દિવાળીના તહેવાર પર બનાવો સ્વાદિષ્ટ સૂકી કચોરી, એવો ચટાકેદાર સ્વાદ આવશે કે ઘરના દરેક વ્યક્તિ ખાતા જ રહી જશે

સૂકી કચોરી એ એક લાજવાબ સૂકો નાસ્તો છે જે મેદાથી બનેલ ક્રિસ્પી બાહ્ય પડ અને અંદર મસાલાનું મસાલેદાર મિશ્રણ ધરાવે છે. સામાન્ય કચોરીઓથી વિપરીત, તેને થોડા અઠવાડિયા કે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે અને તમે ગમે ત્યારે તેનો આનંદ લઈ શકો છો. તો ચાલો જાણીએ સૂકી કચોરી બનાવવાની રેસીપી…

ડ્રાય કચોરી બનાવવાની સામગ્રી:

 • 2 કપ મેંદો
 • બે ચમચી તેલ
 • અડધો કપ ચવાણું (ફરસાણ)
 • બે ચમચી ખજૂર આમલીની ચટણી
 • અડધી ચમચી હળદર
 • એક ચમચી લાલ મરચું પાઉડર
 • અડધી ચમચી ગરમ મસાલો પાઉડર
 • અડધી ચમચી આમચૂર પાવડર
 • ૧ ચમચી ધાણા

 • એક ચમચી વરિયાળી
 • અડધી ચમચી ખસખસ
 • અડધો કપ કાજુ (કાપેલા)
 • 10-12 કિસમિસ (કાપેલા)
 • 8-10  બદામ (કાપેલા)
 • ૨ ચમચી દળેલી ખાંડ
 • જરૂર પ્રમાણે તળવા માટે તેલ
 • મીઠું સ્વાદ પ્રમાણે

ડ્રાય કચોરી બનાવવાની રીત:

સૌ પ્રથમ ચવાણા (ફરસાણ)નો મિક્સરની અંદર એકદમ બારીક ભૂકો કરી લો.
ત્યારબાદ એક પેનની અંદર થોડું તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ ગયા બાદ ચવાણું અને બધા જ ડ્રાયફ્રુટ તથા બીજા મસાલા ઉમેરી બરાબર હલાવી લો અને 1 મિનીટ સુધી શેકાવા દો.
ત્યારબાદ આ મિશ્રણમાં ખાંડ, મીઠું અને ખજૂર-આંબલીની ચટણી ઉમેરી બરાબર હલાવી લો અને 1 મિનીટ સુધી રહેવા દો.

ત્યારબાદ ગેસ બંધ કરી દઈ અંદાજે ૪ થી ૫ મિનિટ સુધી આ મસાલાને ઠંડો થવા દેવો.
ત્યાં સુધી એક વાસણની અંદર મેંદો, મીઠું અને જરૂર પ્રમાણેનું તેલ ઉમેરી એકદમ કડક લોટ બાંધી લેવો. ત્યારબાદ તેને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવો.

પહેલા બનાવેલા મસાલામાંથી થોડો થોડો મસાલો લઈને ગોળ ગોળ બોલ બનાવી લેવા અને એક પ્લેટમાં બાજુ ઉપર રાખી લેવા. 10 મિનિટ બાદ લોટમાંથી નાનો લૂઓ લઈ તેને ગોળાકાર પુરીની જેમ વણી લેવા. આ પૂરીને એકદમ પાતળી નથી રાખવાની. થોડી જાડી બનાવવી.

પુરી વણાઈ ગયા બાદ બનાવેલા મસાલાના બોલને પુરીની વચ્ચે મૂકી કચોરી આકારમાં વાળી લેવો. કચોરી આકારમાં વાળતી વખતે બહાર વધેલા લોટને કાઢી લેવો. એક એક કરી અને આ રીતે બધી જ કચોરી તૈયાર કરી લેવી.

કચોરી તૈયાર થઇ ગયા બાદ એક પેનની અંદર તળવા માટે જરૂરી તેલ મુકવું. તેલ ગરમ થઇ ગયા બાદ ગેસની ધીમી આંચ ઉપર કરી અને કચોરી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળ્યા કરવી.
તૈયાર છે તમારી સ્વાદિષ્ટ ડ્રાય કચોરી. આ કચોરીને તમે 10-15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો.

Shah Jina