AI નો જમાનો એટલો આગળ વધી ગયો છે કે જો કંઇ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય તો તેને સાચુ માનવું મુશ્કેલ થઈ જાય છે. ત્યારે ફરી એકવાર કંઇક એવું જ થયુ જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. છેલ્લા કેટલાક દિવસોથી સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમીની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં સાનિયા અને શમી એકબીજાની નજીક જોવા મળી રહ્યા છે. મોહમ્મદ શમી અને સાનિયા મિર્ઝાના ફોટોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
વાયરલ ફોટોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને ખેલાડીઓ દુબઈમાં સમય વિતાવી રહ્યા છે. તાજેતરમાં જ મોહમ્મદ શમી પોતાની અંગત જિંદગીને કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી છૂટાછેડા લઇ લીધા છે. સોશિયલ મીડિયા પર બંનેના ફોટો આવતાની સાથે જ લોકોએ તમામ પ્રકારની અટકળો લગાવવાનું શરૂ કરી દીધું, પરંતુ સત્ય કંઈક બીજું જ છે.
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના અફેરની ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અફવાઓ ચાલી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વહેતી થઈ હતી જેમાં બંને ખેલાડીઓ ક્રિસમસ ગેટઅપમાં જોવા મળ્યા હતા. વાયરલ ફોટોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને દુબઈમાં રજાઓ માણી રહ્યા છે. લોકોએ આ તસવીરને સાચી માનીને પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું.
જો કે આ તસવીરો સંપૂર્ણપણે ફેક છે. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. શમી અને સાનિયાના આ વર્ષે જુલાઈ મહિનામાં લગ્નને લઈને વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા હતા. પરંતુ શમીએ પોડકાસ્ટ પર આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે આ તદ્દન વિચિત્ર છે. તેણે આવા સમાચારને નકારી કાઢ્યા હતા. તેણે કહ્યું હતું કે મીમ્સ સારા છે, પરંતુ કોઈના જીવન વિશે આવા સમાચાર પ્રકાશિત ન કરવા જોઈએ.
જણાવી દઈએ કે શમી હાલમાં પોતાની ફિટનેસ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઈજાના કારણે તે છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તાજેતરમાં તેણે ઘરેલુ ક્રિકેટમાં પુનરાગમન કર્યું, જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. જે બાદ ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેના સમાવેશને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી. પરંતુ 23 ડિસેમ્બરે બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે ફાસ્ટ બોલરને હજુ વધુ આરામની જરૂર છે અને તેને બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમમાં સામેલ કરી શકાય નહીં.
પૂર્વ પાકિસ્તાની બેટ્સમેન અને ક્રિકેટર શોએબ મલિકથી છૂટાછેડા બાદ સાનિયા મિર્ઝા હૈદરાબાદમાં પોતાની લાઇફ જીવી રહી છે. તાજેતરમાં તેણે ભારતના અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ ઈવેન્ટ્સમાં ભાગ લીધો. તે UAEમાં વર્લ્ડ ટેનિસ લીગમાં પણ વ્યસ્ત રહે છે. આવી સ્થિતિમાં, આ બંને દિગ્ગજો વિશે ફેલાવવામાં આવી રહેલી અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી છે.