અમદાવાદના આ ડોકટર બની ગયા બાળકો માટે જાદુગર, એવી કાલી ઘેલી વાતોમાં મસ્તી મજાક કરીને ઇન્જેક્શન પણ આપી દે છે, જુઓ

કોણ છે ગુજરાતના એ ફેમસ ડોક્ટર, જેના વીડિયો જોઈને વાલીઓ પણ ઈચ્છે છે કે તેમના બાળકની સારવાર આ ડોક્ટર જ કરે, જુઓ ગુજ્જુરોક્સ સાથે આ બાળનિષ્ણાત ડોક્ટરની ખાસ વાતચીત

Conversation with Dr. Imran Patel : નાના બાળકોને ઇન્જેક્શનનું નામ સાંભળતા જ રડવાનું આવી જતું હોય છે. આપણે પણ જયારે નાના હતા ત્યારે કોઈ વાતે મસ્તી કરીએ કે જમીએ નહિ ત્યારે આપણા વાલીઓ પણ આપણને ડોક્ટરની બીક બતાવતા હતા અને આપણે પણ ચુપચાપ તેમનું કહ્યું માની લેતા હતા. પરંતુ જયારે હકીકતમાં ડોક્ટર પાસે જવાનું થાય ત્યારે હાલત ખરાબ થઇ જાય. તમે પણ કોઈ કામ માટે દવાખાનની અંદર ગયા હશો ત્યારે બાળકોને ઇન્જેક્શનની બીકથી રડતા ચોક્કસ જોયા હશે.

દેશ વિદેશમાં થયા વીડિયો વાયરલ :

પરંતુ હાલ એક એવા ડોક્ટરના વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે જે બાળક સાથે બાળક થઈ જાય છે અને બાળકોને એવી રીતે ઇન્જેક્શન આપી દે છે કે તેમને પણ ખબર નથી પડતી. આ ડોક્ટરની અનોખી સ્ટાઇલ અને પહેલના વાલીઓ પણ દીવાના બની ગયા છે અને એટલે જ ગુજરાતના આ ડોકટર ગુજરાતમાં જ નહિ દેશ વિદેશમાં પણ ખુબ જ પોપ્યુલર બની ગયા છે અને તેમના વીડિયોને પણ રોજ લાખો લોકો જોતા હોય છે.

ગુજ્જુરોક્સની ટીમે કરી ખાસ વાતચીત :

ત્યારે આ ડોક્ટર કોણ છે અને તેમની હોસ્પિટલ ક્યાં આવેલી છે તેના વિશે પણ હવે લોકો જાણવા માંગે છે, ત્યારે ગુજ્જુરોક્સની ટીમ દ્વારા આ યુવા ડોક્ટર જેમને દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો એવા ઇમરાન પટેલ સાથે ખાસ વાત કરી હતી, જેમાં તેમને તેમના કામ અને જીવન વિશેના કેટલાક સવાલો અમે પૂછ્યા હતા. ડોક્ટર ઇમરાન પટેલે પણ અમારી ટિમ સાથે ખુબ જ સારી રીતે વાત કરી અને એક એક બાબત અમને ખુબ જ સારી રીતે જણાવી.

સ્ટેથોસ્કોપમાં લગાવ્યું છે ટેડી બિયર :

ઇમરાન પટેલ સાથે વાતચીતમાં અને તેમના વીડિયોમાં જોવા મળ્યું કે તેઓ બચ્ચાઓ સાથે બચ્ચા બની જાય છે, તેમના સ્ટેથોસ્કોપ પણ સામાન્ય નથી અને તેમાં પણ તેમને બાળકો માટે ખાસ ટેડી બિયર લગાવી દીધું છે. તેમને જણાવ્યું કે બાળકોને સ્ટેથોસ્કોપ જોઈને જ ડર લાગે છે, જેથી તેમને આ નવતર પ્રયાસ કર્યો, આ ઉપરાંત તેમને જણાવ્યું કે તેઓ બીજા ડોક્ટરની જેમ સફેદ એપ્રન પણ નથી પહેરતા, કારણ કે એપ્રન જોઈને પણ બાળકોને ખબર પડી જાય છે કે આ ડોક્ટર છે અને તે રડવા લાગે છે. જેથી તેઓ નોર્મલ કપડાં જ પહેરે છે.

10 વર્ષથી કરે છે આ કામ :

આ ઉપરાંત ડોક્ટર ઇમરાન પટેલે એમ પણ જણાવ્યું કે તેઓ આ કામ હમણાંથી નહિ પરંતુ 10 વર્ષથી કરતા આવ્યા છે, પરંતુ તેમને વીડિયો બનાવવાનું છેલ્લા 4-5 મહિનાથી શરૂ કર્યું અને તેમના વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ ગયા, જેના કારણે તેમને આ કામ કરવાનો વધુ ઉત્સાહ મળ્યો અને લોકો પણ તેમના આ કામને ખુબ જ બિરદાવ્યું હતું.

મૂળ જૂનાગઢ માંગરોળના વતની છે :

ડોક્ટર ઇમરાન પટેલની હોસ્પિટલ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી છે, જેનું નામ છે એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ. આ હોસ્પિટલને 2 વર્ષ થઇ ગયા છે. આના પહેલા તેઓ VS હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર પણ હતા અને પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરતા હતા. ડોક્ટર ઇમરાન પટેલનું મૂળ વતન જૂનાગઢમાં આવેલું માંગરોળ છે.

દિવ્યાંગ બાળકોની મફતમાં કરે છે સારવાર :

આ ઉપરાંત ઇમરાન પટેલ તેમની હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકોની મફત સારવાર પણ કરે છે. તેમની કન્સલ્ટન્સી ફી તેઓ નથી લેતા, આ બાબતે તેઓ જણાવે છે કે પરિવારમાં દિવ્યાંગ બાળકના જન્મ થવાના કારણે તેઓ પહેલાથી જ પરેશાન હોય છે અને તેમને સતત દવાખાનાના ખર્ચ પણ હોય છે જેના કારણે તેઓ વધુ પરેશાન થતા હોય છે. માટે તેમના દ્વારા દિવ્યાંગ બાળકોની સારવાર ફ્રીમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

Niraj Patel