મહાકુંભ નાસભાગમાં મૃત્યુ પામનાર વિસનગરના મહેશભાઇના સિદ્ધપુરમાં થયા અંતિમસંસ્કાર- પરિવાર સહિત આખુ ગામ હીબકે ચડ્યું

28 જાન્યુઆરીએ મહાકુંભના સંગમ કિનારે થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુનાં મોત થયાં હોવાના અહેવાલ છે, જ્યારે 60 લોકો ઘાયલ છે. મૃતકોમાં એક ગુજરાતી શ્રદ્ધાળુ પણ છે. મૂળ મહેસાણાના વિસનગર તાલુકાના કડા ગામના વતની અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા મહેશભાઈ સોમાભાઈ પટેલના મૃતદેહને આખરે તેમના વતન લાવવામાં આવ્યો, જ્યાં પરિવાર અને ગામવાળા તેમનાં અંતિમદર્શન માટે એકત્રિત થયાં હતાં.

આ પછી મૃતદેહને અંતિમવિધિ માટે સિદ્ધપુર લઇ જવાયો, જ્યાં શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મહેશભાઇના નિધનથી પરિવાર શોકમાં છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઇ ગઇ છે. જણાવી દઇએ કે, મહેશભાઇ મહાકુંભ મૌની અમાસ પર અમૃત સ્નાન માટે ગયા હતા, પણ મોતને ભેટ્યા.

મહેશભાઈના મૃતદેહને વતનમાં લાવવામાં આવતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કડા ગામે આવી પહોંચ્યા હતા, અને આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી ફૂલહાર અર્પણ કર્યો હતો. આ ઉપરાંત તેમણે પરિવારજનો પાસેથી માહિતી મેળવી હતી.તેમની સાથે મહાકુંભમાં ગયેલ તેમના સાળાએ જણાવ્યું કે અચાનક ધક્કો વાગ્યો અને અમે નીચે પડી ગયા. આ પછી મહેશભાઈ ઉભા ન થઇ શક્યા અને લોકો તેમની પર થઈને ચાલવા લાગ્યા.

ઉલ્લેખનીય છે કે, વિસનગરના કડા ગામના વતની અને વર્ષોથી સુરત સ્થાયી થયેલા 65 વર્ષીય મહેશભાઈ પટેલ તેમના સમાજના લોકો સાથે પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભમાં સ્નાન કરવા માટે ગયા હતા, જ્યાં પ્રયાગરાજ ખાતે તેમનું મોત નીપજ્યું.

Shah Jina
error: Unable To Copy Protected Content!