‘એટલો ભયાનક નજારો કે… લાગે પરમાણુ હુમલો થયો હોય’, લોસ એન્જલસમાં આગનું તાંડવ, 11નાં મોત

લોસ એન્જલસના જંગલોમાં છેલ્લા ચાર દિવસથી ભયાનક આગ લાગી છે, જેણે ઘણા ઘરોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ફાયર ફાઇટર્સનું કહેવું છે કે આગને કાબૂમાં લેવામાં થોડી પ્રગતિ થઈ છે, જો કે તેમણે ચેતવણી આપી છે કે જોરદાર પવનને કારણે આગ ફરી ભડકી શકે છે, જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ ભીષણ આગથી લોસ એન્જલસના પોશ વિસ્તારોમાં હજારો ઘરો નાશ પામ્યા છે અને હોલીવુડ હિલ્સ સુધી ફેલાઈ ગયા છે.

આ ભયંકર આફતનું વર્ણન કરતા લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ (પોલીસ અધિકારી) એ મીડિયાને જણાવ્યું હતું કે, ‘લગભગ 10,000 ઘર અને અન્ય સંચરનાઓ ક્ષતિગ્રસ્ત થઇ છે, એવી સ્થિતિ છે કે તે વિસ્તારોમાં જાણે કોઇએ પરમાણુ બોમ્બ ફેંક્યો હોય. તેમણે ભય વ્યક્ત કર્યો કે મૃત્યુઆંક વધી શકે છે અને કહ્યું કે હાલમાં સારા સમાચારની કોઈ આશા નથી. કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શન અનુસાર, પેલિસેડ્સ વિસ્તારમાં લાગેલી આગ લગભગ 6 ટકા વિસ્તાર સુધી કાબુમાં આવી ગઈ છે, જોકે ઇટનમાં આગ હજુ પણ કાબૂ બહાર છે.

કેનેથમાં, જંગલની આગ લોસ એન્જલસ અને વેંચુરા કાઉન્ટીમાં લગભગ 960 એકર જમીનને પ્રભાવિત કરી છે. ફાયર ફાઇટરોએ 35 ટકા વિસ્તારમાં આગ પર કાબુ મેળવી લીધો છે. હર્સ્ટ અને લિડિયામાં ફાયર અધિકારીઓએ સંયુક્ત 1,200 એકરની આગને કાબુમાં લેવામાં પ્રગતિની જાણ કરી. હર્સ્ટમાં આગ 37 ટકા કાબુમાં આવી ગઈ છે, જ્યારે લિડિયામાં આ આંકડો 75 ટકા છે. લોસ એન્જલસમાં 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવને પરિસ્થિતિને વધુ બેકાબૂ બનાવી દીધી. પવન થોડો ધીમો પડ્યો, જેના કારણે બચાવ ટીમોને આગ કાબૂમાં લેવા હેલિકોપ્ટરમાંથી પાણી છોડવાની તક મળી.

જો કે, રાત્રે પવન ફરી તેજ થયો, ત્યારબાદ અધિકારીઓએ લોસ એન્જલસ અને દક્ષિણ કેલિફોર્નિયાના કેટલાક ભાગોમાં લોકડાઉન શુક્રવાર બપોર સુધી લંબાવ્યું. (ભારતીય સમય મુજબ શનિવાર)… આ ઉપરાંત આગના ફેલાવવાની અને સ્થિતિ વધુ ગંભીર થવાની આશંકા પણ જતાવવામાં આવી રહી છે. લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટના વડાએ જણાવ્યું કે ભારે પવનને કારણે જંગલની આગને કાબુમાં લેવાનું વધુ મુશ્કેલ બનશે. આપણે હજુ ખતરામાંથી બહાર નથી આવ્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગને મોટી આપત્તિ જાહેર કરી હતી. વ્હાઇટ હાઉસ ખાતે વરિષ્ઠ સલાહકારો સાથેની બેઠક બાદ બાઇડને કહ્યું, ‘મેં ગવર્નરોને, સ્થાનિક અધિકારીઓને કહ્યું કે તેઓ જે કરવાની જરૂર છે તે કરે. આગને કાબુમાં લેવા માટે કોઈ કસર ના છોડવી જોઈએ. લોસ એન્જલસમાં લગભગ એક લાખ ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે. આગને કારણે અંદાજિત નુકસાન અને આર્થિક નુકસાન US$135 બિલિયનથી US$150 બિલિયન થયું.

જંગલની આગના ધુમાડાએ લોસ એન્જલસની હવાને એટલી બધી પ્રદૂષિત કરી દીધી કે શાળાઓ બંધ કરી દેવામાં આવી. જંગલની આગમાં પેરિસ હિલ્ટન અને મેલ ગિબ્સન સહિત ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝના ઘરોનો નાશ થયો છે. લોસ એન્જલસ કાઉન્ટી શેરિફે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 153,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે કહેવામાં આવ્યું છે. બીજા 166,800 લોકોને તેમના ઘર છોડીને જો જરૂરી હોય તો સુરક્ષિત સ્થળે જવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.

ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. લોસ એન્જલસ પોલીસે જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન લૂંટફાટના આરોપમાં ઓછામાં ઓછા 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. લોસ એન્જલસ પોલીસ કેલિફોર્નિયા નેશનલ ગાર્ડ સાથે મળીને કામ કરી રહી છે જેથી સ્થળાંતરના આદેશોથી પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરી શકાય. અમેરિકાના અન્ય રાજ્યો અને કેનેડાના અગ્નિશામકોને જરૂરી સાધનો સાથે કેલિફોર્નિયા મોકલવામાં આવ્યા છે.

Shah Jina