સમાચાર અને સોશિયલ મીડિયામાં ઘણી હોસ્પિટલોમાં લાપરવાહીના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણી હોસ્પિટલ ઉપર વ્યક્તિઓના કિડની અને શરીરના બીજા અંગો કાઢી અને વેચી દેવાના આરોપો પણ લાગતા હોય છે, ત્યારે હાલ એક ખુબ જ ચોંકવાનારી ઘટના સામે આવી છે જેમાં હોસ્પિટલ ઉપર દર્દીના માથાનું હાડકું જ વેચી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ઘટના બની છે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં. જ્યાં એક વ્યક્તિ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર બ્રેઈન ટ્યુમરની સર્જરી કરાવવા માટે દાખલ થયો હતો. પરંતુ ઓપરેશન દરમિયાન હોસ્પિટલ પ્રબંધન દ્વારા તેના માથાનું હાડકું કાઢીને રાખી લેવામાં આવ્યું. જેના બાદ દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ ઉપર આરોપો લગાવ્યા છે.
આ સમગ્ર મામલો ઉજ્જૈનના જ્યોતિનગરનો છે. જ્યાં સુરેશ પરમારના 33 વર્ષના દીકરાને બ્રેઈન ટ્યુમરના ઓપરેશન માટે સીએચએલ હોસ્પિટલમાં 20 જૂનના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું કે તેની સર્જરી કરવા માટે હોસ્પિટલ દ્વારા બીજા શહેરના ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા.

યુવકે જણાવ્યું હતું કે ન્યુરો સર્જન દ્વારા તેના અડધા માથાનું હાડકું કાઢી અને હોસ્પિટલમાં જ રાખી લીધું હતું. અને કહેવામાં આવ્યું હતું કે ચાર મહિના બાદ રિકવરી થવા ઉપર અને ટ્યુમર ઠીક થવા ઉપર તેને હાડકું ફરીવાર લગાવવામાં આવશે, પરિવારજનોના જણાવ્યા પ્રમાણે જયારે રિકવરી થવા ઉપર તે હાડકું લગાવવા માટે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હોસ્પિટલ દ્વારા તેમને બીજું હાડકું લાવવાનું કહેવામાં આવ્યું.

તો બીજી તરફ યુવકના આ આરોપોને ખોટા ગણાવતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે પરિવારજનોની સ્વીકૃતિ બાદ હાડકાને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. યુવકના પિતા સુરેશ પરમારે આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલ દ્વારા તેમના દીકરાના શરુરનું હાડકું પૈસા લઈને કોઈ બીજા દર્દીને વેચી દીધું છે.

યુવકના પરિવારજનોએ હવે હોસ્પિટલ પ્રસાશન ઉપર લાપરવાહીનો આરોપ લગાવતા ઇન્દોરની એમઆઈજી પોલીસ સ્ટેશનમાં 9 ઓગસ્ટના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમને જણાવ્યું કે હાડકાને નષ્ટ કરવાને લઈને તેમની પાસેથી કોઈ સ્વીકૃતિ લેવામાં નહોતી આવી.