પૂર્વ સીએમ વિજયભાઇ રૂપાણી પહોંચ્યા તેમના હોમટાઉન રાજકોટ, કહ્યુ- મેં ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામુ…

ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી અચાનક જ રાજીનામુ આપી બધાને ચોંકાવી દીધા હતા, ત્યાં જ હવ ગુજરાતના નવા નાથ એટલે કે સીએમ તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલની નિમણૂક થઇ ગઇ છે. તેઓએ સીએમ પદની શપથ પણ લઇ લીધી છે અને મંત્રીમંડળની પણ શપથ થઇ ચૂકી છે. ગુજરાત રાજયના પૂર્વ સીએમ રાજકોટ તેમના હોમટાઉન પહોંચ્યા હતા. તેઓ તેમના રાજકોટ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ત્યાં તેમનું સ્વાગત કરવા માટે રાજકોટના ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, નવા મંત્રીમંડળની શપથવિધિ કરાવી પ્રથમવાર રાજકોટ ઘરે આવ્યો છુ અને ઘણુ હળવાશ લાગી રહ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્ત્વમાં ગુજરાતનો વિકાસ થશે. તેમણે કહ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટીએ નો રીપીટ થિયરી અપનાવી છે અને ગુજરાતમાં પ્રયોગ કર્યો છે. બધાએ સહજ સ્વીકારી સત્તાનો ત્યાગ કર્યો છે. અમે સત્તા પર હોઇએ કે ન હોઇએ પરંતુ અમે કાર્યકરો જરૂર છીએ એ જ અમારી ભૂમિકા છે.

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રીએ ગઇકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઇને અલગ અલગ 20 જેટલી જગ્યાએ કાર્યક્રમો યોજ્યા હતા, જયાં બપોર બાદ વિજય રૂપાણીના વિધાનસભા 69 મત વિસ્તારના બૂથના વાલી અને ઇન્ચાર્જ કાર્યકર્તાઓ સાથે પ્રમુખ સ્વામી ઓડોટોરિયમ હોલ ખાતે સંવાદ બેઠક યોજાઇ હતી. વિજય રૂપાણીએ અહીં કહ્યુ હતુ કે, મેં ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામુ આપી દીધુ છે અને આ રાજકોટનો કાર્યકર્તા જ કરી શકે.

વિજયભાઇ રૂપાણી એ કહ્યુ હતુ કે, હું CM હતો અને રહેવાનો છું. CM એટલે કોમન મેન. તમારામાંનો એક કાર્યકર્તા. પાર્ટી જે જવાબદારી સોંપે તે કરવાનું. નવી સરકારી આપણી જ સરકાર છે અને રાજકોટમાં વિકાસના કામ અટકશે નહિ. અનેક વિકાસના કામો હજી રાજકોટમાં થવાના છે.

પ્રમુખસ્વામી હોલ ખાતે યોજાયેલ કાર્યકર્તા સંવાદમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યાં હતા. તેમજ નવનિયુક્ત નાણા મંત્રી અને નવસારીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ પૂર્વ નાણા મંત્રી વજુભાઇ વાળાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, કમલેશ મીરાણી, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Shah Jina