હે રામ, ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં 15 બાળકોના મોત, જાણો સેન્ડ ફ્લાય મચ્છર ક્યાં જન્મે છે? શું સાવચેતી રાખવી? જોઈએ બધુ જ

ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. તાજેતરના રીપોર્ટ પ્રમાણે રાજ્યમાં ચાંદીપુરાથી મોતનો આંકડો 15 સુધી પહોંચી ચૂક્યો છે અને હજુ પણ આ આંકડો વધવાની શક્યતા છે. અત્યારે કુલ 26 કેસો રાજયમાં નોંધાયા છે અને 15 બાળકો સારવાર હેઠળ છે. આ વાયરસ પાછળ મુખ્ય જવાબદાર સેન્ડ ફ્લાય છે. જે કરડવાને કારણે બાળકોમાં આ વાયરસ ફેલાય છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં 25 બાળકોના સેમ્પલ લઈ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. અમદાવાદની વાત કરીએ તો, સિવિલમાં ચાંદીપુરાના 6 બાળદર્દીઓ સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસને ધ્યાને લઇ 10 હજાર 181 ઘરોમાં 51 હજાર 724 લોકોનું સર્વેલંસ કરવામાં આવ્યુ છે. લક્ષણોની વાત કરીએ તો, બાળકોના મગજમાં સોજા સહિત અન્ય ઘણા લક્ષણો આ વાયરસના જોવા મળી રહ્યા છે.

ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ, ઉલટી, શ્વાસમાં તકલીફ, મગજનો તાવ જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા હોવાને કારણે પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ચાંદીપુરા વાયરસ ખૂબ જ જીવલેણ છે. જણાવી દઇએ કે, હાલ તો ચાંદીપુરા વાયરસ માટે કોઈ ખાસ સારવાર નથી.

આ વાયરસ એટલો ખતરનાક છે કે તેના લક્ષણો દેખાતા તરત જ ડોક્ટર સાથે મુલાકાત કરવી જોઈએ. જો તમે ચાંદીપુરા વાયરસથી બચવા માગો છો તો તમારે મચ્છર અને માખીઓથી બચવું જોઇએ અને તંદુરસ્ત ખોરાક ખાવો જોઇએ. ચોમાસામાં ખુલ્લામાં ઉપલબ્ધ ખોરાક પર માખીઓ બેસે છે અને તેને કારણે જીવલેણ રોગનો શિકાર આપણે બનતા હોઇએ છીએ. આ વાયરસથી બચવા સ્વચ્છતા અને સાવચેતી જરૂરી છે.

Shah Jina