સૌથી મૌટી પાપડ બ્રાંડ બનાવનાર 91 વર્ષિય જસવંતીબેનને મળ્યો રાષ્ટ્રપતિ તરફથી પદ્મશ્રી એવોર્ડ- જાણો કયારે કરી હતી શરૂઆત

80 રૂપિયાથી શરૂ કરી ભારતની સૌથી મોટી પાપડ બ્રાંડ બનાવનાર 91 વર્ષિય જસવંતી બેનને મળ્યો પદ્મશ્રી એવોર્ડ, આજે વાંચો પુરી સ્ટોરી…રુવાડા ઉભા ન થાય તો કહેજો

મોટી મુશ્કેલીઓને પાર કરી જે હંમેશા આગળ વધે છે તેમને જરૂરથી સફળતા મળે છે. આપણા દેશમાં એવી ઘણી મહિલાઓ છે, જે સતત સંઘર્ષ અને ખૂબ મહેનતથી પોતાનું એક અલગ મુકામ હાંસિલ કરે છે અને દુનિયા માટે એક ઉદાહરણ બની જાય છે. આવી મહિલાઓને સમ્માન આપવા માટે તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 29 મહિલાઓ સામેલ હતી. તે મહિલાઓમાંની એક 91 વર્ષીય જસવંતીબેન પોપટ છે જેમને લિજ્જત પાપડ શરૂઆત કરવા અને તેને ભારતનું સૌથી મોટી પાપડ બ્રાંડ બનાવવા માટે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

જ્યારે પણ ખોરાક સાથે કુરકુરે પાપડની વાત આવે છે, ત્યારે લિજ્જત પાપડનું નામ સૌથી પહેલા મનમાં આવે છે. પરંતુ તેની શરૂઆત વિશે વાત કરીએ તો જસવંતીબેન માટે તે સંઘર્ષભર્યો સમય હતો. 15 માર્ચ, 1959ના રોજ જસવંતીબેને તેમના છ સાથીઓ સાથે મહારાષ્ટ્રના ગિરગામમાં એક નાનકડી જગ્યાએ તેની શરૂઆત કરી હતી. આજે તે સૌથી મોટી પાપડ બ્રાન્ડ પૈકીની એક છે પરંતુ જસવંતીબેનને તે સમયે તેને શરૂ કરવા માટે 80 રૂપિયા પણ ઉછીના લેવા પડ્યા હતા. લોન પર મળેલા 80 રૂપિયાનો ઉપયોગ કરીને તેણે પાપડ બનાવવાનું શરૂ કર્યું. આ પૈસા તેણે સામાજિક કાર્યકર છગનલાલ કરમશી પારેખ પાસેથી ઉછીના લીધા હતા. જો તમને એ જિંગલ યાદ હશે જે 90ના દાયકામાં ટેલિવિઝન પર આવી હતી, તો તમે લિજ્જત પાપડને સારી રીતે જાણતા હશો. પરંતુ વાસ્તવમાં તે સરળ શરૂઆત નહોતી.

જસવંતીબેનને આ વર્ષે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંના એક પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તાજેતરમાં જ તેમને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમને વેપાર અને ઉદ્યોગ શ્રેણીમાં તેમના વિશિષ્ટ કાર્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પાપડ બ્રાન્ડ શરૂ કરનાર સાત મહિલાઓમાંથી લિજ્જત હવે એકમાત્ર હયાત સભ્ય છે. રોજગારની તકો દ્વારા મહિલાઓને ટેકો આપતી વિશ્વની સૌથી જૂની સહકારી મંડળીઓમાંની એક હોવાને કારણે, પદ્મશ્રીથી સન્માનિત થવું એ ખરેખર સમગ્ર રાષ્ટ્ર માટે સન્માનની વાત છે.

નાસ્તાથી લઈને ખીચડી હોય કે બીજુ કંઇ પણ હોય લિજ્જત પાપડ વિના જમવાનું અધૂરું જ લાગે છે. બજારમાં અનેક પાપડની બ્રાન્ડ આવી ગઈ છે. પરંતુ જે વાત અને જે વિશ્વાસ લિજ્જત પાપડની છે. તે આજ સુધી કોઈ જ બ્રાન્ડ મેળવી શકી નથી. ૧૯૫૯નો અડધો માર્ચ મહિનો વીતવામાં હતો એ વખતે દક્ષિણ મુંબઇના ગિરગામ ઇલાકામાં રહેતી સાત મહિલાઓ એક ઇમારતની છત પર ભેગી થઈ. મહિલાઓ ગુજરાતી હતી. મુંબઈમાં પતિ નોકરી-ધંધાર્થે અને બાળકો નિશાળે ચાલ્યાં જાય એ પછી સવારથી લઈને ઠેઠ સાંજ સુધી આ મહિલાઓ પાસે ખાસ કશું કામ રહેતું નહોતું. મુંબઈમાં તો ખર્ચા પણ કેટલા હોય? પાણીથી લઈને બધી જ વસ્તુ વેચાતી જ લેવાની હોય. વળી, ખાવાવાળા ઝાઝાંને કમાનારો એક! ગુજરાતણોને નવરું બેસવું પોસાયું નહી.

સાતે મહિલાઓએ ૧૫ માર્ચના એ દિવસે નિશ્વય કર્યો અને ૮૦ રૂપિયાની ઉધારી કરી થોડો અડદનો લોટ, હિંગ અને કાળાં મરચાં જેવો કાચો માલ દુકાનેથી લાવ્યો. અડદનો લોટ બાંધ્યો, એમાં મસાલો ભેળવ્યો અને પાપડ તૈયાર કર્યા. ૮૦ પાપડ બન્યા. નજીકના એક દુકાનદારને વેચ્યા. પાપડની લિજ્જત સારી હતી, વેચાઈ ગયા. દુકાનદારે વધારે માંગ્યા. અને પછી તો ધંધો ચાલી પડ્યો. પખવાડિયું થયું સાતે મહિલાઓએ ને ઉધાર લીધેલા ૮૦ રૂપિયા પાછા આપવા જેટલો વકરો પણ રળી લીધો. આજથી લગભગ છ દાયકા પહેલાના એ જમાનામાં ૮૦ રૂપિયા એટલે મધ્યમ વર્ગમાં ડંકો પાડતી રકમ! પછી તો ધીમેધીમે કારોબાર વધ્યો, ને વધ્યો તે એટલો વધ્યો કે એ સાત સ્ત્રીઓની કંપની આજે ૪૫,૦૦૦ મહિલાઓ માટે રોજીરોટી બની, ને સને ૨૦૧૮માં એની એક વર્ષની કમાણી ૮૦૦ કરોડને પાર કરી ગઈ! એ કંપની એટલે ‘લિજ્જત પાપડ’! કલ્પનાતીત, અદ્વિતીય, અવિશ્વસનીય જેવાં કોઈ પણ વિશેષણ લગાડીને આ વાત કહી શકાય એવી છે.

લિજ્જત પાપડ આજે તો હરઘરની ઓળખ બની ગઈ છે. દરેક ઘરના જમણમાં લિજ્જતની હાજરી લિજ્જત આપી જાય છે. ઊંચી ક્વોલિટી અને જબરદસ્ત ટેસ્ટ લિજ્જત પાપડની ઓળખ છે. ટેલિવિઝન પર આવતી લિજ્જત પાપડની એડવર્ટાઇઝો જોઈને ગણગણવાનું પણ મન થાય – ‘લિજ્જત પાપડ હો હર બાર!’

જે સાત મહિલાઓ ૬૦ના દસકામાં ભેગી થઈ અને લિજ્જત પાપડની સ્થાપના થઈ એમાં એક જસવંતીબેન પોપટ પણ હતાં. જેઓને લિજ્જતના ફાઉન્ડર માનવામાં આવે છે. મૂળે આ વિચાર તેમનો હતો. પણ આ મિલેનિયમ માર્કેટ ધરાવતી કંપની વાસ્તવમાં કોઈ એક માલિક દ્વારા ચાલતી નથી! આજે કંપનીમાં ૪૫ હજાર જેટલી મહિલા કર્મચારીઓ કામ કરે છે અને આ કંપની એની સૌની સહિયારી છે! હા, લિજ્જત એ Co-Opretive ઓર્ગેનાઇઝેશન છે – સહકારી સંગઠન. કંપનીનું પુરું નામ: શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ છે.

લિજ્જત પાપડ આજે ભારતના ૧૭ રાજ્યોમાં ૮૨ બ્રાન્ડ ધરાવે છે. માત્ર ભારતમાં જ લિજ્જતના લિજ્જતદાર પાપડની માંગ છે તેવું નથી. વિદેશમાં પણ લિજ્જતનું ૮૦ કરોડનું નિકાસ બજાર છે. ગિરગામ મુંબઈમાં તેમની હેડ ક્વાર્ટર છે.

લિજ્જત પાપડની પ્રસિધ્ધી આજે તેના સ્વાદને લીધે છે. સમાન કદ અને સ્વાદિષ્ટતા તેમની ઓળખ છે. એ માટે કંપની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરતી નથી. પાપડ તૈયાર કરવા માટેનો કાચો માલ પણ બરાબર ચકાસણી પછી લેવામાં આવે છે. પાપડ બનાવવા માટે જરૂરી મસાલા તરીકે હિંગ તો છેક અફઘાનિસ્તાનથી મગાવવામાં આવે છે!

Shah Jina