ખબર

રાજકોટમાં લાગેલી આગમાં પોતાના ભાઈને ખોઈ બેઠેલી બહેને કહ્યું: “4 લાખ તો શું 400 કરોડમાં પણ ભાઈની ખોટ કેમ પુરાય ?”

રાજકોટના આનંદ બંગલા ચોકમાંઆવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં 5 લોકોના મોત નિપજ્યા હતા. જયારે ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા. અહીં 33 દર્દી સારવાર લઇ રહ્યા હતા.

આ ઘટનામાં જે લોકોએ પોતાના સગા વ્હાલાઓને ગુમાવ્યા છે તેમનું હૈયાફાટ રુદન સામે આવી રહ્યું છે. આગની ઘટનાની જાણ થતા જ પરિવારજનો હોસ્પિટલમાં આવી ગયા હતા. સરકાર દ્વારા આ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

ત્યારે આ આગમાં મૃત્યુ પામેલા સંજયભાઈ રાઠોડનાં બહેન સંધ્યાબહેને પોતાના ભાઈને ગુમાવવાનું દુઃખ રડતા રડતા વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે”4 લાખની સહાય શું, 400 કરોડ રૂપિયા આપે તો પણ ભાઈની ખોટ કેમ પુરાય ?”

સંધ્યાબહેને જણાવ્યું હતું કે 24 નવેમ્બરના રોજ તેમના ભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા તેમને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે જ તેમને પોતાના ભાઈ સાથે વાત પણ કરી હતી. તો બીજા એક મૃતક નીતિનભાઈ બદાણીના પુત્ર અંકિતભાઈએ જણાવ્યું હતું કે: “શું ખબર પપ્પા સવારે ઉઠશે જ નહીં !!”

આ ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનોના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોતાના સ્નેહી સ્વજનો ગુમાવ્યાનું દુઃખ હોસ્પિટલની બહાર ચોધાર આંસુઓમાં વહી રહ્યું છે. તેમના હૈયાફાટ રુદનથી આસપાસનુ વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું.

તમામ મૃતકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની તાકાત આપે તેવી જ ઈશ્વરને પ્રાર્થના !!!