. ભાયું તો બીચાર ગરીબ ગાય જેવા છે આ નવલ ગઢમાં પછી મને નો કેતો કે બાપા મને તમેય નો ના પાડી” અને તરત જ ચંપાબેન ગરજ્યા.

“ તમને જરાય શરમ જેવું છે કે નહિ છોકરો હવે પરણવા જેવો થયો તોય બોલવામાં સહેજ પણ સાધ નથી રાખતા.અમુક વસ્તુ તમારા નો આવી તે નો જ આવી ઓલી કહેવત તો તમે સાચી જ ઠેરવીને કે બાર ગાઉંએ બોલી બદલે તરુવર બદલે શાખા પણ એક નો જાય તમારા લખણ હો લાખા” ઘનશ્યામ પોતાના માતા પિતા વચ્ચે પ્રસન્ન દામ્પત્યના મીઠા છમકલા માણી રહ્યો હતો. છેલ્લે એ બોલ્યો.

“ આમેય ઈ મને નહિ પરણે તો કોઈને નહિ પરણે અને સામે મારે પણ એવું જ છે એટલે હું પણ ફાઈનલ કરી જ નાખું છું એને પરણવાનું ભલેને અમારા બેયના કોડ પુરા થઇ જાતા.. દેવચંદ શેઠને પણ ઉપાધિ જાય અને બા તમને પણ એકલું નો લાગે ને એટલે પરણવું છે.અને આમેય બાપુજીએ આટલી બધી ગાયો અને ભેંશો લીધી છે વળી જમીન પણ ડબલ થઇ ગઈ છે આટલા બધામાં તમે બે ય જણા કેમ તાગો એટલે સથવારો જોઈએને ,, બસ એ સથવારા માટે જ હું પરણવાનો છું. મારી ગેરહાજરીમાં તમારું ધ્યાન કોઈક રાખે એવું તો હોવું જોઈએને.. નકર આ ગામ કેવી વાતો કરે કે મોટા ઉપાડે ઘનો જેલમાં તો ગયો પણ એની માતા અને પિતાની સંભાળ રાખવા માટે કાઈ નો કર્યું એટલે મારે પરણવું તો પડશે જ એટલે હવે તો છૂટકો જ નથી. બસ પછી હું આવું ત્યાં સુધી તમારું ધ્યાન વરસુડી રાખશે બીજું શું જોઈએ તમારે કહો” ઘનશ્યામ પણ હવે પોતાના અસલી ગામડાના રંગમાં આવી ગયો હતો.

“તમારી પર ગયો છે અસલ તમારા જેવો જ છે” ચંપાબેન ઉભા થતા થતા બોલ્યાં.
“ સહુનો ભગવાન હોયને.. બધાય તારા જેવા થાય તો પ્રથ્વી ભાર નો ઝીલે ભાર” પરબતભાઈ બોલ્યાં કે તરત જ ચંપાબેન બોલ્યા.
“ હવે ઉભા થઈને દાસભાઈ દરજીને ત્યાં જઈ આવો અને તમારા સીવેલ કપડા લેતા આવો બપોર પછી હું બસમાં જઈને વર્ષા માટેના કપડા અને સાડીઓ લેતી આવું. હવે તો ટેમ થોડો ને કામ જાજુ એવું થયું છે.”
“ આ બે સુટકેશ લઈને ગગો આવ્યો છે એટલુય નથી સમજતી કે એ બેય જણા એ પોતાનું મનગમતું લઇ લીધું છે. આપણે આપણું કરવાનું આ પેઢી હવે આપણને શીખવાડે એવી છે. મારું અનુમાન ખોટું હોય તો પૂછ તારા દીકરાને કે ઈ લાવ્યો છે કે નહિ?? અને જોઈ લેજે એમાં કાઈ ઘટતું નહીં હોય!! આખરે દીકરો કોનો “ આટલું કહીને પરબત ભાઈ દાસ ભાઈ દરજીના ઘર બાજુ રવાના થયા અને ઘનશ્યામે બેય સુટકેશની ચાવી પોતાની માતાને આપીને કહ્યું.
“ હું રમીલા ભાભીને ત્યાં આંટો મારી આવું હમણાં”! અને પછી જવાબની રાહ જોયા વગર જ એ ડેલીની બહાર નીકળી ગયો. ઘનશ્યામ બહાર તો નીકળ્યો પણ એની નવાઈની વચ્ચે રસ્તામાં મળતા સહુ એના ખબર અંતર પૂછતાં હતા. ઘણાએ તો એને ચા કે કોફી પીવા માટે અતિ આગ્રહ કર્યો. ઘનો જાણે વિદેશ જઈને આવ્યો હોય એમ એનું મહાત્મય ગામમાં વધી ગયું હતું. ગામ લોકોમાં ઘનશ્યામની એક વિશિષ્ટ ઈમેજ બંધાઈ ગઈ હતી. ગોગન ગરેડા વાળી ઘટનાથી ગામ લોકો રાજી થયા હતા. ઘનશ્યામની ગણતરી હવે ગામના હીરો તરીકે થઇ રહી હતી. અને અધૂરામાં પૂરું ઘનશ્યામ હવે ધનવાન પણ બની ગયો હતો વી કે શેઠની કૃપાથી. લોકોના મનમાં ઘનશ્યામ એટલે ખુબજ જીગર વાળો અને ખુબજ ઊંચા છેડા ધરાવતો વ્યક્તિ એવી છાપ ઘર કરી ગઈ હતી એ ઘનશ્યામ બજારે નીકળ્યો ત્યારે રૂબરૂ જોયું.
દેવચંદના ખાલી વંડામાં કે જયા નવરાત્રી રમાતી હતી તેની સામેજ રમીલાભાભીનું ઘર આવેલું હતું. ત્યાં જઈને ઘનશ્યામે ડેલી ખખડાવી. અને રમીલાભાભીએ ડેલી ઉઘાડી અને આવકાર આપ્યો.

“ વાહ ઘનશ્યામ અત્યાર અત્યારમાં આવી ગયો એમ આવ અંદર, અને હવે દસ મીનીટમાં જ એ આવતી હશે.. આમ તો એ અત્યારમાં આવી જ જાય બોલ બોલ ચા બનાવું કે કોફી.. કે પછી વરસુડીના હાથની કોફી બનાવે છે.” રમીલાભાભી હજુ બોલતા હતા ત્યાંજ ડેલીની ડોકાબારીથી વર્ષા દેખાણી. તરત જ એણે ડેલી બંધ કરી દીધી અને બારીમાં ડબલ આગળીયા લગાવી દીધા. અને ધીમે પગલે એ હસતા મોઢે ચાલતી આવતી. વર્ષા આવું હસતી ત્યારે ઘનશ્યામ એને ઘણીવાર કહેતો કે તું હસે છે ને એને ત્યારે તારું મોઢું પલક પલક થાય છે. વર્ષાએ ઘનશ્યામને જોયો અને એની આંખમાં એક અદભુત ચમક અને તેજ આવી ગયું.

વર્ષાએ આજે એકદમ લીલા રંગની સાડી અને એજ રંગનું સાટીનનું લો કટ બ્લાઉઝ પહેર્યું હતું. લીલી સાડીમાં એ એકદમ ટહુકા કરતો મોરલાનો આખો બગીચો લાગતી હતી. આ સાડી અને આ બ્લાઉઝ હજુ એ અને રમીલા ભાભી હજુ ત્રણ દિવસ પહેલા બાજુના મોટા ગામમાંથી ખરીદી લાવ્યા હતા અને આજે એણે પ્રથમ વાર પહેરી હતી. બ્લાઉઝ સહેજ વધારે પડતું ફીટ હતું અને એને કારણે એના છાતીના ઘાટની સુંદરતામાં ઓર વધારો થતો હતો. શરીરનો ઘાટ જ એવો ઘડેલો હતો કે એના શરીર પર કોઈ પણ વસ્ત્ર પહેરે વસ્ત્ર અને વર્ષાનું શરીર બને દીપી ઉઠતા. એકદમ કાળા અને ખુલ્લા લહેરાતા વાળ .. આંખોમાં કાજળ અને પરવાળા જેવા હોઠ વચ્ચે રમતું રમતિયાળ સ્મિત સાથે ધીમા પગલે વર્ષા ઘનશ્યામ જે ખાટ પર હિંચકા ખાતો હતો ત્યાં આવીને ઉભી રહી. આંખો નચાવીને બોલી.

“ ક્યારે આવ્યાં?? તબિયત કેમ છે?? દુબળા પડી ગયા છો અહી હતા તેના કરતા” અને ઘનશ્યામ તો જોઈ જ રહ્યો.. લગભગ લગ્ન સિવાય વર્ષા કયારેય સાડી નહોતી પહેરતી. અને જ્યારે જયારે પહેરતી આજુબાજુનું વાતાવરણ અને વર્ષા સોળ કળાએ ખીલી ઉઠતા. બસ સાડી પહેરતી ત્યારે એનામાં લજ્જા અને એક જાતનું શાણપણ આવી જતું. બાકી આડા દિવસોએ શર્ટ કે પેન્ટ કે ડ્રેસમાં હોય ત્યારે રમતિયાળ અને નખરાળી બની જતી હતી. ઘનશ્યામે એનો હાથ પકડીને એને ખાટ માં પોતાની બાજુમાં ખેંચી. જેની કલ્પના વર્ષાએ નહોતી કરી અને આમેય આ બાબતમાં દર વખતે પ્રણય પ્રસાદીમાં વર્ષા જ પહેલ કરતી પણ આજ જાણે અવળું બનતું હતું સાડા છ માસનો વિરહે ઘનશ્યામને સાવ અલગ બનાવી દીધો હતો. ઘનશ્યામે એને હાથ પકડીને ખેંચી એટલે વર્ષા સીધી એના શરીર પર ઢળી પડી. હજુ એ નાહીને આવી જ હતી અને ઘનશ્યામને ખબર હતી કે વર્ષા ભારે માયલા સાબુ અને શેમ્પુ વાપરતી હતી અને આમેય એના શરીરમાં એક વિશિષ્ટ પ્રકારની મીઠી સુગંધ આવતી હતી જે ઘનશ્યામને ખુબ જ ગમતી હતી. વર્ષાના શરીરને બેય હાથે ભરડો લઈને ઘનશ્યામ એને બાથમાં લઈને હિંચકા પર હીંચી રહ્યો હતો. અને વર્ષા પહેલી વાર એના બાહુપાશમાંથી છૂટવા ફાંફા મારી રહી હતી. ઘનશ્યામના હોઠ વર્ષાના ગાલ પર અને કપાળ પર ફળી વળ્યા. વર્ષાની આંખમાં એક પ્રકારનું ઇજન કે આમંત્રણ હતું. અને છેલ્લે વર્ષાને પોતાની સાથે વધારે તાકાતથી ભીંસીને ઘનશ્યામે એના હોઠ સાથે વર્ષાના હોઠનો મેળાપ કરાવી દીધો. છ માસથી સુનકાર અને કોરા કટ બેય હોઠની સાથે પ્રેમરસ વહેવા લાગ્યો હતો. બેય હોઠનું અનુસંધાન નહોતું. હિજરાતા હૈયાનું સ્નેહમિલન ગોઠવાયું હતું અને એમાં લાગણીઓ ઓવરફલો થઇ રહી હતી. કોફી તો બની ગઈ હતી.પણ રમીલાભાભી હજુ રસોડામાં જ રોકાયા હતા. એને બહાર ચાલી રહેલ હૈયાના હરખોત્સ્વમાં ખલેલ પહોંચાડવાનું સારું ન લાગ્યું. વીસ મિનીટ જતી રહી એટલે એણે રસોડામાંથી અવાજ આપ્યો.
“ વરસુડી હવે આ કોફી લઇ જા.. બહુ પ્રેમ રસ પાવો નહિ સારો.. થોડી આ કોફી પણ પાઈ દે.. વછૂટ એનાથી હવે.. શેત્રુંજીમાં ગાગડીયો ભળે એટલે આજુબાજુની ધરતી તો ધમરોળાઈ જાય” અને આટલું બોલીને એણે રસોડામાં થી ડોકિયું કર્યું તો. બને આંખો બંધ કરીને એકબીજામાં સંપુર્ણપણે ઓગળી ગયેલા અને પીગળી ગયેલા હતા. રમીલા ભાભીને જોઇને વર્ષા તરત જ અળગી થઇ અને રસોડામ ગઈ અને કોફી લઇ આવી અને ઘનશ્યામને આપી. અને ઘનશ્યામે કોફી પીવાની શરુ કરી. વર્ષા એની સામે બેઠી હતી.

“ તમે બને થોડી વાર બેસો હું બરકત ને ત્યાંથી શાક લેતી આવું.. જો એ લાવ્યો હોય તો.” આટલું કહીને રમીલાભાભી બહાર ગયા અને એ ગયા કે તરત જ વર્ષાએ ડેલી અંદરથી બંધ જ કરી દીધી. અત્યાર સુધી તેણે પોતાની જાતને બહુ સંયમમાં રાખી હતી. ડેલીની બાજુમાં જ લીમડાના બે ઘટાદાર ઝાડ હતા. એકદમ ઘેઘુર અને એકદમ મીઠા છાંયડા વાળા. ઘનશ્યામ પણ ડેલી પાસે પહોંચી ગયો હતો. લીમડાના ઘટાદારની ઝાડના થડીયાની પેલી બાજુએ એણે વર્ષાને ફરીથી ખેંચી. બસ બે અતુપ્ત આત્માઓ એક બીજામાં લુપ્ત થઇ રહ્યા હતા. પ્રકૃતિ બનેના મિલનને નિહાળી રહી હતી. થોડી વાર પછી બને અળગા પડ્યા કારણ કે રમીલાભાભી ડેલી ખખડાવતા હતા. તરત જ ઘનશ્યામ પાછો ખાટ પર બેસી ગયો. રમીલા ભાભી સાથે વર્ષાની આંખ મળીને બને હસી પડ્યા. બસ થોડી વાર ઘનશ્યામ ત્યાં બેસી રહ્યો અને પછી બોલ્યો.

“ લગ્ન પહેલા એક કામ મારે કરવું પડશે.. એક ભલામણ છે.. એક વચન આપેલું છે એ પહેલા પૂરું કરવું પડશે અને એની માટે મારે કાલે ભભૂતીયા ડુંગર પર જવું જ પડશે ફક્ત એક દિવસ.. માટે આમેય કાલે કાળી ચૌદશ છે.. એટલે બહુ જ અનુકુળ દિવસ છે..” વર્ષા એની બાજુમાં બેઠી બેઠી સાંભળતી હતી.
“ ભાભુતીયા ડુંગર પર શા માટે મને કશું સમજાયું નહિ.. કોની ભલામણ છે. કોને વચન આપ્યું છે તમે.. તમે માંડીને વાત કરો તો ખ્યાલ આવે. “ વર્ષા એ કહ્યું અને એક કલાક સુધી ઘનશ્યામે બધી જ વાતો કરી.. જેલમાં છેલ્લા છ મહિનામાં જે જે થયું એ તમામ કહી દીધું અને કહ્યું.
“ બસ હકાકા એ સોંપેલું કામ પૂરું કરીને જે મળે એ સોનું બધું જ દવલ કાકીને દઈ આવું એટલે મારા માથા પર ભાર ઉતરી જાય.. હકાકા એટલે હકાકા.. બસ ભભૂતિયા ડુંગર પર રહેલ ખજાનો મારા સિવાય કોઈ મેળવી ન શકે.. મારામાં એ તમામ લક્ષણો જન્મથી છે.. પુનમના દિવસે હું જન્મેલો.. જન્મતી વખતે હું ઉન્ધો આવેલો અને અને બેય બાજુ ત્રિશુળ જેવા નાનકડા નિશાન.. ત્યાં ભ્ભુતીયા ડુંગર પરના ખજાનો હસ્તગત કરવા માટે પૂરતા છે.” ઘનશ્યામે વર્ષાની સામે જોઇને કહ્યું.

“ પણ આપણા લગ્ન થઇ જાય પછી બીજા દિવસે ન જવાય એ લેવા માટે.. બે ત્રણ દિવસમાં શું ખાટું મોળું થઇ જવાનું છે??” વર્ષાએ ઘનશ્યામની આંખમાં આંખ પરોવીને કહ્યું.
“ ના લગ્ન પછી પહેલા આ વાત પૂરી કરવાની.. લગ્ન કર્યા પછી હું મારી જાતને જોખમમાં ન પણ મૂકી શકું.. ધારી લે કે ત્યાં મને કશું થઇ જાય.. જોકે એવું નથી બનવાનું.. હકાકા ની વાતમાં મને સો ટકા વિશ્વાસ છે..પણ તોય મને કશુક થઇ જાય તો.. એટલે જ હું આ કામ પહેલા કરવા માંગુ છું.. જો જીવતો રહીશ તો આપણે લગ્ન કરીશું બાકી આવતા ભવે.. આજ એક જ રસ્તો છે.. બાકી પહેલા લગ્ન કરી લઈએ અને પછી મને ભભુતીયા ડુંગર પર કૈંક થઇ ગયું તો પછી તારી બાકીની જિંદગીનું શું??? માટે લગ્ન પહેલા જ આ કામ કરી નાંખવાનું છે!!!” ઘનશ્યામની વાતમાં એક દૃઢ નિર્ધાર દેખાતો હતો.

“ઓકે તમારી વાત હું માની લઉં છું પણ બદલામાં તમારે મારી વાત માનવી પડશે. હું તમારી સાથે ભભૂતિયા ડુંગર પર સાથે આવીશ. કારણકે આમેય હું તમારી અર્ધાંગીની જ કહેવાવને. એટલે હવે હું હકથી સાથે આવીશ. આપણે બે ય તમે જે કામ માથા પર લીધેલું છે એ પૂરું કરી આવીશું. બસ પછી ના દિવસે મારા ઘરે દીપાવલી ઉજવીશ અને પછીના દિવસે આપણે પરણી જઈશું. મેં તો પકા દાદા ગોરને કહી પણ દીધું છે. એણે મને કીધું કે વર્ષા આ તો તું છે એટલે તને હું ના નથી પાડી શકતો બાકી તુલસી વિવાહ પહેલા હું કોઈના લગ્ન ન કરાવી શકું. પણ તારા લગ્ન પાછળ એક શુભ હેતુ છે. જે સંસ્કૃતિ હવે લુપ્ત થતી જાય છે એની તું સંવાહક બનવા જઈ રહી છું એટલે હું હા પાડું છું. તમારા અને ઘનશ્યામના જે લગ્ન થઇ રહ્યા છે એની પાછળ તારે હાલ સંસાર ભોગવવાની લાલચ નથી. બસ તારી આ જલદી લગ્ન કરવા પાછળ ઘનશ્યામના ઘરમાં અજવાળું કરવાનું છે. જેણે તારી આબરૂ અને સન્માન બચાવવા ખાતર જેલવાસ વેઠી રહ્યો છે એના ઘરમાં દીકરો બનીને જવાનો છે ને એટલે હું તૈયાર છું અને સાંભળ દીકરી લગ્ન માટે બધી જ જરૂરી વસ્તુઓ હું લાવીશ. અને પૂરી શાસ્ત્રોકત વિધિ થી હું મંદિરમાં લગ્ન કરાવી આપીશ. કદાચ તુલસી વિવાહ પહેલા લગ્ન કરવાથી કોઈ દેવ રૂઠે તો હું દેવ સાથે પણ તારા સુખ માટે લડી લઈશ જા દીકરી તને આ પકા ગોરનું વચન છે કે તારા લગ્નમાં કોઈ વિઘ્ન નહિ આવે એની ખાતરી આપું છું” વર્ષા ઉત્સાહથી બોલી ગઈ અને ઘનશ્યામ પણ પ્રકાશભાઈ ગોરને ઓળખતો હતો. બધા એને પકા દા ગોર કહેતા એકદમ દુર્વાસા જેવો સ્વભાવ. વિધિમાં કશું પણ ઓછું ચલાવી ન લે. કોઈ જાન આવી હોય અને વરપક્ષ વાળા ગમે એટલી ઉતાવળ કરે પણ પકા ગોર એની રીતે જ વિધિ ચલાવે અને તેમ છતાં વધારે ઉતાવળ થાય તો પકા ગોર કહી દે કે તો હવે બીજો ગોર બોલાવી લો બાકી બધું જ નિયમસર અને ટાઈમસર થશે.. જેમ ઉતાવળે આંબા ન પાકે એમ ઉતાવળે હું લગ્નવિધિ નહિ પતાવું. આતમના આતમ સાથેનો આ જીવનનો એક માત્ર પ્રસંગ અને એમાં પણ તમને ઉતાવળ છે?? હાલી શું નીકળ્યા છો હાલી અને પકા ગોર આટલું બોલે એટલે વરપક્ષ વાળા પણ ચુપ થઇ જાય કે આ ગોર મહારાજ મગજના તપેલા છે. અને આમ છતાં પકા ગોરનો એક પ્રભાવ હતો. લોકો કહેતા કે પકા ગોર એટલે પકા ગોર ગમે તેવા આડા અવળા હાલતા ગ્રહો એના એક મંત્ર જાપથી સીધા દોર થઇ જાય અને એના ઉચ્ચારણ એકદમ શુદ્ધ.. કાશીમાં આઠ વર્ષ ભણી આવ્યા છે તે કાઈ પાણીમાં થોડું જાય. આવા પકા ગોર વર્ષાની વાત જલદી માની જાય એજ ઘનશ્યામને નવાઈ લાગતી હતી. બસ પછી બપોરના ત્રણ વાગ્યે હું તારા ઘરે તારા ભાઈને મળવા આવું છું એમ કહીને ઘનશ્યામ પોતાના ઘર તરફ ગયો.

ઘનશ્યામ ઘરે પહોંચ્યો ત્યાં રસોઈ તૈયાર જ હતી. એની માતાએ બાજરા અને જુવારને મિક્સ કરીને એકદમ રભડા જેવો રોટલો બનાવ્યો હતો. એની પર એક મોટો લોંદો માખણનો મુકીને ભરેલ તીખા શેડીયા મરચા અને કાંટાવાળા મોટા રીંગણના રવૈયા બનાવ્યા હતા.સાથે લસણની ચટણી પણ હતી અને સળી ઉભી રહી જાય એવી આખા દહીનું ઘોળવું પણ હતી. ઉપરાંત ગઈ દિવાળી એ પાકેલ કટિયા ખાટા બડાહ ચીભડાની બનાવેલ કાચરીને દેશી ઘી માં સાંતળી હતી તેની એક અલગ જ જઠરાગ્નિને જગાડે તેવી મઘમઘતી સુગંધ આવતી હતી. ઘનશ્યામ એકી બેઠકે બે રોટલા ઝાપટી ગયો હતો. ઘણા સમયે એણે પોતાના માતા પિતા સાથે ભોજન લીધું હતું. જમીને એ ડાબા પડખે થયો. અને ત્રણ વાગ્યે એ જાગ્યો અને શેઠના ઘરે જાવ છું એમ કહીને એના પગ દેવચંદ શેઠના ઘર તરફ ઉપડયા.

હીરાના કારખાનામાં દસમનું વેકેશન પડી ગયું હોવાથી કારખાનું એણે બંધ જોયું હતું. રસ્તામાં આવતા વાંઢા ના ગલ્લે થી એણે જૂની ટેવ મુજબ દેવચંદ શેઠ માટે કીમામ વિથ ૧૩૫ માવાના ચાર પાર્સલ બંધાવી લીધા અને પોતાના માટે ખાલી કીમામ કાચી દેશી વિથ લવલી ના બે પાન બંધાવી લીધા. ઘનશ્યામે પૈસા આપવાનો આગ્રહ કર્યો પણ ગલ્લાવાળાએ પૈસા લીધા જ નહિ અને વળી ઉપરીયામણ કીધું પણ ખરું કે ઘનશ્યામભાઈ તમારા પૈસા લેવાના ન હોય.. દેવચંદશેઠની ડેલીમાં એ પ્રવેશ્યો અને ઘરમાં રહેતો લાલિયો કુતરો આવીને ઘનશ્યામના પગ આગળ ચાટવા લાગ્યો. ઓશરીમાં ખાટલો ઢાળીને દેવચંદ બેઠા હતા અને ચશ્માં લગાવીને લાલ ચોપડામાં કશું ક લખતા હતા. એણે ઘનશ્યામને જોયો કે તરત જ ઉભા થઇ ગયા અને.

“ આવો આવો આહી આવતા રહો “ કહીને ઘનશ્યમાનનો હાથ પકડીને માનપૂર્વક ખાટલા પર બેસાડ્યો અને તરત જ બોલ્યા.
“ સરોજ તકિયો અને ગાલીચો લાવ્ય તો મેમાન આવ્યા છે મેમાન” ઘનશ્યામ માટે આ નવીન હતું એ સમજી શકતો નહોતો કે આ એક જાતની મશ્કરી છે કે માન છે. સરોજ આવી અને ઘનશ્યામે એની સામે જોઇને નમસ્કાર કર્યા અને તકિયા ઉપર આરામથી ટેકો દઈને બેઠો અને દેવચંદ શેઠને ચાર માવાના પાર્સલ આપ્યાં. દેવચંદ શેઠનો ચહેરો હસી ઉઠયો અને બોલ્યા.
“ મને ખબર જ હતી કે એક બે દિવસમાં તમે આવશો જ.. તમે એટલા માટે કહું છું કે હવે તમે મારા બનેવી થાવ છો. ખોટું ન લગાડતા અમારો કોઈ ઈરાદો વર્ષાનું અહિત કરવાનો હતો જ નહિ. ભલેને વર્ષા ભણેલ હોય પણ તોય બાળક બુદ્ધિ જ ગણાયને.. આ તો હું પાકા પાયે ચેક કરવા માંગતો હતો કે તમે એકબીજા માટે કેટલા કટિબદ્ધ છો. વર્ષાએ અત્યાર સુધીમાં દુઃખનો અનુભવ નથી કર્યો બહુ લાડકોડથી ઉછેરવામાં આવી છે એણે જે જે માંગ્યું એ લાવી આપ્યું છે. આવા લાડકોડ લગ્ન પછી પણ જળવાઈ રહે એવી મારી ઈચ્છા હતી એટલે જ હું અને એની ભાભી એને સમજાવતા હતા કે બીજું કોઈ સમૃદ્ધ ઘર ગોતી દઈશ પણ જયારે મને લાગ્યું કે વર્ષા એનું ધાર્યું કરીને જ રહેશે પછી અમે એને મનાવવાનું સાવ બંધ જ કરી દીધું. બધાજ હથિયાર અમે હેઠા મૂકી દીધા છે. એણે નક્કી કરી લીધું છે. એ બધું જ કરવા તૈયાર છે. ખેતીના કામ કરવા તૈયાર છે. તમે છૂટો ત્યાં સુધી એ તમારા ઘરે રહેવા તૈયાર છે પછી મારે કશું જ કરવાનું નહોતું. અમને આ સંબંધ મંજુર છે. મેં અને એની ભાભીએ બે દિવસથી એને રેણઘરના પટારાની ચાવીઓ આપી દીધી અને કહ્યું કે તારે જે જોઈએ એ બધું લઇ લે. તને બધો જ હક છે પણ એમાંથી એણે ફક્ત મારી બાના કાનના કુંડળ જ લીધા હતા. કારણકે એ નાની હતી ત્યારે મારી બાના ખોળામાં રમતી અને કાનના કુંડળ ખેંચાતી અને બોલતી હતી કે આ કુંડળ મને આપીશને બા.. આ કુંડળ મારા હો બા.. મોટી થયા પછી આ કુંડળ મારે પહેરવા છે હો બા.. બસ એણે એ એક આખરી નિશાની લીધી છે.અને એક પણ રૂપિયો નથી લીધો કે નથી કોઈ બીજા ઘરેણાને હાથ લગાડ્યો પણ ફક્ત એટલું બોલી કે ભાઈ તું મને રાજી ખુશીથી રજા આપ..” બોલતા બોલતા દેવચંદ શેઠ રડી પડ્યા. ત્યાં સુધીમાં વર્ષા પણ બારણાની વ પાસે આવીને ઉભી રહી હતી.

“ શેઠ આપણે જુનો સંબંધ ભૂલી નથી જવાનો. ગમે તેમ તોય તમે મારા શેઠ પહેલા.. એક વખત શેઠ એ કાયમ માટે શેઠ જ ગણાય. તમને મારા પર ભરોસો હોવો જોઈએ કે તમારી બહેનને મારા ઘરે કોઈ જ તકલીફ નહીં પડે. બસ તમારા અને સરોજભાભીના આશીર્વાદ જોઈએ. વડીલોના આશીર્વાદ ગમે તેટલો પ્રસંગ ભલેને એ લાખનો કેમ ન હોય પણ એ ખાખનો કહેવાય છે. તમે મારા વડીલ સ્થાને છો. હું ગયા પછી મારા બાપાએ કે મારી બાએ કદાચ તમારા વિષે એક્ફેલ બોલ્યા હોય તો પણ હું એની માફી માંગું છું. મારી બા નો સ્વભાવ હું જાણું છું. એકના એક દિકરા પર આવી પડેલ આફતથી એ કદાચ અકળાયા હોય એટલે સાચું ખોટું બોલાઈ ગયું હોય તો માફ કરજો પણ હું મારા જીવનના મહત્વના પ્રસંગમાં તમારા બધાના મોઢા પર ખુશી જોવા માંગુ છું” ઘનશ્યામની આ વાત સંભાળીને દેવચંદ શેઠ એને બાથમાં લઈને ભેટી પડ્યા. બધાની આંખમાં ઝળઝળિયાં હતા. થોડીવાર પછી દેવચંદ શેઠ બોલ્યા.
“ વર્ષા ભલે નાં પાડે પણ તોય હું એને આપવા માંગુ છું. હું લગ્નવિધિમાં ખડે પગે રહીશ. વર્ષાની ઈચ્છા પ્રમાણે જ લગ્ન થશે. પણ તારા આથમણા શેઢે મારી વાડી આવેલ છે એમાંથી બાર વીઘા જમીન હું વર્ષાને આપું છું. આમેય તમારી ભેગી એ જમીન ભળી જાય એમ છે ને.. હમણા તો મામલતદાર કચેરીએ રજા હશે પણ જેવી રજાઓ પૂરી થશે કે હું જમીનની ચોપડીઓ લઈને તાલુકામાં જઈશ અને એ વાડીમાંથી બાર વીઘા જમીન હું વર્ષાને ખાતે કરી દઈશ. બસ આની ના ન પાડતા. મારે તો ધામધુમથી લગ્ન કરવા હતા પણ વર્ષા એની ના પાડે છે. હું એની તમામ ઇચ્છાઓ પૂરી કરી રહ્યો છું આજ દિવસ સુધી તો બસ આ છેલ્લી વાર વર્ષા મારી એક વાત નહિ માને” આ સાંભળી વર્ષા બારણા પાસેથી પોતાના ભાઈ પાસે આવીને આંખમાંઆંસુ સાથે બોલી.

“ બસ સદાને માટે તારી ખુશી ઈચ્છું છું વીરા.. તારું અભરે ભરાશે મારા ભાઈ” ઘણા સમયે બે ભાઈ બહેન ખુલ્લા દિલે મળી રહ્યા હતા. લગ્નની આડેની છેલ્લી તકલીફ પણ આજે પૂરી થઇ ગઈ હતી. વર્ષા અને ઘનશ્યામનો સહજીવનનો રસ્તો સાવ સાફ હતો. અને ગામમાં બે જ કલાકમાં વાત ફેલાઈ ગઈ કે વર્ષા અને ઘનશ્યામ બેસતા વરસના દિવસે પરણવાના છે.સરોજ ભાભી અને દેવચંદ શેઠ કન્યાદાન કરશે અને પકા દા ગોર લગ્ન કરાવશે. દેવચંદ શેઠ બેસતા વરસના બપોરે ગામ ધુમાડો બંધ રાખશે. બધાને સ્પેશ્યલ ઊંધિયું બરફી ચુરમું ખવરાવવાના છે. લગ્નમાં પેલી વાર આ ગામમાં ગામધુમાડો બંધ થવાનો હતો. તમામ લોકો હોંશે હોંશે વાતો કરી રહ્યા હતા.

ઘનશ્યામે ઘરે આવીને ખબર આપ્યા કે “ ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. દેવચંદ શેઠ રાજી છે અને એ પોતાના રુદિયાના રાજીપાને વ્યકત કરવા માટે વર્ષાને વાડી પડામાંથી બાર વીઘા જમીન પણ આપે છે અને બેસતા વરસના બપોરે ગામ આખાને આ ખુશીના મોકા પર જમાડવાના પણ છે. બધી જ મુશ્કેલીઓ એકી સાથે દૂર થઇ ગઈ છે.” તરત જ પરબતભાઈ બોલ્યાં. “જેલમાં જવાના આટલા બધા ફાયદા હોય છે એ તો આજે જ ખબર પડી. જો આવું જ હોય તો મને પણ જેલમાં ગમે.. સાલું કેટલો બધો ગ ફાયદો થયો નહિ.” પણ જેવા ચંપાબેનના ડોળા એની તરફ ફર્યા કે પરબતભાઈની બોલતી જીભ સાવ બંધ થઇ ગઈ.

રાત્રે ઘનશ્યામે કહ્યું કે “ હું અને વર્ષા કાલે તાલુકાએ જવાના છીએ આ નવું રાજદૂત લઈને. વર્ષાની થોડીક બહેનપણીને આમંત્રણ આપવું છે. એટલે આવવામાં સહેજ મોડું પણ થઇ જાય. જોકે વહેલી સવારે પાંચ વાગ્યે નીકળવાના છીએ એટલે લગભગ ટાઈમસર જ પાછા આવી જઈશું.. “ ચંપા બહેન અને પરબત ભાઈને તો ના પાડવાનો જ સવાલ નહોતો. અને ઘનશ્યામ સુઈ ગયો, વર્ષા સાથે એને સાંજે જ વાત થઇ ગઈ હતી અને વર્ષાએ એના ઘરે કહી દીધું હતું જે ઘનશ્યામે એના ઘરે કીધું હતું. તાલુકા મથકે જવાના હતા એ પણ સાચું અને વર્ષાની બહેનપણી પ્રીતિ અને બીજી બહેનપણીઓને મળવાના હતા એ પણ સાચું જ હતું. પણ બેમાંથી કોઈએ ઘરે એ નહોતું કહ્યું હતું કે એ બને ભાભુતીયા ડુંગર પર જવાના હતા.ડુંગર પર છુપાયેલો અને નાગથી રક્ષાયેલો ખજાનો લાવવાના હતા અને એ ખજાનો દવલને સોંપીને હકા ભીખાને આપેલ વચન પૂર્ણ કરવાનું હતું. ઘનશ્યામને સુતા સુતા પેલો મંત્ર યાદ આવી રહ્યો હતો.
“ હિર્મ શ્રી કલી બગલામ મમ રિપુન સીપુન નાસ્ય નાસ્ય ત્ક્ષકએય દેહી દેહી સીઘ્રમ ફટ ફટ ફટાફટ સ્વઃ સ્વાહા” અને પેલા બે સાપ પણ દૂર જતા રહેલા દેખાઈ રહ્યા હતા અને ગુફાનું બારણું ખુલતું હતું અને અંદરથી પીળો અને નવરંગી પ્રકાશ આવતો હતો. ઘનશ્યામને સોનાની સાથેનો મોંઘા અમુલ્ય રત્નોનો ખજાનો દેખાતો હતો.!! ઘનશ્યામ વિચાર કરતાં કરતા અને પેલો મંત્ર વાગોળતો વાગોળતો સુઈ ગયો અને સવારે ઘડિયાળમાં એલાર્મ વાગ્યું ત્યારે એ જાગ્યો. સવારના ચાર વાગ્યા હતા. બસ એક જ કલાકમાં જ એ વર્ષાને લઈને ખજાના માટે નીકળી જવાનો હતો. ઘનશ્યામ તરત જ ઉભો થઇ ગયો. એની માતા ચંપાબેન પણ જાગી ગયા અને ચૂલે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. આ બાજુ વર્ષા પણ જાગી ગઈ હતી. એ પણ બસ પોણી કલાકમાં તૈયાર થઇ જવાની હતી. જીવનના એક અંતિમ સાહસ તરફ બને જઈ રહ્યા હતા. બાસ આજનો દિવસ અને આજની રાત જ એના માટે કાળી ચૌદશ હતી બસ પછી તો દિવાળી અને સહજીવનનું નવું વરસ નવ જીવનને સત્કારવા ઉભું હતું.

ક્રમશઃ

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 38ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.