અંતિમ સંસ્કાર બાદ પણ જીવતો મળ્યો આ વ્યક્તિ, 4 કરોડ મેળવવા માટે રચી એવી સાજિશ કે ખુલાસો થયા બાદ બધા હેરાન

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર મોતના એવા ખોટા મામલા સામે આવે છે કે કોઇ પણ સાંભળી કે વાંચી હેરાન રહી જાય. ત્યારે હાલમાં પંજાબના એક બિઝનેસમેને તેની પત્ની અને અન્ય ચાર સાથે મળીને તેના મોતની ખોટી કહાની રચી. પોલીસના જણાવ્યા અનુસાર, વેપારીને બિઝનેસમાં નુકસાન થયું હતું, જેના કારણે તેણે 4 કરોડ રૂપિયાના અકસ્માત વીમા માટે તેના મિત્રની હત્યા કરી દીધી. આ પછી તેણે તેના મોતની કહાની તૈયાર કરી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સુખજીતની પત્ની જીવનદીપ કૌરે સુખજીતના ગુમ થયાની ફરિયાદ નોંધાવી.

વરિષ્ઠ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે રામદાસ નગર વિસ્તારના રહેવાસી ગુરપ્રીત સિંહ, તેની પત્ની ખુશદીપ કૌર અને અન્ય ચાર લોકોની સુખજીત સિંહ નામના વ્યક્તિની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અહીં ગુરદીપ સિંહ નામના વ્યક્તિએ 4 કરોડનો અકસ્માત વીમો લેવા માટે સુખજીત સિંહ નામની વ્યક્તિની હત્યા કરી અને આ પછી તેણે અકસ્માત સર્જીને પોતાનું મોત બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને અંજામ આપતા પહેલા ગુરદીપે પોતાના જેવા જ વ્યક્તિની શોધ શરૂ કરી. ગુરદીપે સુખજિત સિંહ સાથે મિત્રતા કરી, ત્યારબાદ તેને ઘણા દિવસો સુધી દારૂ પીવડાવ્યો અને પૈસા પણ આપતો રહ્યો.

ઘટનાના દિવસે પણ ગુરદીપે મૃતક સુરજીતને દવા ભેળવીને દારૂ પીવડાવ્યો હતો. આ પછી બેભાન અવસ્થામાં તેને રાજપુરા લઈ જઈ ટ્રક નીચે કચડાવી નાખ્યો, હત્યા બાદ ગુરદીપે પોતાનો અકસ્માતનો કેસ કર્યો અને તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. એસએસપીએ જણાવ્યું કે, સાનીપુરમાં રહેતી જીવનદીપ કૌરનો પતિ સુખજિત સિંહ 19 જૂનના રોજ ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારથી તે પરત ફર્યો નહોતો. જેથી પરિજનોએ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ કરી તો સુખજીતની બાઇક અને ચપ્પલ પટિયાલા રોડ પર કેનાલના કિનારે મળી આવ્યા હતા. એક કિલોમીટરના અંતરે સુખજીત સિંહનો મોબાઈલ જમીનમાં દટાયેલો મળી આવ્યો. પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી અને આ દરમિયાન પોલીસને સુખજીતના મિત્ર ગુરપ્રીત વિશે ખબર પડી. કેટલાક દિવસોથી સુખજીતની સાનીપુરમાં રહેતા ગુરપ્રીત સિંહ સાથે મિત્રતા થઈ હતી. ગુરપ્રીત પોતાના પૈસાથી સુખજીતને દારૂ પીવડાવતો હતો. 19 જૂનના રોજ ગુરપ્રીત સિંહ, તેની પત્ની ખુશદીપ કૌર, મિત્ર સુખવિંદર સિંહ સંઘા સાથે જોવા મળ્યા હતા.

જેમ જેમ તપાસ આગળ વધી, તેમ જાણવા મળ્યું કે 20 જૂનના રોજ રાજપુરા પોલીસ સ્ટેશનમાં માર્ગ અકસ્માતમાં ગુરપ્રીત સિંહના મૃત્યુનો દાવો કરીને અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો હતો. રાજપુરા પોલીસને એક વિકૃત લાશ મળી હતી, જેની ઓળખ ખુશદીપ કૌરે તેના પતિ તરીકે કરી. અકસ્માતનો ગુનો નોંધ્યા બાદ મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ બાદ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. પણ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ગુરપ્રીત સિંહ જીવિત મળી આવ્યો.

ફતેહગઢ સાહિબ પોલીસે માનવ બાતમી, તકનીકી માધ્યમો અને ફોરેન્સિક ટીમની મદદથી તપાસ આગળ ધપાવી. ગુરપ્રીત સિંહ જથ્થાબંધ વેપારી હોવાનું બહાર આવ્યું હતું. ધંધામાં ખોટ જતા તેણે મોતની ખોટી કહાની રચી. ગુરપ્રીતનો મિત્ર રાજેશ કુમાર શર્મા વીમાનું કરતો હતો અને તેણે જ ગુરપ્રીતનો 4 કરોડનો એક્સીડેંટલ વીમો કરાવ્યો હતો. રાજેશે કહ્યુ કે, મૃત્યુ પ્રમાણપત્ર અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે સંપૂર્ણ રકમ વારસદારોને આપવામાં આવશે.

આ પછી ગુરપ્રીતના મિત્ર અને આ સમગ્ર મામલાના માસ્ટર માઈન્ડ સુખવિંદર સિંહે સંપૂર્ણ પ્લાન બનાવ્યો અને સુખજીત સિંહની હત્યા માટે પ્લાનિંગ કરવામાં આવ્યું. મૃતક પહેલા અન્ય બે લોકોને ટ્રેસ કરવામાં આવ્યા હતા, પણ કેટલાક કારણોને લઇને તેને છોડી સુખજીતને પસંદ કરાયો અને ઘટનાને અંજામ અપાયો. પોલીસે આ હત્યા કેસમાં ગુરપ્રીત સિંહ, તેની પત્ની ખુશદીપ કૌર, સુખવિંદર સિંહ સંઘા, જસપાલ સિંહ, દિનેશ કુમાર અને રાજેશ કુમારની ધરપકડ કરી છે.

Shah Jina