ભગવા વસ્ત્ર અને માથા પર ચાંદલો કરીને મહાકાલના દર્શન કરવા માટે પહોંચ્યા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ, સુર્યકુમાર કહ્યું, “પંત માટે પ્રાર્થના…”

ઉજ્જૈનમાં મહાકાલના દર્શને પહોંચી ટીમ ઇન્ડિયા, વહેલી સવારની ભસ્મ આરતીનો લીધો લ્હાવો, જુઓ તસવીરો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હાલ એક દિવસીય શૃંખલા ચાલી રહી છે, જેમાં ભારતે પહેલી બંને મેચમાં શાનદાર વિજય પણ મેળવી લીધો છે. હવે ત્રીજી મેચ આવતી કાલે ઇન્દોરમાં રમવાની છે, ત્યારે મેચ પહેલા જ ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ મહાકાલના દર્શન કરવા માટે ઉજ્જૈનમાં પહોંચ્યા હતા. જેની તસવીરો પણ સામે આવી છે.

મહાકાલના દર્શન કરવા માટે ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી સુર્યકુમાર યાદવ સાથે વૉશિન્ગટન સુંદર, કુલદીપ યાદવ પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમને સામાન્ય દર્શનાર્થીઓની સાથે બેસીને ભસ્મ આરતીનો લ્હાવો લીધો હતો. જેમાં તમામ ક્રિકેટર ભગવા રંગની ધોતી, ગમછો અને માથે તિલક લગાવીને જોવા મળ્યા હતા.

ભસ્મ આરતી બાદ ત્રણેય ખેલાડીઓએ મહાકાલ મંદિરના ગર્ભગૃહ,આ મહાકાલ પર જળ અભિષેક પણ કર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર પંડિતોએ હર હર મહાદેવનો જયકાર પણ કર્યો હતો. જેની ઘણી તસવીરો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ભસ્મ આરતી બાદ સૂર્ય કુમાર યાદવે મીડિયા સાથે પણ વાત કરી હતી.

યાદવે જણાવ્યું હતું કે મહાકાલના દર્શન કરીને બહુ જ સારું લાગ્યું. અમે ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. તેનું પરત ફરવું અમારા માટે ખુબ જ મહત્વનું છે. અમે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝ પહેલા જ જીતી ગયા છીએ હવે અમને ફાઇનલ મેચનો ઇન્તજાર છે.” તમને જણાવી દઈએ કે ઋષભ પંતને થોડા દિવસ પહેલા જ એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેના કારણે હાલ તેની સારવાર ચાલી રહી છે.

Niraj Patel