ઘણા લોકો એવા હોય છે જેમના સપના આકાશમાં ઉડવાના હોય છે અને તે પોતાના સપનાને દિવસ રાત મહેનત કરીને પૂર્ણ કરવા માંગતા હોય છે. પરંતુ આ સપનાઓ પૂર્ણ કરવામાં ખુબ જ અડચણો પણ આવે છે અને ક્યારેક રસ્તો પણ ભટકી જવાય છે, છતાં પણ ઘણા લોકો એવા છે જે પોતાના નિર્ધારતી લક્ષ્ય સુધી જરૂર પહોંચે છે અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લીધા બાદ તેમની સફળતાની કહાની દુનિયા પણ વાંચે છે.
ત્યારે હાલ એવી જ દેશની એક દીકરીની કહાની ખુબ જ વાયરલ થઇ રહી છે. આ દીકરી છે કાશ્મીરની આયેશા અઝીઝ, જેને ખૂબ જ નાની ઉંમરમાં પાઈલટ બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 25 વર્ષની ઉંમરે તે કોમર્શિયલ પાયલોટ ઉડાન માટે લાયક છે. જમ્મુ અને કાશ્મીરના બનિહાલની રહેવાસી આયેશાને વાદળો અને આકાશ હંમેશા આકર્ષિત કરતા હતા. તેથી જ જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેમ તે પોતાનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં આગળ વધી.
આયેશા ખૂબ જ નાની ઉંમરે મુંબઈ ફ્લાઈંગ ક્લબમાં જોડાઈ હતી. જ્યાં તેની ટીમાં કુલ છ લોકોમાં તે એકમાત્ર છોકરી હતી. તેની તાલીમ પૂર્ણ કર્યા પછી, તેણે 16 વર્ષની ઉંમરે તેનું લાઇસન્સ મેળવ્યું. વર્ષ 2017માં તેને કોમર્શિયલ લાયસન્સ મળ્યું અને વર્ષ 2021માં તે ભારતની સૌથી નાની વયની પાઈલટ બની.
આયેશાએ જાન્યુઆરી 2021માં એર ઈન્ડિયાની ઓલ વુમન ક્રૂની કેપ્ટન ઝોયા અગ્રવાલની આગેવાની હેઠળ સાન ફ્રાન્સિસ્કોથી બેંગ્લોર માટે ઉડાન ભરી હતી. આ માર્ગ વિશ્વનો સૌથી લાંબો હવાઈ માર્ગ છે. જ્યારે તે ઉત્તર ધ્રુવ ઉપર વિમાન ઉડાવનાર વિશ્વની સૌપ્રથમ મહિલા ક્રૂ હતી.
આયેશા કહે છે કે કાશ્મીરની છોકરીઓ આ દિવસોમાં અભ્યાસ અને કરિયરના સંદર્ભમાં ખૂબ સારું કરી રહી છે. તે કહે છે કે આજે કાશ્મીરમાં લગભગ દરેક બીજી છોકરી તેનું ગ્રેજ્યુએશન અથવા પીએચડી પૂર્ણ કરી રહી છે. કાશ્મીરી હોવાને કારણે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કટ્ટરવાદીઓએ પણ હિજાબ વિના તેના વિમાન ઉડવાનો વિરોધ કર્યો હતો અને તેને અને તેના પરિવારને ધમકીઓ પણ આપી હતી, પરંતુ આયેશાએ તેના માતા-પિતાના સમર્થનથી દરેક અવરોધને પાર કર્યો હતો.
આયેશા પોતાના કામ વિશે જણાવે છે કે તેને તેના સમય પર ભરોસો નથી. ક્યારેક નાઇટ ફ્લાઈટ તો ક્યારેક વહેલી સવારે. પરંતુ તેને આ ચેલેન્જ પસંદ છે. તે કહે છે કે “મેં આ ક્ષેત્ર પસંદ કર્યું કારણ કે મને નાની ઉંમરથી જ હવાઈ મુસાફરીનો શોખ છે અને હું ઉડ્ડયનમાં ખૂબ જ ઉત્સાહિત રહેતી હતી. તેથી જ હું પાઈલટ બનવા માંગતી હતી. તે ખૂબ જ પડકારજનક છે કારણ કે તે સામાન્ય 9-5 ડેસ્ક જોબ નથી. ત્યાં કોઈ નિશ્ચિત પેટર્ન નથી અને મારે નવી જગ્યાઓ, વિવિધ પ્રકારના હવામાનનો સામનો કરવા અને નવા લોકોને મળવા માટે સતત તૈયાર રહેવું પડશે.”
આયેશા આજે જે સ્થાન પર છે તેનો શ્રેય તેના માતા-પિતાને આપે છે. એક સમયે જ્યારે કટ્ટરપંથીઓએ તેણીના હિજાબ વિના વિમાન ઉડાવવાનો વિરોધ કર્યો હતો, ત્યારે તેનો પરિવાર તેની સામે ઢાલ બનીને ઉભો હતો. તમને જણાવી દઈએ કે આયેશાએ નાસામાં ટ્રેનિંગ પણ લીધી છે. તેમની પ્રેરણા સુનિતા વિલિયમ્સ છે, જેમને તેઓ નાસા હેડક્વાર્ટરમાં મળ્યા હતા. આજે આયેશા માત્ર કાશ્મીરી મહિલાઓ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણા બની ગઈ છે.