દેશની રાજધાની દિલ્હીની અંદર અપરાધનો ગ્રાફ સતત વધી રહ્યો છે. તો આ બધા વચ્ચે જ દિલ્હીના નંદ નગરી વિસ્તારના સુંદર નગરીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને આરટીઆઈ કાર્યકર્તા જુલ્ફીકાર કુરૈશીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાને અજ્ઞાત અપરાધિઓ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે.
જુલ્ફીકાર કુરૈશીના દીકરા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. અજ્ઞાત બદમાશો દ્વારા ચાકુથી હુમલો કરીને જુલ્ફીકારના દીકરાને ઘાયલ કરી દેવામાં આવ્યો છે. સોમવારે સવારે જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

પોલીસને મળેલી જાણકારી પ્રમાણે જુલ્ફીકાર કુરૈશી સોમાવરની સવારે નમાજ પઢવા માટે મસ્જિદ જઈ રહ્યા હતા. તે દરમિયાન જ રસ્તામાં અજ્ઞાત બદમાશોએ તેમના ઉપર હુમલો કરી દીધો અને તેમને ગોળી મારી દીધી. જેના કારણે તેમનું મૃત્યુ થઇ ગયું. સાથે જ તેમના દીકરાને પણ ઘાયલ કરી દીધો. પોલીસે હત્યાનો મામલો દાખલ કરી અને તપાસ શરૂ કરી છે.
જુલ્ફીકાર ઘણા માફિયા અને માદક પદાર્થો વેચવા વાળા વિરુદ્ધ મુહિમ ચલાવી રહ્યા હતા. જો કે તેમની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે હજુ સ્પષ્ટ નથી થયું. આ ઘટના બાદ એ વિસ્તારમાં ભયનો માહોલ છે. આસપાસના લોકોનું કહેવું છે કે અપરાધીઓ પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.

જુલ્ફીકારના દીકરાને સ્વામી દયાનંદ હોસ્પિટલની અંદર ભરતી કરાવવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે. જુલ્ફીકારની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પરિવારના લોકો સાથે પણ પુછપરછ ચાલુ છે.