અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિની છાતીમાં દુખાવો થતા ઢળી પડી, શંકાસ્પદ મોત; જુઓ સમગ્ર મામલો
ગુજરાતમાંથી ઘણીવાર ચોંકાવનારા કિસ્સા સામે આવે છે, જેમાં નાની ઉંમરના લોકોને પણ કાર્ડિયાક અરેસ્ટ આવતા તેમનું મોત થતુ હોય છે. ત્યારે હાલમાં અમદાવાદના થલતેજમાં આવેલ જાણીતી ઝેબર સ્કૂલમાંથી પણ આવો જ મામલો સામે આવ્યો. 8 વર્ષિય ગાર્ગી રાણપરા સાથે સ્કૂલમાં એવી ઘટના બની કે તેનું મોત નિપજ્યુ.
ગાર્ગી સવારના 8 વાગ્યે સીડી ચઢીને આવી રહી હતી ત્યારે તેને છાતીમાં દુખાવો થતા તે લોબીની ચેર પર બેસી ગઈ અને થોડી ક્ષણમાં જ ઢળી પડી. આ પછી વિદ્યાર્થિનીને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી પણ હોસ્પિટલે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તારણ કાર્ડિયાક એરેસ્ટ હોવાનું સામે આવ્યું છે.
બાળકીના મૃતદેહને પીએમ માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘટના બની ત્યારે વિદ્યાર્થિનીનાં પેરેન્ટ્સ મુંબઈ હતા. ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બોડકદેવ પોલીસે સ્કૂલમાં ડોગ-સ્ક્વોડ સાથે તપાસ હાથ ધરી હતી. ગાર્ગી અમદાવાદમાં તેના દાદા-દાદી સાથે રહેતી હોવાનું અને માતા-પિતા મુંબઇમાં હોવાનું સામે આવ્યુ હતુ. જો કે ઘટનાની તેમને જાણ કરવામાં આવી હતી.
હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
View this post on Instagram