અમેરિકા : હવામાં થયેલ ભિષણ પ્લેન-હેલિકોપ્ટર દુર્ઘટનામાં તમામ 67 લોકોના મોત; ખોફનાક નજારો

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઇન્સનું વિમાન અને હેલિકોપ્ટર સામસામે અથડાયા હતા. ટક્કર બાદ વિમાન અને હેલિકોપ્ટર અલગ થઈ ગયા અને નદીમાં પડી ગયા. હવે આ અકસ્માત અંગે માહિતી આપતાં, વોશિંગ્ટનના ફાયર ચીફે કહ્યું કે આ અકસ્માતમાં તમામ 67 લોકોના મોત થયા છે. વોશિંગ્ટન ડીસીના ફાયર ચીફનું કહેવું છે કે વિમાન અને હેલિકોપ્ટર વચ્ચેની ટક્કરમાં કોઈ બચી શક્યું નથી.

વોશિંગ્ટન ડીસી ફાયર અને ઇએમએસએ જણાવ્યું કે અમે હવે રેસ્ક્યુ ઓપરેશનને રિકવરી ઓપરેશનમાં ફેરવી રહ્યા છીએ. અહેવાલ મુજબ, પરિવહન સચિવે જણાવ્યું હતું કે અકસ્માત પછી અમેરિકન એરલાઇન્સનું વિમાન પોટોમેક નદીમાં ત્રણ ટુકડામાં પડેલું મળી આવ્યું હતું. અમેરિકન ઇગલ ફ્લાઇટ 5342 રીગન નેશનલ એરપોર્ટ નજીક આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયુ હતુ. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા છે.

સર્ચ અને રેસ્ક્યુ ટીમો રાહત કામગીરીમાં રોકાયેલી છે. વિમાનમાં 4 ક્રૂ સભ્યો સહિત 64 લોકો અને હેલિકોપ્ટરમાં 3 લોકો હતા. સીબીએસ ન્યૂઝ અનુસાર, અત્યાર સુધીમાં 40 મૃતદેહો મળી આવ્યા છે. વિમાન અને હેલિકોપ્ટર બંનેના ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR કે બ્લેક બોક્સ) મળી આવ્યા છે. વોશિંગ્ટન ફાયર ડિપાર્ટમેન્ટના વડાએ ગત રોજ જણાવ્યું હતું કે પાણીમાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. પાણી ખૂબ ઊંડું અને કાદવવાળું છે. આ કારણે ડાઇવર્સને ડાઇવિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બચાવ કામગીરીમાં ઘણા દિવસો લાગી શકે છે. આ અકસ્માત યુએસ એરલાઇન્સના CRJ700 બોમ્બાર્ડિયર જેટ અને આર્મી બ્લેક હોક (H-60) હેલિકોપ્ટર વચ્ચે થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે આ અકસ્માત માટે ઓબામા અને બાઇડેન પ્રશાસન દરમિયાન લાગુ કરેલ DEI (વિવિધતા, સમાનતા અને સમાવેશ) ની નીતિઓને જવાબદાર ઠેરવી હતી. ટ્રમ્પના મતે આ નીતિઓને કારણે હવાઈ સલામતીના ધોરણો સાથે ચેડા થયા હતા, જેના કારણે આ અકસ્માત થયો હતો.

વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે DEI પ્રોગ્રામને કારણે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન સલામતીને પ્રાથમિકતા આપતું નથી. ટ્રમ્પે ભૂતપૂર્વ પરિવહન સચિવ પીટ બુટિગીગ પર એર ટ્રાફિક કંટ્રોલર તરીકેના હોદ્દા માટે અપંગતા અને માનસિક સમસ્યાઓ ધરાવતા લોકોને નોકરી પર રાખવાનો આરોપ મૂક્યો છે. ટ્રમ્પે પહેલાથી જ અમેરિકામાં DEI કાર્યક્રમો પર રોક લગાવી દીધી છે.

Shah Jina