મુકેશ સોજીત્રા લેખકની કલમે

રોજ રાતે ભીખા’દાએ બે ત્રણ ઘરે ટપાલ લખવાની હોય વાંચવાની હોય!! વળી ટપાલ લખવામાં અને વાંચવામાં પણ એ કોઠા સૂઝ વાપરતા – વાંચો આ હૃદયસ્પરશી વાર્તા મુકેશ સોજીત્રાની કલમે

૧૯૭૦ના દાયકાની વાત છે. ગામ આમ જુઓ તો નાનુય નહિ અને આમ જુઓતો મોટુય નહિ એવું વચલા વાંધાનું ગામ ચાર ચોપડીની નિશાળ એમાય જાતરે ખાતરે કોઈ ભણવા જાય. ભણવાનું સહેજ પણ મહાત્મ જ નહિ.કોક વળી ચાર ચોપડી ભણે ને બહાર વહ્યા જાય. બે ચોપડી ભણે ને ગામમાં રોકાઈ જાય. જેવું તેવું લખતા અને વાંચતા આવડે એવા ગામમાં આંગળીને વેઢે ગણી શકાય એવા જણ નીકળે. ગામમાં એક જ માણસ એવો કે એને પૂરેપૂરું વાંચતા આવડે!! પૂરેપૂરું લખતાં પણ આવડે અને વળી હિન્દી અને ગુજરાતી બે ય ભાષા જાણે અને ભાંગેલ તૂટેલ અંગ્રેજી આવડે ટૂંકમાં ગદી જાય એવું અંગ્રેજી આવડે!!

નામ એનું ભીખાલાલ કેશવજી!! પણ ગામ લોકો એને ભીખા’દા કહેતું. ઘણા એને ભાણીયા’દા પણ કહે કારણકે ગામના ભાણીયા ખરાને!! રતિલાલ દામોદર ગામના શેઠ કહેવાતા. શેઠના ત્રણેય દીકરા એના મોસાળ કલકતામાં સેટ થઇ ગયેલાં. રતિલાલ દામોદરના સસરાને કલકતામાં કાલી બજારમાં મીઠાઈની દુકાન હતી. આથી થોડું થોડું ભણીને બધાજ ભાણીયાને કલકતા દુકાનમાં બોલાવી લીધા. પછી તો છોકરા પરણ્યા પણ કલકતામાં અને ઘર પણ કલકતામાં બનાવી નાંખ્યા. ગામડે આવવાપણું જ નહીં. રતિલાલ દામોદરની એકમાત્ર અને ચોથા નંબરની દીકરી કાવેરી પાલીતાણામાં પરણાવેલી હતી. લગ્નના ત્રણ વરસ થયા ને જમાઈનું અવસાન થયું. કાવેરી એક વરસના ભીખાને લઈને માવતરને ઘરે આવી. અને રતિલાલ દામોદરનો ભાણીયો એટલે ભીખાલાલ આખા ગામના ભાણીયા ભાઈ થઇ ગયા. ભીખાલાલ બીજી ચોપડીમાં ભણતાં હતા ત્યારે એની માતા પણ અવસાન પામી. રતિલાલ દામોદર અને એની પત્ની હેમુબેન ભીખાને જીવની જેમ સાચવતા હતાં. ભીખો ગામની શાળામાં ચાલતી ચાર ચોપડી પૂરી કરીને બાજુના મોટાગામમાં ભણવા જવા લાગ્યો. આમને આમ ભીખો સાત ચોપડી ભણ્યો ને રતિલાલનું અવસાન થયું. બધી જ જવાબદારી ભીખાલાલ પર આવી ગઈ. પાંચેક વીઘા જમીન અને ગામની વચાળે મોટું મકાન!! એ વખતે એને સરકારી નોકરી મળી શકે એમ હતી પણ હેમુબેનને મુકીને એ ક્યાય ન ગયો. વીસેક વરસે ભીખાલાલ પરણ્યા. પછી તો હેમુબેન પણ અવસાન પામ્યાં અને ભીખાલાલ ને પણ ત્યાં એક છોકરો અને ત્રણ છોકરીનો જન્મ થયેલ. પોતાના મામાનો સારો એવો વારસો મળ્યો હતો એટલે ભીખાલાલને બહુ વાંધો ન આવ્યો. ધીમે ધીમે બધું ગોઠવાતું ગયું. દીકરો પરણાવ્યો એ નાસિક જતો રહ્યો. છોકરીઓ પણ પરણી પરણીને જતી રહી અને ભીખાલાલ અને નીલુમાડી બે વધ્યા.!! અને હવે ભીખા’દા અને નીલુમાડી બેય સાઈંઠ વટાવી ગયા હતા. આટલા સમયમાં ભીખાલાલે ગામમાં સારી એવી આબરૂ ભેગી કરી લીધી હતી.
ગામની મધ્યમાં આવેલ એ મામાની નાનકડી દુકાન સંભાળે. ગામ લોકોની ટપાલ વાંચે અને ટપાલ લખી દે!! ગામમાં લગભગ જેટલી ટપાલો આવતી એ બધી જ ટપાલો રાતે ભીખાલાલ વાંચવા જાય!! સાંજે એની દુકાન આગળ ટપાલ વાંચવાની સુથીઓ આવી ગઈ હોય!! સાત વાગ્યે રઘલો આવે અને ભીખા’દા ને કહે!!
“ભાણીયા”દા મારા બાપાએ કીધું છે આજે સુરત ટપાલ લખવી છે એટલે ઘરે આવજો.”
જવાબમાં ભીખા”દા ઉર્ફે ભાણીયા”દા કહે.

“ રઘલા તારા આતાને કહેજે આજે તો મેળ નહિ પડે પણ કાલ સાંજનું પાક્કું. કાલ આઠ વાગ્યે હું આવી જઈશ તારા આતાને કહી દેજે કે કાલે ઘરે રહે!! ઓલ્યા જેવું નો થાય હું ઘરે ટપાલ લખવા આવ્યો હતો ને તારા બાપા કહુંબાના ડાયરામાં બેસી ગયા હતા!! બંધાણીની ભલું પૂછવું!! તારા આતાને કહેજે આજ ભીખા’દા અરજણ બચું, કાનજી ધરમશી અને મનુ જીવાને ત્યાં ટપાલ લખવા જવાના છે” અને રઘલો થાય વેતો!!

સાડાસાતે દુકાન બંધ કરીને ભીખા”દા કફનીના બેય ખિસ્સામાં બે બે લાલ બોલપેન ભરાવી દે!! ઈસ્કોતરામાંથી કોરી ટપાલોના બંડલ અને અંતર્દેશીય કવર પણ લઇ લે.એકાદ બે મનીઓર્ડરના ફોર્મ પણ લઇ!! એ બધું એક ધોળી થેલીમાં નાંખે!! ભીખા’દા ઉર્ફે ભાણીયા’દા એટલે જાણે હરતી ફરતી પોસ્ટ ઓફીસ જ જોઈ લ્યો!! ઘરે જમીને બરાબર આઠના ટકોરે ભીખા’દા અરજણ બચુની ડેલીએ જઈને મોટો ખોંખારો ખાય!!

ફળિયામાં જ ખાટલા ઢાળેલા હોય!! એક ફાનસ આવી જાય!! પાણીના કળશ્યા આવી જાય. અરજણ બચુ, મનુ બચુ, જયંતી બચુ, અને ઘનુ બચુ એ ચારેય ભાઈઓ આવી જાય. ભીખા’દા ને રામ રામ કરે. ભીખા’દા થોડી ઘણી આડા અવળી વાતો કરે!! કોને ટપાલ લખવાની છે?? કોની ટપાલ વાંચવાની છે એ બધું જાણી લે!! ટપાલમાં શું લખવાનું છે એ બધું જાણી લે!! આ બધું જાણ્યા પછી આખા દુધની ચા આવે!! ચા ની ડબલ અડાળી ઠપકારીને ભીખા’દાની કલમ ચાલે!!

Image Source

શ્રી ગણેશાય નમઃ

સ્વસ્તાન શ્રી ગામ પાંચટોબરા ઉપમા લાયક , પાંચમા પુછાય એવા અમારા વેવાઈશ્રી ખોડાભાઈ સાદુળભાઈ. મનજીભાઈ સાદુળભાઈ , રમેશભાઈ સાદુળ ભાઈ અને અમારા લાખેણા જમાઈશ્રી સંદીપપટેલ અને દીકરી આશા અને ભાણેજ મયુર!! તમે સહુ ખુશી મજામાં હશો અને પરમ કૃપાલુ પરમાત્માની અસીમ કૃપાથી અમો સહુ ખુશી મજામાં છીએ!!

એતાન શ્રી ગામ ધરાવદરથી લી. આપના વેવાઈઓ અરજણ બચું, મનુ બચું, જયંતી બચુ, અને ઘનુ બચુ અને આશાની મા સમજુબેન જત જણાવવાનું કે અમારા વેવાઈને માલુમ થાય કે આશા અને ભાણેજ ને સાતમ આઠમ કરવા મોકલજો. ગઈ દિવાળીએ અને ભીમ અગિયારશે પણ આશા પિયરમાં આવી નથી. અને વળી તમારે ત્યાં વરસાદ પણ સારો થયો છે. અને અઠવાડિયું ખેતરમાં જવાય એમ નથી એટલે વાડી પડામાં કોઈ કામ પણ નથી. દીકરી આશાને અને ભાણીયાને વહેલી તકે ગારીયાધાર વાળી બસમાં બેસાડી દેશો. સંદીપ કુમારને નવરાશ હોય તો ભલે એ પણ આવે!! બીજું જણાવવાનું કે ગયા નોરતે તમારે સ્લેબ ભરવો હતો ને જે રૂપિયા તમને ઉછીના આપ્યા હતા એની હાલ કોઈ ઉતાવળ નથી. આપણે ભલે આઠમનો વદાડ હતો પણ આવતી આઠમે આપશો તો પણ ચાલશે!! બસ આશાને જરૂરને જરૂર મોકલજો!! હા એક બીજી ખબર પણ આપવાની છે કાબરી ભેંશ વિયાણી છે સંદીપ પટેલ માટે પેંડા પણ બનાવ્યા છે. એ આશા હારે મોકલાવી દઈશું!! આશાને જરૂરને જરૂર મોકલજો!!

લિખિતંગ અરજણ બચુના જય નારાયણ વાંચજો!!

ભીખા’દા ટપાલ લખીને વાંચી સંભળાવે! ફરી એક વખત આખા દુધની સળી ઉભી રહી જાય એવી ચા બને વળી ભીખા’દા ડબલ અડાળી ચાની ટટકાવે, ભીખા”દા ઉભા થાય એટલે ઘરમાંથી બાયું માણસ એ થેલી આપે એમાં કા મગ ભર્યા હોય અને કા મઠ હોય!! ઋતુ પ્રમાણે શાકભાજી પણ હોય અને કોઈ વળી વધારે પડતું સુખી ઘર હોય તો શેર બશેર ઘીની નાનકડી બરણી પણ હોય!!

રોજ રાતે બે ત્રણ ઘરે ટપાલ લખવાની હોય વાંચવાની હોય!! આ એનો નિત્યક્રમ હોય વળી ટપાલ લખવામાં અને વાંચવામાં પણ એ કોઠા સૂઝ વાપરતા. ઘણીવાર ગામડાના ઘણા અજડ માણસો એવું એવું લખવાનું કહે કે જો ભીખા’દા એ ટપાલમાં લખે તો વેવાઈઓ વચ્ચે મોટા ડખ્ખા થઇ જાય. ઘરધણી ગમે એટલું તતડાવીને લખવાનું કહે તો પણ ભીખા’દા પોતાની સાદી અને સરળ ભાષામાં જ ટપાલ લખતા!! સામેની બાજુ કોઈ એવી કડક ટપાલ આવી હોય તો પણ ભીખા’દા એની ભાષામાં ભાવાનુવાદ કરીને વાંચી સંભળાવે!! વરસોથી આ મહાવરાને કારણે ભીખા’દા ગામ આખાની છઠ્ઠી તો જાણતા જ પણ ગામના તમામ સગા સંબંધીઓની પણ છઠ્ઠી જાણતા હતા!!

શિયાળામાં ભીખા’દા ઉર્ફે ભાણીયા’દા વધારે કાર્યરત રહેતા. ગામમાં લેવાતા તમામ લગ્નની કંકોતરીનો ડ્રાફ્ટ પણ એ જ બનાવતા અને લખતા પણ એજ!! કોઈ આવીને કહે ભીખા’દાને કે આપણે માગશર મહિનામાં આઠમના લગ્ન છે. કોઈના પાંચમના લગ્ન હોય કે કોઈના છઠ્ઠના લગ્ન હોય!! કોને કેટલી કંકોતરી જોઇશે એ પણ ભીખા”દાને ખબર પડે!! એ પ્રમાણે જ એ કંકોતરી છપાવતા!! કંકોતરી લખવા માટે એ બપોરનો સમય પસંદ કરતાં!!

“વાલજી તારી યાદીમાં સરતાનપર વાળા ફઈ રહી ગયા છે. એની દીકરીના લગ્નમાં ભલે તમે ન ગયા હોય પણ એની કંકોતરી આવી હતી. તારે એને કંકોતરી લખવી જ જોઈએ”

વળી એ રામજીને પણ કહે!! “ રામજી અખ્તરીયાની કંકોતરીમાં તે પરબત જીવણને એક જ કંકોતરી લખી છે એ નો ચાલે. પરબત જીવણ, દામજી જીવણ અને વશરામ જીવણ નોખા થઇ ગયા છે એટલે ત્રણેયને તારે કંકોતરી લખવી જોઈએ. વળી તું પરબતની કંકોત્રીમાં ત્રણેયના નામ નાંખી દે એ હવે નો હાલે. પરબત અને વશરામ હવે નથી બોલતાં એટલે વશરામને પરબત કહેવા નહિ જાય અને તારે વેવાર ખોટો પડશે. એટલે આ વધની કંકોતરીનું શાક તો નથી કરવાનું ને એટલે ત્રણ કંકોતરી અખ્તરીયાની થશે”

ક્યારેક એ કાળુ કરમશીની સામું પણ દલીલ કરે.
“ ઈ બધીય વાત સાચી કાળું.. ભાણીયાના લગ્નમાં તને કંકોતરી તારી સવુબેને નથી મોકલી પણ ભાઈ તરીકે તારી ફરજ છે કે તારે એને તારવાય નહિ. તનેય ખબર છે કે જમાઈ પસંદ કરવામાં તારા બાપા થાપ ખાઈ ગયા છે. જમાઈ વળનું પુંછડું છે પણ એમાં તારી બહેન સવુનો શું વાંક!! તારે એને કંકોતરી લખવાની છે અને હાથોહાથ દઈ આવવાની છે. ભલે વેવાર બંધ છે એ આવશે પણ નહિ પણ તોય તારે તારી ફરજ પૂરી કરવાની છે. ખાલી કંકોતરી દેવા જાવ એટલું પુરતું નથી ભાણીયાના હાથમાં પચાસ રૂપિયા પણ દેતા આવવાના છે. વળી લગ્નને પંદર દિવસની વાર હોય ત્યારે તારે બેનને તેડું કરવા પણ જવાનું છે. તારા ભાયું અને કુટુંબ તને ભલે ઘીંહલાના માર્ગે ચડાવે પણ તારે હું કહું એમ કરવાનું છે. શું સમજ્યો?? હું તો સાચી સલાહ આપીશ તને” અને કાળું કરમશીનો બધો જ ગુસ્સો ઉંતરી જાય. કાળું બહેનની ઘરે કંકોતરી દેવા જાય બનેવી એને ઘચકાવે પણ ખરા પણ ભીખા’દા એ કીધા મુજબ કાળુ એક શબ્દ ના બોલે.. વળી તેડું કરવા જાય ત્યારે પણ બનેવી બરાબર ઘચકાવે અને લગ્નના બે દિવસ પહેલા સવુ બહેન અને જમાઈ બેય લગ્ન કરવા આવે. કુટુંબ મોઢામાં આંગળા નાંખી જાય!! સવુ તો ભીખા”દાને પણ મળી આવે અને બોલે.

“ ભાણીયા’દા તમારી સલાહથી એ બેય સમજી ગયા છે બાકી કોઈની તાકાત નથી મારા મુનીયાના બાપાને કોઈ સમજાવી શકે.. ભીખા”દા ભગવાન તમને સો વરહના કરે બાકી મારા મોટાબાપાના દીકરા બે ય બાજુ પીન મારી મારીને જ વેવાર તોડાવ્યો હતો. તમે મુનીયાના બાપાને મળોને ત્યારે તમારી રીતે શિખામણના બે શબ્દો કહેજો હો ભાણીયા’દા મારે તો તમે બાપ સમાન છો” ભીખા’દા સવુને આશ્વાસન આપે અને સવુની સાથે આવેલ મુનિયાને બિસ્કીટનું પડીકું પણ આપે અને માથે હાથ ફેરવીને બોલે!!

Image Source

“મુના ભાણા તારી મા ઉપર જાજે.. ભૂલે ચુકેય બાપ પર નો જાતો!! તુય તારા બાપ જેવો થાશને તો તારી મા તો દુઃખીના દાળિયા થઇ જશે”

ગામની છેલ્લે કુંભારના એક માડી રહે નામ એનું મીઠી માડી. એનો એકનો એક છોકરો નામ તો એનું ગોવિંદ હતું બધા જ એને ગોવિંદ ગરેડો કહેતા હતા. ગોવિંદ ગરેડો અસલ એના બાપ પર ગયો હતો. એના બાપા ભગવાન ભાઈને ઘણા સમય પહેલા ટ્રક પણ હતો. મીઠીમાં અને ભગવાનભાઈ મુંબઈમાં રહેતા હતા ભીવંડી પાસે ઈટોના ભઠ્ઠા કરતાં અને ચોમાસામાં વતનમાં આવતાં આમ તો જાહોજલાલી હતી પણ કોણ જાણે ભગવાન ભાઈની પાસે પૈસો વધી પડેલો તે પુના ની આજુબાજુ રમાતી ઘોડાની રેસમાં પૈસા લગાવવા માંડ્યા અને એમાંને એમાં પાયમાલ થઇ ગયા. અને પછી ક્યાય ભાગી ગયા એ પતો પણ ન મળે.. ઘણા વાતો કરતા કે ભગવાનભાઈ હરદ્વાર છે સાધુ થઇ ગયા છે તો કોઈ કહેતું કે એ ગિરનારની ગુફામાં છે અને દર શિવરાત્રીએ જ બહાર નીકળે છે. જે હોય તે પણ એનો પતો લાગ્યો નહિ અને મીઠી માડી એ વખતે જે થોડી ઘણી સંપતી હતી એ લઈને દેશમાં આવતા રહ્યા. ગોવિંદાની ઉમર એ વખતે આઠેક વરસની હતી. લોખંડની ગોળ ગરેડી અને અને એક લાંબા સળિયા વડે એ આખો દિવસ દદડીયા ફેરવ્યા કરે એટલે એનું નામ ગોવિંદ ગરેડો પડી ગયુ હતું. ગોવિંદો વીસેક વરસ થયો એટલે મુંબઈ જવાની હઠ પકડી. કહેતો કે મારે મારા બાપાને ગોતવા છે. જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ત્યાંથી જ જડે. આઠ વરસનો હતો ત્યારે મુંબઈ જોયેલું છે એટલે મુંબઈ મને ફાવી જશે. ગોવિંદાનો જન્મ જ મુંબઈમાં થયો હતો. મને કમને મીઠી માએ હા પાડેલી અને ગોવિંદો થયો મુંબઈ ભેગો. એની બાપા હારે કામ કરતાં લોકો સાથે એ મળીને શું કામ કરતો એ તો ગામને કોઈ ખબર નહિ પણ છ મહીને એ ગામમાં આંટો મારી જતો. ભીખા’દા ને મળે!! થોડી ઘટતી વસ્તુઓ એની માતાને લાવી આપે. દર પંદર દિવસે એની ટપાલ આવે અને ભીખા’દા ઉર્ફે ભાણીયા’દા મીઠી માને ત્યાં જઈને ટપાલ વાંચી આવે!! ટપાલ લખી પણ દે!!

ચાર વરસથી ગોવિંદ મુબઈ હતો. વરસ દિવસથી એ આ બાજુ આવ્યો નહોતો. એની જે ટપાલ આવતી એમાં એ કહેતો કે એક બેરલ બનાવવાની ફેકટરીમાં નોકરીએ રહી ગયો છે એટલે વરસ દિવસ નીકળાશે નહિ. તમને વરસ દિવસ સુધી દર મહીને મનીઓર્ડરથી પૈસા મોકલતો રહીશ. અને આમ દર મહીને સો રૂપિયા કે બસો રૂપિયા મીઠી માડીને મની ઓર્ડર દ્વારા મળી જતા આમને આમ થોડા સમય ચાલ્યા કર્યું!! પણ ગયા બુધવારે મીઠી માડી ભીખા”દા પાસે રાતે રોવા મંડ્યા અને કહ્યું.

“ ભાઈ ભીખા તું ગોવિંદાને કડક ભાષામાં ટપાલ લખી નાંખ કે એક વાર તું મને મોઢું બતાવી જા.. પછી તું વરસ દિવસ ન આવતો.. હવે એ મોટો થઇ ગયો છે. એને પરણાવવો પણ પડશે ને અહી આવે તો ક્યાંક મેળ પડશે.. એટલે હવે એને તમે લખી જ નાખજો કે જો આ ટપાલ મળે એ નહિ આવે ને તો હું મુંબઈ રૂબરૂ આવવાની છું.. તળે ગમે તેવી નોકરી હોય મુકીને એકવાર દેશમાં મહિનો લગણ રોકાઈ જા ભલો થઈને.. એ નથી આવ્યો એને વરહ ઉપર થઇ ગયું. પેલા તો ચાર ચાર મહીને આવતો જ હતો!! લખજો કે તારી બાને તારું મોઢું જોવું છે”

ભીખા”દા એ ટપાલ લખીને વાંચી સંભળાવી. મીઠી માડી રાજીના રેડ થઇ ગયા. પંદર દિવસ પછી એને સમાચાર મળ્યા કે ગઈ રાતે ગોવિંદો આવ્યો છે અને એ એકલો નથી એની સાથે એક છોકરી પણ છે કહે છે કે ગોવિંદાએ લગ્ન કરી લીધા છે. મીઠી માડી સવારમાં આવીને દુકાને હરખ પણ કરી ગયા.

“ કાલ રાતે અગિયાર વાગ્યે આવ્યો મારો દીકરો. વઢવાણ સીટી સુધી તો રેલ ગાડીમાં આવ્યો. ત્યાંથી પેશ્યલ મોટર બાંધીને આવ્યો સાથે વહુ પણ લાવ્યો છે. અત્યારે તો એ સુતો છે. વહુ વહેલા ઉઠીને ઘરનું કામ કરી નાંખ્યું. મને ચા બનાવી દીધી. વહુ છે તો મરાઠી પણ ગુજરાતી આવડે ખરું. આ લ્યો ભીખાભાઈ મુંબઈનો હલવો. આઠ તો મોટા મોટા થેલા લાવ્યો છે. મારો દીકરો અને વહુ પાર વગરનું લાવ્યાં છે. સાંજે આવજો તમે. જોકે ગોવિંદો ઉઠશે એટલે તમને મળવા આવશે જ!! હવે એને મુંબઈ પાછો જવા દેવો નથી. તમે એને સમજાવજો” કહીને મીઠી માડી હલવાનું પેકેટ દઈને જતા રહ્યા ફટાફટ!!

સાંજે ચારેક વાગ્યે ગોવિંદા આવ્યો આવીને ભીખા”દાને પગે લાગ્યો. ભીખા”દા સામું જોઇને રડવા લાગ્યો. ભીખા”દા પરિસ્થિતિ સમજી ગયાં. દુકાન બંધ કરી અને દુકાનની પાછળ જ એનું ઘર હતું ત્યાં ગયા. બને જણા ખાટે બેઠાં અને ગોવિંદા એ પોતાના ખિસ્સમાંથી ટપાલો કાઢીને ભીખા’દાણા હાથમાં મુકતા કહ્યું.

“ વરહ દિવસથી મેં ટપાલ નથી લખી ઘરે!! એક સંકટમાં ફસાઈ ગયો હતો પણ તોય મારી બા માટે તમે ટપાલ લખીને મોકલતા ને તમે જ લખેલી ટપાલ તમે વાંચતા!! આ તમારો ઉપકાર ક્યારેય નહિ ભૂલાય!! વળી દર મહીને સો રૂપિયા કે બસો રૂપિયાનું મનીઓર્ડર પણ તમે જ કરતા ને ભીખા”દા તમે એક વરહ ઉપરનું ટાણું સાચવી લીધું છે. સગા દીકરા કરતા વિશેષ તમે મારી માડીની સંભાળ રાખી છે. મેં કોઈ જ જાતની ભલામણ નહોતી કરી તોય આવો ઉપકાર તમે કર્યો ભીખા”દા!! હું ક્યાં ભવે ચૂકવીશ!! બસ આટલી રકમ અત્યારે લઇ લો” એમ કહીને ખિસ્સામાંથી નોટોના ત્રણ બંડલ કાઢ્યા અને ભીખા”દાના ખોળામાં મુકયા. ભીખા”દા એ નોટોના બંડલ એના હાથમાં પાછા મુકતા કહ્યું.

“વરસો પહેલા આ ગામમાં એક વરસનો હું હતો અને મારી બા સાથે આવેલ. પછી તો મારી બા પણ અવસાન પામેલી!! ગામે અને મારા મામા અને મામીએ મને સાચવી લીધેલો. જીવનમાં મને વગર કષ્ટે મળી ગયું છે. મામાની સંપતિ.. થોડી ઘણી જમીન અને ગામલોકો પણ મને અત્યારે પણ સાચવે છે. કોઈના ઘરે પ્રસંગે જમવા ન જવાયું હોય તો પીરસણું આવી જાય ઘરે. ઘી દુધનો એક રૂપિયો અત્યાર સુધીમાં મારે ચૂકવવો નથી પડ્યો. બસ એ ઉપકારનો બદલો વાળી રહ્યો છું. તું મારાથી ખુશ જ હો તો એક વચન આપ કે હવે પછી તું અહી કાયમ રોકાઈ જા!! તારી પાસે ઘણી સંપતી છે તો બસ ગામડામાં રહે.. જરૂરિયાતમંદો ને મદદ કરજે.ઈશ્વર આપણને સંપતિ એટલા માટે આપે છે કે આપણે કોઈને મદદ કરી શકીએ … હવે તો તું પરણી પણ ગયો છે ને. હવે મીઠી માડીની છેલ્લી અવસ્થામાં એના ઘડપણ પાળો અને આશીર્વાદ લો” ભીખા’દા એ કહ્યું. ગોવિંદનો ચહેરો ચમકી રહ્યો હતો. એ બોલ્યો.

Image Source

“ હવે મારે મુંબઈ જવું નથી. મારી પાસે ઘણું બધું છે. એક વરસ બહુ દુઃખ ભોગવ્યું છે. પણ બચી ગયો છું. ચાલો હું તમને મારી વાત ટૂંકમાં કહું એટલે તમને પણ સમજાઈ જશે કે મારી મજબૂરી હતી કે હું એક વરસ ઉપર થયું ગામમાં ન આવી શક્યો” કહીને ગોવિંદા એ પોતાની વાત રજુ કરી.

“ હું મુબઈમાં ટેકસી ચલાવતો હતો. મારા પિતાજીના એક જુના મિત્ર હતા એણે મને ટેકસી લઇ દીધી.ટેકસી ચલાવવા પાછળની એક ગણતરી એવી કે મુંબઈમાં વરસો પહેલા ભાગી ગયેલા કે ગું થયેલા મારા બાપા મને જો મુંબઈમાં હોય તો મળી શકે!! ત્રણ વરસ સુધી તો મારી ટેક્સી બરાબર ચાલી. આવક પણ સારી થતી હતી. વરસોવા થી સુંદર વાડી તરફ જતા રસ્તાની જમણી બાજુ એક શાક વેચવા વાળી છોકરી જ્યોતિના હું સંપર્કમાં આવ્યો. અમે બને એકબીજાને પસંદ પડ્યા. અને ભાગીને અહી આવતા રહેવાનું નક્કી કર્યું. એક દિવસ ડોંગરી ગલીથી મને એક ભાડું મળ્યું કલ્યાણ કોમ્પ્લેક્સ સુધીનું. બહુ જ રૂપાળી એક સ્ત્રી ડોંગરીથી મારી ગાડીમાં બેઠી. એની પાસે એક મોટું પાકીટ હતું. એ આજુબાજુ ચકળ વકળ જોતી હતી. કલ્યાણ કોપ્લેક્સથી આગળ થોડે દૂર એણે ગાડી ઉભી રખાવી એનું પાકીટ ગાડીમાં જ હતું અને અચાનક બે રાજદૂત આવ્યા અને એ સ્ત્રીને ગોળીઓ મારીને નાસી છૂટ્યા. હું પણ મારી ટેકસી લઈને ભાગી નીકળ્યો. સીધો સુંદરવાડી પહોચ્યો અને જ્યોતિને પેલું પાકીટ આપીને કહ્યું કે કાલે તને અહી મળીશ. આ પાકીટ સાચવજે. અને હું ત્યાંથી ભાગી નીકળ્યો. આગળ જુહુ સર્કલ પાસે બે ટેકસી મારા રસ્તામાં આગળ ઉતરી મારી ટેકસીમાં થી મને ઉતાર્યો અને એની ગાડીમાં મને બેસાડ્યો. માથાની પાછળ જોરદાર ફટકો માર્યો અને હું બેભાન થઇ ગયો. ભાનમાં આવ્યો ત્યારે હું ડોંગરીના કોઈક મકાનમાં કેદ હતો. મારી પૂછપરછ થઇ કે પેલી યુવતી પાસે મોટું પાકીટ હતું એ ક્યાં ગયું. હું ખોટું બોલ્યો અને કહ્યું એ પાકીટ તો એણે ડોંગરીથી આગળ આવ્યા ત્યાં જ કોઈકને આપી દીધું. હું જ્યોતિનું નામ દેવા માંગતો નહોતો. પાકીટમાં કીમતી હીરાઓ હતા મને વારંવાર ટોર્ચર કર્યો. પણ હું મારી વાતને વળગી રહ્યો. મનમાં મેં વિચારેલું કે હું સાચું બોલીશ તોય આ લોકો મને અને જ્યોતિને જીવતા નહિ છોડે તો પછી શા માટે જ્યોતિનો જીવ જોખમમાં નાંખવો!! કીમતી હીરાથી જ્યોતિનું નસીબ ભલે ચમકે!! મને એ લોકોએ આઠ માસ સુધી કેદમાં રાખ્યો. માર ખાઈ ખાઈને હું રીઢો થઇ ગયો હતો. પછી એક વખત ત્યાં મોટા પાયે પોલીસ ઓપરેશન શરુ થયું. બધા ત્યાંથી ભાગ્યા. પોલીસે બંદિની હાલતમાંથી મને મને છોડાવ્યો અને બે માસ સુધી કસ્ટડીમાં એટલા માટે રાખ્યો કે પોલીસ મારી પાસેથી જાણવા માંગતી હતી કે એ લોકોએ મને શું કામ પૂર્યો હતો??? હું ત્યાં પણ ખોટું જ બોલ્યો. મને ખબર હતી કે મુંબઈમાં ખાખી વર્દીમાં પણ ગુંડાઓ હોય છે .આખરે બે માસ પછી પોલીસને પણ મારામાંથી કશું ન મળ્યું એટલે મને જવા દીધો! બસ હું છૂટો થયો પણ તરત જ્યોતિને ન મળ્યો. કારણકે મુંબઈ પોલીસ કદાચ મારી પાછળ હોય. વીસેક દિવસ પછી હું એને મળ્યો!! અમે બને ખુબ જ રોયા!! એની પાસે હીરાનું પાકીટ એમને એમ જ હતું.થોડા હીરા અમે ઝવેરી બજારમાં વેચ્યાં.. હજુ ઘણા હીરા મારી પાસે છે. બસ પછી અમે રેલગાડીમાં આવતા રહ્યા અહી!! હવે મુંબઈ જવાનું નથી. અહી જમીન લેવી છે વરસે વરસે થોડીક!! બસ ખાઈ પીને જલસા કરવા છે!! જીવનમાં એક તમે અને બીજી જ્યોતિ બે જ સહુથી વિશ્વાસુ છો મારા” કહીને ગોવિંદે વાત પૂરી કરી!! પછી પરાણે ગોવિંદે એના સોગંદ દઈને રૂપિયાના ત્રણ બંડલ તો ભીખા”દાને આપ્યા જ!!

થોડા જ વરસોમાં ગોવિંદ ગામનો સહુથી મોટો ખેડૂત બની ગયો. ગામમાં સહુથી સારું મકાન ગોવિંદે બનાવ્યું. હવે કોઈ એને ગરેડો નથી કહેતું. હવે સહુ એને ગોવિંદકાકા કહે છે. ગામના વિકાસમાં અને ગરીબ ઘરોમાં ભીખા’દાની સલાહ લઈને ગોવિંદ આર્થિક સહાય કરતો.

યાદ રહે કે આ વાત ૧૯૭૦નાં દાયકાની છે!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks