“ગાળિયો” ભાગ – 1 – ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે પી આઈ દવેને કોઈ જ જાણ નહોતી..!! – વાંચો મુકેશ સોજીત્રાની કલમે

0
Advertisement

૧૯૯૦નો દાયકો ચાલતો હતો. જીલ્લા મથક હતું પણ આમ તો સાવ નાનું જ હતું. બહારના વિસ્તારમાં જોવો તો તમને શહેરનો અહેસાસ થાય પણ શહેરના મધ્યભાગમાં તો હજુ કાચા અને નળિયા વાળા જ મકાન હતાં, નળિયા દેશી નહિ પણ વિલાયતી હતા. શાક માર્કેટ આખી નળિયા વાળી જ હતી. શાક માર્કેટની ડાબી બાજુ બસો મીટર દૂર એક બસ સ્ટેન્ડ હતું. બસ સ્ટેન્ડ પણ એકદમ મેલું ઘેલું. આઠેક પ્લેટફોર્મ હતાં. બસ આવે તોય ધૂળની ડમરી ઉંડે ને જાય તો પણ ધૂળની ડમરી ઉંડે. જાણે કે ડમરીસ્તાન જ જોઈ લો !!બસ સ્ટેન્ડની જમણી બાજુમાં લોકોની એક મોટી ભીડ હતી કારણકે ત્યાં મુતરડીઓ હતી. અને આ આખા વિસ્તારમાં અહિયાં એક જગ્યાએ જ મુતરડીઓ હતી એટલે ભીડ હોવી સ્વાભાવિક હતી. બસ સ્ટેશનથી ડાબી બાજુ એક શહેરનો સહુથી મોટો માર્ગ હતો અને ત્યાં તમને રામદેવ પરોઠા હાઉસ, દિનુભાઈની ભેળ, કિસ્મત અને તકદીરના શરબતો તેમજ ગોલુની લચ્છીની જાહેરાત કરતાં અસંખ્ય પાટિયા નજરે ચડે. અને એ માર્ગ પર તમે ચાલો એટલે અર્ધો એક કિલોમીટર પછી જમણી બાજુ નાનકડી એવી સડક જાય. એ સડક માર્ગ જેલ માર્ગ તરીકે ઓળખાતો. બપોરના ત્રણેક વાગ્યા હશે. અને એક પોલીસવાન બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈને આગળ જેલ માર્ગ તરફ આગળ વધી રહી હતી.

પોલીસવાન સેન્ટ્રલ જેલ આગળ ઉભી રહી. પી આઈ દવે પોલીસવાનમાંથી ઉતર્યા. જેલના તોતિંગ દરવાજા બંધ હતાં. જમણા દરવાજાની નીચે એક નાનકડી બારી હતી. એ પણ આગળથી અને બંધ હતી. ત્યાં એક પોલીસ વાળો ભરી બંદુકે બેઠો હતો. દરવાજાની આગળ એક ચોકી કમ કંટ્રોલ રૂમ હતો. ત્યાં ત્રણ પોલીસવાળા હતાં. પી આઈ દવેને તેમની તરફ આવતાં જોઇને ત્રણેયે સલામી આપી. દવે ઘડીક ઉભા રહ્યા ત્યાં પોલીસ વાનના આગળના ભાગમાંથી એક હેડ કોન્સ્ટેબલ ઉતર્યો. એની પાસે એક ખાખી રંગની ફાઈલ હતી. ચોકી કમ કંટ્રોલ રૂમમાં રહેલ એક પોલીસને એણે ફાઈલ આપી. પેલાએ ઝડપથી ફાઈલ જોઈ લીધી અને તે જેલના દરવાજા તરફ આગળ વધ્યો. ત્યાં બેઠેલા પોલીસકર્મીને સાથે વાત કરી અને પેલાં એ દરવાજા પર ત્રણ ટકોરા માર્યા. અંદરથી બારીનો આગળિયો ખુલ્યો હોય એવો અવાજ આવ્યો એટલે પેલા પોલીસકર્મીએ બહારથી પણ બારી ખોલી. ફાઈલ લઈને પોલીસકર્મી અંદર ગયો. વીસ મિનીટ પછી એ બહાર આવ્યો. આવીને પી આઈ દવે સાથે વાત કરી અને પી આઈ દવેએ કોન્સ્ટેબલને કહ્યું.

Image Source

“ પરમાર, કેદીને બહાર લાવો” અને કોન્સ્ટેબલ પરમારે ખિસ્સામાંથી ચાવી કાઢી. પોલીસવાનના પાછલા દરવાજા પર એક મોટું તાળું લટકતું હતું. એ તાળું કોન્સ્ટેબલે ખોલ્યું. પોલીસવાનના પાછલા બારણા ખુલ્યા અને થોડીવારમાં જ બે પોલીસ અંદરથી ઉતર્યા અને એની સાથે હાથકડી લગાવેલ એક આરોપી ઉતર્યો. આરોપીએ બ્લેક ટી શર્ટ અને સફેદ પેન્ટ પહેર્યું હતું. આરોપીએ ઉંચે આકાશમાં જોયું. આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા હતા. ચારે બાજુ જોયું. સેન્ટ્રલ જેઈલની આજુબાજુનો રસ્તો સુમસાન હતો. બને છેડે બે બે દુકાનો આવેલ હતી ત્યાં થોડાક માણસો ઉભા હતા. સેન્ટ્રલ જેઈલની બરાબર સામે જુનવાણી ઢબના મકાનના અવશેષો હતાં. રસ્તાની બને બાજુ ઠેર ઠેર આંકડાના છોડ હતાં ગેઈટની બરાબર સામે એક જુનુપુરાણું હનુમાનજીનું મંદિર હતું ખરું પણ સાવ જર્જરીત અવસ્થામાં. વાતાવરણમાં એક જાતનો સન્નાટો હતો. રસ્તા પર એકલ દોકલ કુતરાઓ આંટા મારતા હતાં. કંટ્રોલ રૂમ કમ ચોકીના પોલીસકર્મીઓ આરોપીને તાકી રહ્યા હતા. પી આઈ દવે , કોન્સ્ટેબલ પરમાર અને આરોપી સાથેના બે પોલીસ કર્મી ધીમા ડગલે જેલ દરવાજાની બારી પાસે પહોંચ્યા. બારી ફરીથી ખુલી. વારાફરતી બધા જેલની અંદર ગયા અને ફરીથી બારી અંદરથી બંધ થઇ ગઈ અને તરત જ બારી બહારથી બંધ કરીને ભરી બંદુકે એક પોલીસકર્મી બારીની આગળ બેસી ગયો!!

જેલ વિશાળ હતી. અંગ્રેજોના વખતમાં જેલનું બાંધકામ થયેલ હતું. જેલની ચારે બાજુ જે દીવાલ હતી એ લગભગ વીસ ફૂટ જેટલી ઉંચી હતી. ઉપરાંત દીવાલ પર લોખંડના તારથી ફેન્સીંગ થયેલ હતું. જેલની દીવાલ પર ચાર જગ્યાએ વોચ કેબીન ગોઠવેલી હતી. ત્યાં ભરી બંદુકે રાત દિવસ ચોકિયાતો નજર રાખી રહ્યા હતાં. સેન્ટ્રલ જેલ સહુથી સુરક્ષિત જગ્યા હતી. ખરા અર્થમાં જેલમાં ચકલું પણ ફરકી શકે તેમ નહોતું. અને એટલે જ બસો વરસના આ જેલના ઇતિહાસમાં એક પણ કેદી ક્યારેય જેલની દીવાલ ઠેકીને ભાગ્યો હોય તેવો એક પણ દાખલો બન્યો નહોતો. સેન્ટ્રલ જેલ ખરા અર્થમાં અભેદ કિલ્લો હતો!!

Image Source

જેલની અંદર બધી બાજુ લગભગ ત્રીસ મીટર જેટલી ખુલ્લી જગ્યા હતી. પૂર્વ દિશામાં જેલરની ઓફીસ હતી. તેની બાજુમાં બે નાનકડા મકાન હતા. મકાનની સામે જ એક મોટું બે માળનું મકાન હતું. એમાં કેદીઓની કોટડીઓ હતી. જેલના મોટા મકાનની પાછળ એક બીજું મકાન હતું એમાં પહેલા તો મહિલા કેદીઓને રાખવામાં હતાં પણ એની એક અલગ જેલ થઇ જવાથી હવે એમાં તમામ પ્રકારના કૌશલ્ય વર્ધન કાર્યો શીખવવામાં આવતા હતા. સુથારીકામ, લુહારીકામ વાયરમેન, ઘણાં બધા કાર્યો ત્યાં કેદીઓને શીખવાડવામાં આવતાં અને કેદીઓને ઝડપભેર આ બધું આવડી પણ જતું કારણ કે જેલમાં લગભગ આવનાર લગભગ બત્રીસે બત્રીસ અપલખણ ધરાવતા હોય છે. પી આઈ દવે જેલરની ઓફીસ તરફ ગયા. કોન્સ્ટેબલ પરમાર અને બીજા બે પોલીસકર્મીઓ આરોપી પાસે ઉભા રહ્યા. જેલરની ઓફીસ આગળ મોટા અક્ષરોમાં એક નેઈમ પ્લેટ ટીંગાતી હતી. જેના પર લખેલ હતું.

“ આર ડી ઝાલા”
જેલ અધીક્ષક સેન્ટ્રલ જેલ.
થોડી વાર પછી આર ડી ઝાલા સાથે પી આઈ દવે બહાર આવ્યા. આર ડી ઝાલાનો કરડો ચહેરો આરોપીને નખશિખ તાકી રહ્યો. આર ડી ઝાલાનો કાંઠાળો દેહ કરડી તલવાર કટ મૂછો સાથે શોભી રહ્યો હતો. ખાખી વર્દી અને ખાખી બુટ સાથે આર ડી ઝાલાનો ખાખી ચહેરો એકદમ સુસંગત લાગતો હતો. ચહેરા પણ શીતળાના પારવા પારવા ડાઘ હતા. પી આઈ દવે સ્નાયુબદ્ધ શરીર અને ખડતલ બાંધો માથા પર ઓછા વાળ અને નહિ જેવી મૂછો હતી. ખાખી પેન્ટ પર સફેદ પેન્ટ પહેર્યું હતું. પેન્ટના પાછળના ખિસ્સામાં વાયરલેસ હેન્ડસેટ ભરાવેલો હતો. બીજા ખિસ્સામાં અર્ધું બહાર નીકળેલ પાકીટ હતું.

“ પઠાણ આરોપીને કબજામાં લો અને બાકીની વિધિ પૂરી કરો અને મને રીપોર્ટ કરો” આર ડી ઝાલાનો અવાજ ગુંજી ઉઠ્યો અને બાજુના મકાનમાંથી પઠાણ સાથે બે જેલ કર્મીઓ આવ્યાં. કોન્સ્ટેબલ પરમારે આરોપીની હાથકડી ખોલી અને તરત જ બે જેલ કર્મીઓ એને બાજુના રૂમમાં લઇ ગયા અને રૂમનો દરવાજો બંધ થઇ ગયો. આર ડી ઝાલાની સાથે પી આઈ દવે ફરીથી જેલરની ઓફિસમાં ગયા. કોન્સ્ટેબલ પરમાર અને બે પોલીસકર્મીઓ બહાર ઉભા રહ્યા.

“ સાત સાલની સજા છે. ખૂનના આરોપમાં સજા થઇ છે. અજાણતા ખૂન થઇ ગયું છે હત્યા કરવાનું કોઈ જ મોટીવ નહોતો એવું કોર્ટે નોંધ્યું છે. કલમ ૩૦૪ હેઠળ સાત સાલની સજા પડી છે બાકી ખૂન કેસમાં જન્મટીપ થી ઓછું લગભગ કશું જ ના હોય એ તો તમે જાણો છો .આરોપીનો પહેલો જ ગુન્હો છે. અને એ પણ બનવા કાળે બની ગયો અને હોળીનું નાળીયેર બની ગયો છે. કોઈ રીઢો ગુનેગાર નથી. એના ચહેરા કે હાવ ભાવ પરથી કોઈને લાગી જ ન શકે કે આ વ્યક્તિ એક ખૂની હોઈ શકે.” આર ડી ઝાલાની સામે ઉભા રહીને પી આઈ દવેએ વાત રજુ કરી. જવાબમાં આર ડી ઝાલાએ એને બેસવાનો ઈશારો કર્યો અને પી આઈ દવે એક ખુરશી પર બેસી ગયાં. જેલ અધીક્ષક આર ડી ઝાલા બોલ્યાં.

Image Source

“ આ જેલ છે. જેલની દુનિયા અને બહારની દુનિયા અલગ અલગ હોય છે. અહી આવતા રીઢા ગુનેગારો સજા પૂરી કરે ત્યાં સુધીમાં સીધા પણ બની જતા જોયા છે અને અહી આવતા સરળ અને સીધા ગુનેગારો સજા પૂરી કરે ત્યાં સુધીમાં રીઢા ગુનેગાર બનીને જતાં પણ જોયા છે. સરળ અને સાદા માણસો જેલમાં આવે છે અને સજા પૂરી થાય ત્યાં સુધીમાં અઠંગ ખેલાડી બનીને જતા હોય છે. આપણે તો બીજું શું કરી શકીએ પણ મારો જેલર તરીકેનો વરસોનો અનુભવ કહે છે કે આવા કેદીઓને શરૂઆતમાં તમે જે ટ્રીટમેન્ટ આપો એ પ્રમાણે એનું ભવિષ્ય બનતું હોય છે!!”

“સાચી વાત છે સાહેબ પણ એક વાત મેં નોંધી છે એક વરસ થયુ આપને આ જેલમાં. બધું જ શાંત થઇ ગયું છે બાકી આ જ સેન્ટ્રલ જેલ અને એના કારનામાંથી છાપાઓ ઉભરાઈ જતા પણ મેં જોયા છે. અઠવાડિયા પંદર દિવસે જેલનું કોઈ પરાક્રમ છાપામાં ચમક્યું જ હોય!! જેલર તરીકે વાઘેલા એકદમ નિષ્ફળ સાબિત થયા હતાં.” પી આઈ દવે બોલતાં હતાં એટલામાં ચા આવી. ચા પીને થોડી આડા અવળી વાતો થઇ. ત્યાં કેદીને ને જેલના કપડામાં લઈને એક જેલ કર્મી એક રજિસ્ટર લઈને આવ્યો. આર ડી ઝાલાએ રજીસ્ટરમાં સહી કરી. પી આઈ દવે એ પણ સહી કરી અને ફરીવાર આર ડી ઝાલાએ આરોપી સામે જોઈ રહ્યા અને બોલ્યા.

“ પઠાણ ૫૨૦ ને કોટડી નંબર ૭૪ માં લઇ જાવ. અને દેગામાને કહેજો કે બે દિવસ માટે ૫૨૦ને કોટડીમાંથી બહાર કાઢવાનો નથી. જમવાનું પણ એને કોટડીમાં જ આપવાનું છે . કોઈ એની સાથે વાતચીત પણ ન કરે. બે દિવસ પછી આપણે એને રૂટીન કોટડીમાં શિફટ કરી દઈશું!!”

પઠાણે આવીને ઝાલાને સલામી આપી અને હાથ પકડીને કેદી નંબર ૫૨૦ને લઈને કોટડી તરફ આગળ ચાલ્યો. પી આઈ દવે અને આર ડી ઝાલા એને જતા જોઈ રહ્યા. બહુ જુના જમાનાના બાંધકામવાળા મકાનના દરવાજા આગળ કેદી નંબર ૫૨૦ ને લઈને પઠાણ ઉભા રહ્યા. દરવાજાની આગળ બે ચોકિયાત બેઠા હતા. બનેના હાથમાં બંદુકો હતી. એક ચોકિયાતે દરવાજાની બારી ખોલી અને કેદી નંબર ૫૨૦ નંબર ને અંદર ધકેલીને પઠાણે એક ચોકીયાતને કહ્યું.

“ દેગામા ને બોલાવી લાવ્ય” ચોકિયાત દેગામાને બોલાવી લાવ્યો. લટકતી અને મલપતી ચાલે દેગામા આવ્યો. ભગવાન પણ ક્યારેક કન્ફયુઝ થઇ જતા હોય છે કે જન્મ પૃથ્વી પર જન્મ લેનારને સ્ત્રીનું ખોળિયું આપવું કે પુરુષનું અને એ છેલ્લે સુધી નક્કી ન કરી શકે અને પછી સ્ત્રી પુરુષનું મિશ્રણ સમાન આવૃતીનો જન્મ પૃથ્વી પર થતો હોય છે. દેગામા એક આવું જ વર્ઝન હતું. આમ તો એ પુરુષ હતો પણ નખરા અને લટકા ઝટકા સોળ વરસની યુવતીને પણ શરમાવે એવા હતાં. આમ તો એ પરણિત પણ હતો બે છોકરાને બાપ હતો કોઈ જ ખામી નહોતી પણ ટૂંકમાં એકટીવાના ગેટ અપમા બુલેટ હતું!!

હાથના લટકા કરીને આંખ નચાવતો દેગામા બોલ્યો.
“ આવોને પઠાણજી અંદર આવોને.. તમારા પાવન પગલાથી અમારી આ કાજળ કોટડી પાવન કરોને પઠાણજી… આવોને પઠાણજી આવોને” બેય ચોકિયાત અને કેદી ૫૨૦ ના ચહેરા પર જરા જરા હાસ્ય આવી ગયું.
“ એ ય લીટી તું સાંભળ આ પ૨૦ ને અત્યારે કોટડી નંબર ૭૪માં રાખવાનો છે. અને ઝાલા સાહેબની કડક સુચના છે કે બે દિવસ સુધી એને ખાવા પીવાની તમામ વ્યવસ્થા કોટડીમાં જ કરવાની છે. એની સાથે તારે કે બીજા કોઈએ કશી જ વાતચીત નથી કરવાની ઓકે!! ચલ નીકળ” અને આટલું સાંભળતા દેગામાએ કેદી નંબર ૫૨૦ ના માથા પર મમતા ભર્યો હાથ ફેરવીને કહ્યું.

“ આજા મેરે પ્યારે.. હું તને તારા મુકામ સુધી પહોંચાડી દઉં” કહીને લટકતી અને મલપતી ચાલે દેગામા કેદી નંબર ને કોટડી ૭૪ તરફ દોરી ગયો. કોટડી નંબર ૭૪ ની આજબાજુની કોટડીઓ સાવ ખાલી હતી. કોટડીની અંદર ૫૨૦ ને પૂરીને દેગામા બોલ્યો.

Image Source

“ ખાસ પ્રકારના મહેમાનો માટેની આ વીઆઈપી કોટડી છે. અહી પીવાના પાણીની સગવડ છે. ખાવાનું બે ટાઈમ આવી જશે. ખાવાની સાથે જાવાની પણ વ્યવસ્થા અંદર છે. નિરાશ ન થાતો જેલમાં આવીને તમારી કોઈ પ્રાર્થના સફળ નથી થતી જેટલી સજા મળી છે એટલી ભોગવ્યે જ છૂટકો. શરૂઆતમાં કઠીન લાગશે પણ ટેવાઈ જઈશ મેરે પ્યારે ” કહીને બાથરૂમ તરફ આંગળી ચીંધી અને કોટડીને લોક મારીને દેગામા મલપતી અને લટકતી ચાલે જતો રહ્યો!!

“ બોલ ત્યારે દવે બીજું શું ચાલે છે નવીનમાં?? કોઈ નવી બ્રાંચ ખોલી કે નહિ?” આર ડી ઝાલાએ પી આઈ દવે સામે જોઇને મસ્તીભર્યા અંદાજમાં બોલ્યાં.
“ બસ ચાલ્યાં કરે છે એમ ને એમ.. બ્રાંચ હવે શેની ખોલવાની?? એ બધી ભૂતકાળની વાતો છે ઝાલા સાહેબ.. થવા કાળે બધું જ થઇ રહે છે.. અમુક તમે લખાવીને જ આવ્યા હો છો એ પ્રમાણે અહી તમારે રોલ ભોગવવો પડે.. આમ તો બધા જ એવું કરતાં હોય છે . પણ મારી જેમ બહુ ઓછા લોકોનું બહાર આવે છે. મારું જલદી બહાર આવી ગયું. આવું બધું છે ઝાલા સાહેબ. સમય છે ચાલ્યાં કરે. દવે એ આર ડી ઝાલા સામે જોઇને કહ્યું.

“ વાહ તું મોટો ફિલસૂફ બની ગયો હો દવે! તને શું લાગે છે કે આ હું જેલમાં બેઠો બેઠો ફક્ત કેદીઓનું જ ધ્યાન રાખું છું? મને પોલીસવાળાની રજે રજ માહિતી હોય છે બોલ!! હજુ છ માસ પહેલા નવી ભરતી થયેલ કોન્સ્ટેબલ યાર શું નામ એનું??? હ યાદ આવ્યું.. નીપા જ ને!! બોલ્ય આજ કાલ તારું ચક્કર નીપા સાથે જ ચાલી રહ્યું છે ને જેમ પહેલા ભારતી સાથે ચાલતું હતું.!! એ વખતે પણ મેં તને કહ્યું હતું કે સાવચેત રહેજે. કોઈ એવી પરિસ્થિતિ ના આવી પડે કે જે જેલમાં તું કેદીઓ ને મુકવા આવે છે એ જ જેલમાં તારે રહેવું પડે!! કીધું તું કે નહિ? અલ્યા પઠાણ કોફી લાવ્ય કોફી આજ ચા નથી ઉગી યાર.. અને તું પણ દવે આજ બેસ થોડી વાર ઘણાં સમયે આજ તારી સાથે સાથે માંડ સુવાણ કરવાનો મોકો મળ્યો છે!!” કહીને આર ડી ઝાલાએ દવે સામે જોઇને હસ્યા અને બને પગ ટેબલ પર ચડાવીને અંગડાઈ લીધી.

“ આપણે એવું કોઈ કાર્ય કર્યું જ નથીને કે અહી મહેમાન થવા આવવું જ પડે!! જે થયું એ સહમતીથી થતું હતું.. છોડવાનો વખત આવ્યો ત્યારે અચાનક જ છૂટી ગયું હતું.. અને રહી વાત નીપાની તો એક અનુભવથી મને સમજાયું ઝાલા સાહેબ કે કહેવાતા પ્રેમમાં પડવાનું જ નહિ. કાંઠે બેસીને હાથ પગ ધોઈ લેવાના વધુમાં વધુ પ્રેમ જળનું પાન કરી લેવાનું પણ એમાં માથાબોળ ન્હાવાનું નહિ. ભારતીએ જે કર્યું હોય એ પણ મને એ શિખામણ તો આપતી જ ગઈ.” પી આઈ દવે એ આવેલ કોફી પીધી અને પંખા સામે તાકી રહ્યો. એનું મન બે વરસ પહેલાના ભૂતકાળમાં ચાલી ગયું.

ડાયરેક પી આઈ તરીકે એનું પોસ્ટીંગ થયું હતું. નામ તો એનું હતું અતુલકુમાર ચીમનલાલ દવે. પણ ટૂંકમાં પી આઈ દવે તરીકેની છાપ પડી ગઈ હતી. સ્નાયુબદ્ધ શરીર અને ખડતલ અને મજબુત બાંધો પી આઈ દવે ને એક મજબુત લુક આપતો હતો. પ્રોબેશન પીરીયડ પછી જ્યાં એનું પોસ્ટીંગ થયું હતું ત્યાં એક ભારતી કરીને પોલીસ કોન્સ્ટેબલ હજુ નવી જ નિમણૂક થઈ હતી. પોલીસ સ્ટેશનમાં મોટેભાગે કઠોરતા જોવા મળતી હોય છે એવામાં આ સુંદરતા ભળતા સ્ટાફને પોલીસ સ્ટેશનમાં રોકાવાનું ગમતું હતું. શરૂઆતમાં સહુએ ફિલ્ડીંગ ભરવાનું અને પોતપોતાની રીતે ભારતીને પામવાના પર્યત્નો શરુ કરી દીધાં. પણ પછી બધાને ખબર પડી કે આમાં આપણા કેપ્ટન એટલે કે પી આઈ દવે સાહેબ જ છેક સુધી બેટિંગ કરીને અણનમ રહેવાના છે એટલે બીજા પોલીસવાળા એ પોત પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા. ભારતી પણ એકદમ યુવાન અને લચીલી દેહસૃષ્ટિ ધરાવતી હતી. પ્રમાણસર અને સરસ મજાના વળાંકોથી શોભતું એકદમ આકર્ષક શરીર. લાંબા વાળ એની સુંદરતાને વધારે સુંદર બનાવતા હતા. હસતી ત્યારે બને ગાલ પર ખંજન પડતાં. અને ચાલ પણ એકદમ મારકણી ટૂંકમાં કીલર લુક ધરાવતી પોલીસ કોન્સ્ટેબલ હતી. ટૂંક સમયમાં જ પી આઈ દવે અને ભારતી ગળાડૂબ પ્રેમમાં પડી ગયા. ભારતીની ડ્યુટી લગભગ પી આઈ દવે એ પોતાની સાથે જ ઓફિસમાં રાખી હતી. બીજા કોન્સ્ટેબલ બંદોબસ્તમાં જાય. આરોપીનું વોરંટ બજવવા જાય.. આરોપીને લઈને કોર્ટમાં પણ જાય. કોઈ જગ્યાએ રેઇડ પાડવી હોય તો પણ જાય. પણ ભારતીને લગભગ ક્યાય નહિ જાવાનું એને તો ફક્ત અને ફક્ત પી આઈ દવેની ડ્યુટીમાં જ રહેવાનું!! આમેય સારી વસ્તુઓ નજર સમક્ષ રહે એજ સારું એમ દવે માનતો હતો.
પણ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે પી આઈ દવે ને કોઈ જ જાણ નહોતી..!!

***********ભાગ એક પૂર્ણ*********
આગળ શું થવાનું તે જાણવા માટે અહીં ક્લિક કરી વાંચો 👉 ભાગ 2

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here