લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલા સ્પિનર યુઝવેન્દ્ર ચહલના અંગત જીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ચહલના તેની પત્ની ધનશ્રી વર્મા સાથેના સંબંધોમાં મતભેદ હોવાના અહેવાલો છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. આટલું જ નહીં ચહલે સોશિયલ મીડિયા પરથી ધનશ્રી સાથેની તસવીરો પણ હટાવી દીધી છે. ત્યારથી જ તેમના છૂટાછેડાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
જો કે, બંનેમાંથી કોઈએ પણ આ મુદ્દે કંઈ કહ્યું નથી. આ દરમિયાન હવે યુઝવેન્દ્ર ચહલ એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો. જ્યાં ચહલે કેમેરા જોતાની સાથે જ પોતાનો ચહેરો છૂપાવી લીધો. ચહલ મુંબઈના જુહુમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. ચહલ એક છોકરી સાથે કારમાં જોવા મળ્યો. જ્યારે મીડિયાના કેમેરાએ તેને કેદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ક્રિકેટરે પોતાનો ચહેરો છુપાવી દીધો.
હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે શું ધનશ્રી અને ચહલના છૂટાછેડાના સમાચારનું કારણ આ મિસ્ટ્રી ગર્લ છે. વર્ષ 2023 દરમિયાન ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર તેના યુઝર નેમમાંથી ચહલ સરનેમ હટાવી દીધી હતી. ત્યારે પણ બંનેના સંબંધને લઈને વિવિધ પ્રકારની વાતો કરવામાં આવી રહી હતી. જો કે, આ મામલો ટૂંક સમયમાં શાંત થઈ ગયો. પરંતુ હવે બંનેના રસ્તા અલગ થઈ રહ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ બંનેના છૂટાછેડા નિશ્ચિત છે. માત્ર ઔપચારિક જાહેરાત થવાની બાકી છે.
જણાવી દઇએ કે, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની પહેલી મુલાકાત લોકડાઉન દરમિયાન થઈ હતી. ધનશ્રીએ એક રિયાલિટી શોમાં જણાવ્યું હતું કે ચહલે ડાન્સ શીખવા માટે તેનો સંપર્ક કર્યો હતો. આ પછી બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો. ટૂંક સમયમાં જ બંનેએ તેમના સંબંધોને લગ્નનું નામ આપ્યું. ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020માં ખૂબ જ ધામધૂમથી થયા હતા.