L&T ચેરમેન પર ફૂટ્યો દીપિકા પાદુકોણનો ગુસ્સો, કહ્યુ- ‘આટલા સીનિયર થઇને પણ આવી વાતો…’

દીપિકા પાદુકોણ ઘણીવાર માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરે છે. તાજેતરમાં ‘લાર્સન એન્ડ ટુબ્રો’ (L&T) ના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યમ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે ઓફિસ વર્ક કલ્ચર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે એક નિવેદનમાં કહ્યું કે અઠવાડિયામાં 90 કલાક કામ હોવું જોઈએ. તેમણે એવી પણ હિમાયત કરી કે કર્મચારીઓએ રવિવારે પણ કામ કરવું જોઈએ. L&Tની અઠવાડિયામાં 6 દિવસની કામ કરવાની પોલિસી વિશે વાત કરવા દરમિયાન તેમણે વર્ક અને લાઇફને બેલેન્સ કરવાની ચર્ચા છેડી.

દીપિકા પાદુકોણે આ અંગે પ્રતિક્રિયા આપી. દીપિકા પાદુકોણે પત્રકાર ફેય ડિસૂઝાના નિવેદનને શેર કરતી વખતે એસએન સુબ્રમણ્યમના નિવેદન પર વાંધો ઉઠાવ્યો અને તેને આઘાતજનક ગણાવ્યું. તેણે લખ્યું, “આવા સીનિયર પોઝિશન પર બેસેલા લોકોનું આ રીતનું નિવેદન આઘાતજનક છે. માનસિક સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે.” એસએન સુબ્રમણ્યમે અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની ભલામણ કરી અને કર્મચારીઓ દ્વારા ઘરે સમય વિતાવવા પર પ્રશ્નો ઉઠાવ્યા.

તેમણે કર્મચારીઓને કામને પ્રાથમિકતા આપવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું, “તમે તમારી પત્નીને કેટલો સમય જોઈ શકો છો ?” કર્મચારીઓ સાથેની વાતચીત દરમિયાન એક પ્રશ્નના જવાબમાં સુબ્રમણ્યમે કહ્યું કે તેમને દુઃખ છે કે તેઓ રવિવારે તેમના કર્મચારીઓ પાસેથી કામ કરાવી શકતા નથી. વાસ્તવમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમની કંપની અબજો ડોલરની હોવા છતાં તેઓ તેમના કર્મચારીઓને શનિવારે કેમ કામ કરાવે છે ?

ચેરમેને કહ્યું હતું કે કર્મચારીઓએ 90 કલાક કામ કરવું જોઈએ. આ જ વાતચીત દરમિયાન, એસએન સુબ્રમણ્યમે કહ્યું કે- ‘જો હું રવિવારે કામ કરાવી શકું, તો મને ખુશી થશે કારણ કે હું પોતે રવિવારે કામ કરું છું.’ લોકોએ રવિવારે ઓફિસ જવું જોઈએ. ઘરે રહીને તમે શું કરશો અને ક્યાં સુધી તમારી પત્નીને જોતા રહેશો?’ આ નિવેદનને કારણે એસએન સુબ્રમણ્યમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Shah Jina