28 વર્ષ બાદ સીએમ યોગીએ પોતાના પૈતૃક ઘરે વિતાવી રાત, માતાને મળતા જ સર્જાયા ભાવુક દ્રશ્યો

ઉત્તર પ્રદેશના ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આજે ચારે તરફ ચર્ચા થઈ રહી છે. તેઓ હાલમાં ઉત્તરાખંડના ત્રણ દિવસના પ્રવાસે છે. પહેલા દિવસે સીએમ યોગી આદિત્યનાથે પૌડી ગઢવાલ જિલ્લામાં યમકેશ્વર સ્થિત ગુરુ ગોરખનાથ મહાવિદ્યાલયમાં પોતાના ગુરુ મહંત અવૈદ્યનાથની મૂર્તિનું અનાવરણ કર્યું. આ અવસરે એક જનાસભાને સંબોધિત કરીને તેમણે પોતાના શાળાના શિક્ષકોને પણ સન્માનિત કર્યા.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, તેઓ પૌડીના પંચૂર ગામમાં જન્મ્યા હતા અને યમકેશ્વરની નજીક ચમોટખાલ સ્થિત એક શાળામાં તેમણે ધોરણ 1થી 9નો અભ્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આજે મને તે શાળા શિક્ષકોની પણ યાદ આવી રહી છે જે આજે આ દુનિયામાં નથી.

યમકેશ્વરમાં બનાવવામાં આવેલા મંચ પર સન્માન સમારોહ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે તેમના શાળાના શિક્ષકોને શાલ,મિઠાઈ અને ગુપ્ત દાન આપ્યું હતું. આ દરમિયાન સીએમ યોગી સંબોધન દરમિયાન પોતાના ગુરુ મહંત અવૈદ્યનાથને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા અને રડવા લાગ્યા. આ કાર્યક્રમ બાદ સીએમ યોગી પોતાના પૈતૃક ગામ પંચૂર તરફ જવા રવાના થયા.

સીએમ યોગીના કાર્યક્રમમાં ઉત્તરાખંડના સીએમ ધામી, પૂર્વ સીએમ તીરથ સિંહ રાવત અને ત્રિવેન્દ્ર સિંહ રાવત, પર્યટન મંત્રી સતપાલ મહારજ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સીએમ યોગીને અભ્યાસ કરાવનારા શિક્ષકો પણ હાજર રહ્યા હતા.

તો બીજી તરફ 28 વર્ષ બાદ સીએમ યોગી પોતાના ઘરે જતા તેમની માતાની ખુશી સમાતી નહોતી. સીએમ યોગીના માતાએ તેમના માથા પર હાથ મુકીને આશિર્વાદ આપ્યા. સીએમ યોગીએ પોતાના માતા સાથે વાતચીત કરી, આ દરમિયાન બન્નેના ચહેરા પર અનોખુ તેજ હતું. પોતાના ઘરમાં એક રાત વિતાવ્યા બાદ સીએમ યોગી આજે તેમના નાના ભાઈના પુત્રના મુંડન કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ હરિદ્વાર જવા રવાના થશે.

તમને જણાવી દઈએ કે સીએમ યોગી પોતાના પૈતૃક ગામમાં 5 વર્ષ બાદ પહોંચ્યા છે અને સંન્યાસ લીધાના 28 વર્ષ બાદ તેમણે પોતાના પૈતૃક ઘરે રાતવાસો કર્યો છે. આ પહેલા ઉત્તરાખંડમાં ચૂંટણી સમયે ઋતુ ખંડુરી માટે પ્રચાર કરવા પોતાના ગામમાં હતા. નોંધનિય છે કે કોરોનાકાળમાં સીએમ યોગીના પિતાનું નિધન થયું હતું પરંતુ તે જઈ શક્યા નહોતા.

YC