ભારતની પ્લેઇંગ 11માંથી બહાર થયા બાદ રોહિત શર્માનું નિવેદન, કહ્યુ- હું જલ્દી જ રિટાયર…

રોહિત શર્માએ રિટાયરમેન્ટ પર તોડી ચુપ્પી, સિડની ટેસ્ટમાંથી હટવાનું કારણ પણ જણાવ્યુ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સિડની ટેસ્ટ મેચના બીજા દિવસે લંચ બ્રેક દરમિયાન એક બ્રોડકાસ્ટર સાથેની મુલાકાતમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં તેના ભવિષ્ય વિશેની અટકળોનો જવાબ આપ્યો. આ ઇન્ટરવ્યુમાં, રોહિત શર્માએ નવા વર્ષની ટેસ્ટ મેચ પહેલા ડ્રેસિંગ રૂમમાં શું થયું તે વિશે વિગતવાર વાત કરી અને નજીકના ભવિષ્ય માટે તેની યોજનાઓ વિશે પણ વાત કરી. રોહિતે કહ્યું કે સિડની ટેસ્ટમાંથી બહાર રહેવાનો તેનો નિર્ણય મુશ્કેલ હતો, પરંતુ સમજદારી વાળો હતો. જો કે તેનાથી તેના ભવિષ્યમાં કોઇ બદલાવ નહિ આવે.

રોહિત શર્માને સ્ટાર સ્પોર્ટ્સ પર પૂછવામાં આવ્યું હતું કે, “એવા અહેવાલો હતા કે તમને આરામ આપવામાં આવ્યો છે કે ટીમની બહાર કરવામાં આવ્યા છે ?” રોહિતે જવાબ આપ્યો, “આમાંથી કંઈ નહીં. હું બહાર નીકળી ગયો છું. મેં પસંદગીકારો અને કોચને કહ્યું કે મારા બેટમાંથી મને રન નથી મળી રહ્યા, તેથી મેં હટવાનો નિર્ણય કર્યો. હું થોડું ઘણુ કહીશ, પચાસ વાતો બનશે. કોચ અને કેપ્ટન સાથે મારી વાતચીત ખૂબ જ સરળ હતી, હું રન નથી બનાવી રહ્યો. રોહિત શર્માએ કહ્યું, “હું ફોર્મમાં નથી, આ એક મહત્વપૂર્ણ મેચ છે, અમને ફોર્મમાં ખેલાડીઓની જરૂર છે.

અમારા બેટ્સમેન ફોર્મમાં નથી. તમારી ટીમમાં ઘણા બધા આઉટ ઓફ ફોર્મ ખેલાડીઓ ન હોઈ શકે. તેથી મારા માટે આ નિર્ણય લેવો મુશ્કેલ હતો, પરંતુ જો બધું સામે મૂકવામાં આવે તો આ નિર્ણય સમજદારીભર્યો હતો. હું વધુ આગળ વિચારીશ નહીં, મેં ફક્ત તે વિશે વિચાર્યું કે ટીમને આ સમયે શું જોઈએ છે અને તે સિવાય બીજું કંઈ વિચાર્યુ નથી. રોહિતે એ પણ સ્પષ્ટ કર્યું કે તેની અત્યારે નિવૃત્તિ લેવાની કોઈ યોજના નથી અને તેને વિશ્વાસ છે કે તે પોતાનું ફોર્મ સુધારી શકશે.

રોહિતે કહ્યું, “હું જલ્દી નિવૃત્ત થવાનો નથી, એવો કોઈ નિર્ણય નથી. મેં આ મેચમાંથી માત્ર એટલા માટે જ બહાર રહેવાનો નિર્ણય કર્યો કારણ કે રન નથી બની રહ્યા. હું સખત મહેનત કરીશ અને વાપસી કરીશ. અત્યારે રન નથી બની રહ્યા, પરંતુ 5 મહિના પછી પણ રન નહીં બને તેની કોઈ ગેરંટી નથી. આપણે ક્રિકેટમાં ઘણું જોયું છે, જીવન દર મિનિટે, દરેક સેકન્ડે, દરરોજ બદલાય છે. તેથી મને મારી જાત પર સંપૂર્ણ વિશ્વાસ છે કે વસ્તુઓ બદલાશે, પરંતુ તે જ સમયે તમે જાણો છો કે મારે વાસ્તવિક બનવું પડશે.”

તેણે કહ્યું, “કોઈ વ્યક્તિ માઈક, લેપટોપ કે પેન વડે શું લખે છે કે બોલે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે ઘણા વર્ષોથી રમી રહ્યા છીએ તેથી તેઓ નક્કી કરી શકતા નથી કે અમારે ક્યારે જવું જોઈએ કે ક્યારે ના રમવું જોઈએ અથવા ક્યારે બહાર બેસવું જોઈએ અથવા ક્યારે કેપ્ટન્સી કરવી જોઈએ. હું એક સમજદાર માણસ છું, એક પરિપક્વ માણસ છું, બે બાળકોનો પિતા છું, મારી પાસે થોડુ મગજ છે!”

Shah Jina