ગુજરાતી ફિલ્મો અને ટીવી ધારાવાહિકોમાં કામ કરી ચુકેલી આ સુંદર અભિનેત્રી હવે દર્શકોને આ ફિલ્મ દ્વારા આપશે સરપ્રાઈઝ

બૉલીવુડની હોય કે ઢોલીવુડની, ફિલ્મો જોવાની દરેકને ગમે છે અને તેમાં પણ સારી ફિલ્મો કોણ મિસ કરી શકે ? ગુજરાતી સિનેમામાં પણ ઘણી બધી એવી સારી ફિલ્મો આવી ગઈ છે જે દર્શકોને વારંવાર જોવાનું મન થાય, ઘણી ધારાવાહિકો પણ એવી હોય છે જે દર્શકો એકપણ એપિસોડ છોડવાનું પસંદ નથી કરતા.

ત્યારે આ ફિલ્મો અને ધારાવાહિકોમાં અભિનય કરનારા કલાકારોને પણ દર્શકો ખુબ જ પ્રેમ આપતા હોય છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ધારાવાહિકો એવી છે જે દરેક ઘરમાં જોવામાં આવે છે. ત્યારે આજે આપણે ગુજરાતી ધારાવાહિકો અને ફિલ્મોમાં કામ કરીને એક આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી ભાવિની ગાંધી વિશે વાત કરવાના છીએ, જે આગામી 17 તારીખના રોજ આવનારી ગુજરાતી ફિલ્મ “હલકી ફુલકી”માં એક મહત્વના પાત્રમાં જોવા મળવાના છે.

ભાવિની ગાંધી સાથે ગુજ્જુરોક્સની ટીમ દ્વારા ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું જેમાં તેમને તેમના જીવન અને કેરિયર સાથે આ ફિલ્મમાં જોડાણને લઈને કેટલીક વાતો કરવામાં આવી જેના જવાબ તેમને ખુબ જ સરસ રીતે આપ્યા, જે અમે તમારી સાથે શેર કરવા માટે જઈ રહ્યા છીએ.

ભાવિની ગાંધીને અમે પહેલો સવાલ કર્યો કે, “તમે એવું શું કરો છો ? જે તમને દુનિયાથી અલગ બનાવે છે ?” ત્યારે આ સવાલના જવાબમાં તેમને જણાવ્યું કે, “આમ તો હું ઘણું બધું અલગ કરું છું, પરંતુ જો મારા ફિલ્ડની વાત કરું તો સૌથી પહેલા અભિનય. હું જે કેરેક્ટર કરું છું તે ખુબ જ ડેડિકેશન અને ઇન્વોલમેન્ટ સાથે કરું છું.જે લોકોને પણ પસંદ આવે છે, હું જે કેરેક્ટર કરું છું તે મારા જેવું તો સેમ કોઈ ના કરી શકે પરંતુ અલગ રીતે ચોક્કસ કરી શકે છે. જેમ હું કોઈ બીજાનું કેરેક્ટર એક સરખું ના કરી શકું તેમ કોઈ મારુ પણ એક સરખું ના કરી શકે.

અમારા બીજા સવાલમાં અમે તેમને પૂછ્યું કે “એક પ્રોડયુસર અને એક અભિનેત્રી તરીકે આપ બીજા બધાથી શું અલગ કરવાની ઈચ્છા ધરાવો છો ?” ત્યારે ભાવિનીએ જણાવ્યું કે, “ખાસ કરીને “હલકી ફુલકી” કર્યા પછી મારા મગજમાં એક વિચાર છે કે સમાજમાં એક સામાજિક મેસેજ જાય એવી એક ફિલ્મ પ્રોડ્યુસ કરું.અને અભિનેત્રી તરીકે વાત કરું તો હું એક ચેલેંજિંગ રોલ કરવા ઈચ્છું છું. જે આજ સુધી મેં કર્યો નહિ હોય.આજ સુધી મેં ઘણા બધા પાત્રો ભજવ્યા છે. એ ફિલ્મોમાં હોય કે પછી ધારાવાહિકોમાં હોય કે પછી શોર્ટ ફિલ્મોમાં હોય, પરંતુ એક એવો ચેલેંજિંગ રોલ કરવો છે જે આજ સુધી ના કર્યો હોય.

ભાવિની ગાંધીને અમે તેમના કેરિયરને લગતા સવાલમાં પૂછ્યું કે, “આપના કેરિયરની શરૂઆત કેવી રીતે થઇ તેના વિશે થોડું વિસ્તારથી જણાવશો ? ત્યારે આ સવાલના જવાબમાં તેમને જણાવ્યું કે, “વાપી મારુ હોમ ટાઉન છે, અને આ ફિલ્ડમાં આવવા માટે મારી પાછળ કોઈ બેકઅપ નહોતું. સ્ટાર્ટ થયું ત્યારેથી એકલા જ પગભર થઇ છું. મને એક ફિલ્મ મળી અને એ ફિલ્મમાં લોકોએ મારો અભિનય જોયો અને બધાને ગમ્યો અને પછી મને ઘણી બધી ઓફર આવી અને મેં મારુ કેરિયર સ્ટાર્ટ કર્યું.”

તેમને આગળ જણાવ્યું કે, “મેં પહેલી ગુજરાતી ફિલ્મ “કોઈને કહેશો નહીં !” કરી. પછી “પારખા” કરી. એ પહેલા મેં હીરો એક્સ્ટ્રીમ બાઈકની જાહેરાત કરી.પછી ધીમે ધીમે થયું કે ધારાવાહિક પણ કરવી છે અને મેં વર્ષ 2015માં કલર્સ ગુજરાતી ઉપર ધારાવાહિકો કરી, તેમાં નેગેટિવ પાત્રો કર્યા. જેના બાદ “કાચિંડો”, “લંડન કોલિંગ” જેવી ફિલ્મો કરી.જેના બાદ મને સ્ટારપ્લસ ઉપર “નામકરણ” ધારાવાહિક મળી. જેના બાદ હમણાં હમણાં મેં  કલર્સ પર આવતી “છોટી સરદારની” ધારાવાહિક કરી. એટલે હું કહું તો કેરિયરની શરૂઆતમાં સ્ટ્રગલ ખુબ જ હતું, પરંતુ ધીમે ધીમે મનને મક્કમ કરી અને મારી મહેનતથી આ જગ્યાએ પહોંચી શકી.

હવે જયારે ભાવિની ગાંધી ફિલ્મ “હલકી ફુલકી”માં જોવા મળવાના છે ત્યારે અમે તેમને સવાલ કર્યો કે, ” ફિલ્મ “હલકી ફુલકી” સાથે આપ કેવી રીતે જોડાયા ? ત્યારે આ સવાલનો જવાબ આપતા તેમને કહ્યું કે, “મારા એક ફેમેલી ફ્રેન્ડ અને મારા દીદી કહી શકાય એવા મીરાં દી એમને મને કાચિંડો પછી જયંત ગિલાટર સાહેબને મળાવ્યા હતા. પરંતુ એ નટસમ્રાટ માટે હતું. પરંતુ એમાં કેટલાક કારણોસર અમે સાથે કામ ના કરી શક્યા.  જેના બાદ મારા એક બીજા મિત્રનો કોલ આવ્યો કે જયંત સર એક ફિલ્મ બનાવી રહ્યા છે અને તેમને એક અભિનેત્રીની જરૂર છે.જેના બાદ મેં મિટિંગ કરી અને અને મીટીંગ સારી રહી, જયંત સરે કહ્યું કે મને જે કેરેક્ટરમાં તમારી જરૂર છે તેમાં આપ ફિટ છો, મારુ પણ સપનું હતું જયંત સર સાથે કામ કરવાનું અને ફાઈનલી આ ફિલ્મમાં મને  કેરેક્ટર મળતા એ પૂર્ણ થયું.

અમારો આગળનો સવાલ હતો આ ફિલ્મમાં આપના પાત્ર વિશે થોડું જણાવો !” આ સવાલનો જવાબ આપતા તેમને કહ્યુ કે, “મારુ પાત્ર એક પરણિત સ્ત્રીનું છે. જેમાં મારા પાત્રનું નામ છે પરી. મારા પાત્રમાં એવું છે કે પરણિત સ્ત્રીઓ પણ તેમના સપના લગ્ન બાદ પૂર્ણ કરી શકે છે તેના ઉપર છે અને એની આગળની જર્ની વિશે જાણવા માટે તમારે ફિલ્મને જોવી પડશે.

ભાવિની ગાંધીને અમે પૂછ્યું કે, “ફિલ્મના શૂટિંગ દરમિયાનના અનુભવો અને કોઈ ખાસ ઘટના શૂટિંગ દરમિયાન બની હોય તેવી ?” આ સવાલનો જવાબ પણ તેમને પોતાના અંદાજમાં અને ખુબ જ સરસ રીતે આપતા કહ્યું હતું કે, “આ ફિલ્મનું શૂટિંગ અમારે કોરોના કાળમાં પરિવારથી દૂર રહીને કરવું પડ્યું. એ સમયે પરિસ્થિતિ એવી પણ હતી કે ગમે ત્યારે સંપૂર્ણ લોકડાઉન આવી શકે, જેના કારણે ઘરે જઈ શકીશું એ પણ ખબર નહોતી. પરંતુ અમારા માટે એટલું સારું હતું કે ડિરેક્ટર સર અને આખી ટીમ એટલી સારી હતી કે બધા સાથે મળીને એકબીજાનું ધ્યાન રાખી શક્યા અને એકબીજા સાથે એકદમ હલકા ફુલકા થઈને આવી મસ્ત મજાની ફિલ્મ “હલકી ફુલકી” ફિલ્મનું શૂટિંગ કરી લીધું.”

તેમના અનુભવમાં તેમને આગળ જણાવ્યું કે, “એમાં એક એવી ઘટના પણ બની કે અમારા ડિરેક્ટર સાહેબનો બીજા જ દિવસે એક અકસ્માત પણ થઇ ગયો હતો, એ સમયે હોસ્પિટલ જવું પણ અમારા માટે રિસ્કી હતું. જેના કારણે અમે બધા ટેંશનમાં હતા કે શું કરીએ ? કારણ કે અમર કેપ્ટન ઓફ ધ શિપને જ જો આવી રીતે ઇન્જરી થઇ હોય તો કેવી રીતે ચાલશે અને શું થશે ? એ ચિંતા સતત સતાવતી હતી પરંતુ સર એટલા સ્ટ્રોંગ હતા અને અમારું યુનિટ એટલું સારું હતું, બધાએ હેલ્પ કરી અને બહુ જ સરસ રીતે બધું પૂર્ણ થઇ ગયું.

અમારા આગળના સવાલમાં અમે ભાવિની ગાંધીને પૂછ્યું કે, “બીજી બધી ફિલ્મો કરતા “હલકી ફુલકી” ફિલ્મમાં દર્શકોને શું અલગ જોવા મળશે ?” ત્યારે આ સવાલનો જવાબ આપતા તેમને કહ્યું કે, “વુમન ઓરિએન્ટેડ મુવી છે, આમ તો પહેલા પણ એવી ફિલ્મ “હેલ્લારો” આવી ગઈ છે પરંતુ એનું થીમ અલગ હતું, આ ફિલ્મ એવી છે કે તેમાં જે નવ પાત્રો જોવા મળશે તેમાં આજની સ્ત્રીની વાત છે, નવે નવ પાત્રો અલગ અલગ કેરેક્ટર ભજવી રહ્યા છે, જે જોતા દરેક સ્ત્રીને લાગશે કે આ પાત્રમાં તો મારી જ વાત છે. મારા માટે આ નવું હતું કે એક સાથે નવ અભિનેત્રીઓ સાથે કામ કરવાનું, અને નવે નવ લીડ કેરેક્ટર. પરંતુ શૂટિંગ દરમિયાન એવું લાગ્યું જ નહિ કે અમે નવ અભિનેત્રીઓ છીએ, જેમ બહેનપણીઓ હોય તેમ જ આખી ફિલ્મ હસી મજાક સાથે શૂટ થઇ.

અમારો છેલ્લો સવાલ હતો કે “દર્શકોને એક નાનકડો સંદેશ શું આપવા માંગશો ?” આ સવાલના જવાબમાં તેમને જણાવ્યું કે “હલકી ફુલકી ફિલ્મ આવી રહી છે 17 ડિસેમ્બરના રોજ, મહિલાઓ તો ખાસ જોવા જશે, કારણ કે આ વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે, તો હું એમ કહીશ કે તમે તમારા પતિદેવને પણ સાથે લઈને જાવ બાળકોને પણ સાથે લઈને જાવ અને વિકેન્ડને એન્જોય કરી આ ફિલ્મ જોઈ અને હલકા ફુલકા થઈને ઘરે પાછા આવો.કોરોના કાળમાં આટલા ટેંશનમાં રહ્યા છીએ તો થોડા આ હલકા થવાનો સમય છે એન્જોય કરવાનો સમય છે, તો સેફ્ટિ સાથે ફિલ્મ જોવા માટે જાવ.”

તમને જણાવી દઈએ કે ભાવિની ગાંધી થોડા જ સમયમાં હોટસ્ટાર અને એમએક્સ પ્લેયર ઉપર અવાનરી “સનક” વેબસીરીઝમાં પણ જોવા મળશે આ ઉપરાંત તે બોલીવુડના ખ્યાતનામ અભિનેતા રણદીપ હુડ્ડા સાથે “વિલન પરફ્યુમ”ની જાહેરાતમાં પણ જોવા મળવાના છે.

Niraj Patel