હે રામ, કુંભમેળામાં જઇ રહેલ નવસારીની મહિલાને નડ્યો અકસ્માત, ઓવરટેક કરવા જતા ટક્કર મારી, 1 નું મોત-8 ઘાયલ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, ને અત્યાર સુધીમાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. જો કે આ વચ્ચે ઘણી દુર્ઘટનાઓની ખબર પણ સામે આવી રહી છે. હાલમાં જ 28 જાન્યુઆરીએ 1.30 વાગ્યે સંગમ કિનારે નાસભાગની ઘટના બની, જેમાં ત્રીસેક લોકોના મોત નિપજ્યા જ્યારે 60 જેટલા લોકો ઘાયલ છે. ત્યારે નવસારીની ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત 57 વર્ષીય સ્વાતિ પટેલનું કુંભમેળાની યાત્રા દરમિયાન કરુણ મોત નિપજ્યું હોવાની ખબર સામે આવી રહી છે.

ચિત્રકૂટ નજીક એક અજાણ્યા વાહને ટવેરા કારને ઓવરટેક કરવા જતાં સાઇડમાંથી ટક્કર મારી હતી. આ ઘટના રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે બની હતી. ધર્મિનગરના જલારામનગર સોસાયટીના રહેવાસી સ્વાતિ પટેલ સંબંધીઓ સાથે મહાકુંભ જવા નીકળ્યા હતા ને ત્યારે અકસ્માતનો ભોગ બન્યા. સ્વાતિ પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાને કારણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા, જો કે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું જ્યારે આઠેક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી.

Shah Jina