બોલીવુડના દિગ્ગજ અભિનેતા ટીકુ તલસાનિયાને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાના અહેવાલ છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટિ નથી થઇ. અભિનેતાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણા ટીવી શોનો પણ ભાગ રહી ચૂક્યા છે.
તેઓ છેલ્લે રાજકુમાર રાવની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડીયો’માં જોવા મળ્યા હતા. ટીકુ તલસાનિયા 70 વર્ષના છે. તેમણે 1984માં ટીવી શો ‘યે જો હૈ જિંદગી’થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી 1986માં તેમણે ‘પ્યાર કે દો પલ’, ‘ડ્યુટી’ અને ‘અસલી નકલી’ જેવી ફિલ્મો કરી. અભિનેતાએ સહાયક ભૂમિકા ભજવીને પડદા પર લોકોને ખૂબ હસાવ્યા.
તેમણે ‘બોલ રાધા બોલ’, ‘કુલી નંબર 1’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘હીરો નંબર 1’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘વિરાસત’ અને ‘હંગામા 2’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ટીવી સિરિયલો પણ કરી છે. જેમાં ‘ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ’, ‘ઝિંદગી અભી બાકી હૈ મેરે ઘોસ્ટ’ અને ‘સજન રે ફિર ઝૂટ મત બોલો’નો સમાવેશ થાય છે.
પર્સનલ લાઇફની વાત કરીએ તો તેમણે દીપ્તિ સાથે લગ્ન કર્યા છે, તેમને બે બાળકો છે, એક પુત્ર સંગીતકાર રોહન તલસાણિયા અને એક પુત્રી શિખા તલસાણિયા. જેણે ‘વીરે દી વેડિંગ’, ‘કૂલી નંબર 1’ અને ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.