લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રના શાહી લગ્ન, કીર્તિદાન ગઢવીને જોઇ ભેટી પડ્યા માયાભાઇ- જુઓ વીડિયો

માયાભાઈ આહીરના નાના પુત્ર જયરાજના શાહી લગ્ન, પાંચ દિવસ પહેલાથી શરૂ થઇ છે લગ્નની વિધિઓ

સૌરાષ્ટ્ર હોય કે સાત સમુંદર પાર કોઇ દેશ… પણ કાઠિવાડી બોલીમાં બોલતા માયાભાઈ આહીર જ્યારે સ્ટેજ પર આવે ત્યારે તાળીઓનો ગડગડાટ શરૂ થઈ જ જાય. માયાભાઈ બોલવાનું શરૂ કરે ને વાહની દાદ મળે. ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર, હાસ્ય કલાકર માયાભાઈ આહીર લોકોને હસાવી-હસાવીને ગાંડા બનાવી દે…

માયાભાઈનો ડાયરો છે એવી જાણ થતા જ હકડેઠઠ ભીડ જામે ને જો ભૂલથી મોડા પહોંચ્યા હોવ તો બેસવાની જગ્યા પણ ના મળે. માયાભાઈ આહીરના નાના પુત્ર જયરાજ આતા આહીરના આજે એટલે કે 31 જાન્યુઆરીએ લગ્ન છે. જો કે લગ્નના પાંચ દિવસ પહેલાથી જ માયાભાઈના આંગણે ફંક્શન્સ શરૂ થઇ ગયા. 26 જાન્યુઆરીએ જયરાજની વાનારસમની વિધિ થઈ.

જણાવી દઇએ કે, જયરાજના લગ્ન જામનગરના આહીર સમાજના પ્રમુખ અને જામનગરના ઉદ્યોગપતિ ગીરીશભાઈ ડેરની પુત્રી નંદની સાથે થઈ રહ્યાં છે. 26 જાન્યુઆરીએ જયરાજની વાનારસમની વિધિમાં મોરારીબાપુ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પત્ર દ્વારા નવદંપતીના સુખી અને સમદ્ધ જીવનની શુભેચ્છા આપી.

જયરાજની વાત કરીએ તો તેઓ ભાજપના તળાજા તાલુકાના યુવા પ્રમુખ છે અને સામાજીક કાર્યકર્તા છે. તેઓએ કોરોના દરમિયાન ઘણી લોકસેવા કરી હતી. આજે જયરાજના શાહી લગ્ન લાઠી મુકામે છે. આ લગ્નમાં ગુજરાતના નામાંકિત કલાકારો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના છે.

જયરાજના પિતા એટલે કે માયાભાઈ આહિરની વાત કરીએ તો તેઓ ભાઈબંધીમાં પાછા પડે એવા નથી. નાના પુત્ર જયરાજના લગ્ન પ્રસંગે માયાભાઈએ તેમના જિગરી મિત્ર કીર્તિદાન ગઢવીનું જે રીતે સ્વાગત કર્યું તે જોઈ તો ભગવાન રામ અને ભરતના મિલનની યાદ આવી ગઈ. માયાભાઈ ગેટ પર મહેમાનોના સ્વાગત માટે ઊભા હતા, ત્યારે કીર્તિદાનને આવતાં જોઇ તેઓ સામા દોડ્યા અને તેમને ભેટીને તેડી લીધા.

આ દરમિયાન માયાભાઈ ભાવુક નજરે પડ્યા હતા. જયરાજના લગ્ન પહેલાં પાંચ દિવસની ખાસ વિધિ યોજાઈ હતી જેમાં દાંડિયા રાસ, ડાયરો તથા બીજા પ્રસંગો સામેલ હતા.

Shah Jina