BREAKING: ટીકુ તલસાનિયાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો, પત્નીએ કહ્યું- ફિલ્મ સ્ક્રીનિંગ દરમિયાન તબિયત લથડાઈ; જાણો નવી અપડેટ

જાણીતા ફિલ્મ અને ટીવી કલાકાર ટીકુ તલસાનિયા વિશે પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તેમને હાર્ટ એટેક આવ્યો છે, પરંતુ તેમના પત્ની દીપ્તિ તલસાનિયાએ એનડીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમને હાર્ટ એટેક નહીં પરંતુ બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ટીકુ એક ફિલ્મ સ્ક્રીનિંગમાં ગયા હતા જ્યાં રાત્રે 8 વાગ્યાની આસપાસ તેમની તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

70 વર્ષીય ટીકુ તલસાનિયા મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ચાહકો તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

ટીકુ તલસાનિયાએ 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. તેઓ આમિર ખાન સાથે ‘અંદાઝ અપના-અપના’ અને શાહરુખ ખાન સાથે ‘દેવદાસ’ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. તેઓ તાજેતરમાં ‘વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો’માં પણ જોવા મળ્યા હતા. પરંતુ કેટલાક સમયથી તેમને પસંદગીનું કામ મળતું નથી, જેને લઈને તેઓ ચિંતિત છે.

 

વર્ષ 2023માં તેમણે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અનેક ઓડિશન પછી પણ તેમને રિજેક્ટ કરી દેવામાં આવે છે, તેમને તેમની પસંદગીનો રોલ મળતો નથી. તેમણે કહ્યું હતું, “હું રોજ કામની શોધમાં છું. ઘણા ઓડિશન આપી રહ્યો છું પરંતુ એ પ્રકારનું કામ મળી રહ્યું નથી. હવે ઈન્ડસ્ટ્રીમાં ઘણા બદલાવ આવી ચૂક્યા છે. એ સમય ગયો જ્યારે કેબરે ડાન્સ, બે લવ સોંગ વાળી ફોર્મ્યુલા ફિલ્મો થતી હતી અને કોમેડિયન આવતા હતા અને પોતાનું કામ કરીને જતા રહેતા હતા. એ બધું હવે બદલાઈ ગયું છે. હવે ફિલ્મો વાર્તા પર આધારિત બની રહી છે અને વાર્તાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. એટલે હવે તમારા માટે જરૂરી છે કે તમારું પાત્ર ફિલ્મની વાર્તાનો યોગ્ય ભાગ હોય અથવા તમારી વ્યક્તિત્વ ફિલ્મના કોઈ પાત્ર સાથે મેળ ખાતી હોય.”

 

તેમણે આગળ કહ્યું હતું, “હું સતત કામની શોધમાં છું. સમય સાથે વસ્તુઓ બદલાઈ ગઈ છે. પરંતુ ધીરજ રાખવાની જરૂર છે. હું લોકો મને કૉલ કરે તેની રાહ જોઈ રહ્યો છું. આ ઉપરાંત, હું એ અનુભવી રહ્યો છું કે હું એક અભિનેતા છું જે કામની શોધમાં છે. એટલે જો કોઈ યોગ્ય ભૂમિકા હોય તો હું તે કરવાનું પસંદ કરીશ. મારા માટે કામ શોધવું મુશ્કેલ થઈ રહ્યું છે.”

11 જાન્યુઆરી 2025ના રોજ, હોસ્પિટલ તરફથી અભિનેતાની સ્થિતિમાં સુધારાના સમાચાર આપવામાં આવ્યા. જણાવવામાં આવ્યું કે ટીકુ તલસાનિયાની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. ડૉક્ટરોની એક ટીમ તેમની દેખરેખ રાખી રહી છે અને તેમની સારવાર ચાલુ છે. અભિનેતાના પરિવારે તેમના ચાહકોને પ્રાઇવસી જાળવી રાખીને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.

 

kalpesh