જાણિતા સંગીતકાર અને મ્યુઝિક ડિરેક્ટર વનરાજ ભાટિયાનું નિધન

નેશનલ એવૉર્ડ વિજેતા જાણીતા મ્યૂઝિક ડિરેક્ટર 93 વર્ષીય વનરાજ ભાટિયાનું અવસાન થયું છે. શુક્રવાર, 7 મેના રોજ વનરાજ ભાટિયાએ પોતાના ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લાં ઘણાં સમયથી તેમને મેડિકલ ઈશ્યૂ હતા. મુંબઈમાં તેઓ કેર ટેકરના ભરોસે રહેતા હતા. અંતિમ સમયમાં તેઓ આર્થિક તંગી સામે ઝઝૂમતા હતા. તેમને ઘૂંટણમાં દુખાવો રહેતો હતો. આ જ કારણે તેમને ઉઠવા બેસવામાં ઘણી જ તકલીફ રહેતી હતી. તેમની શ્રવણ શક્તિ સાવ જતી રહી હતી અને મેમરી નબળી પડી ગઈ હતી.

બોલિવૂડની અનેક જાણીતી ફિલ્મો, ટીવી સીરિયલ અને જાહેરાતોને મ્યૂઝિક આપી ચૂકેલા નેશનલ એવૉર્ડ વિનિંગ મ્યૂઝિક ડિરેક્ટર વનરાજ ભાટિયાનું શુક્રવારે મુંબઇમાં નિધન થઈ ગયું. વનરાજ 93 વર્ષના હતા અને છેલ્લા ઘણાં સમયથી વૃદ્ધત્વને કારણે બીમારીઓથી જજૂમી રહ્યા હતા. વનરાજ હાલ એકલા પોતાના હાઉસ હેલ્પ સાથે મુંબઇમાં રહેતા હતા.

ભાટિયાએ શ્યામ બેનેગલની અનંત નાગ તથા શબાના આઝમી સ્ટારર ‘અંકુર’ તથા કુંદન શાહની ‘જાને ભી દો યારો’ જેવી ફિલ્મમાં સંગીત આપ્યું છે. 1988માં આવેલી ‘તમસ’ માટે તેમને બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટરનો અવોર્ડ મળ્યો હતો અને 1989માં ક્રિએટિવ તથા એક્સપરિમેન્ટલ સંગીત બનાવવા માટે નાટક એકેડમીએ સન્માનિત કર્યા હતા. 2012માં ભાટિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભાટિયાએ ડિરેક્ટર શ્યામ બેનેગલની 9 ફિલ્મ ‘અંકુર’, ‘ભૂમિકા’, ‘મંથન’, ‘જુનૂન’, ‘કલયુગ’, ‘મંડી’, ‘ત્રિકાલ’, ‘સૂરજ કા સાતવાં ઘોડા’ તથા ‘સરદારી બેગમ’માં સંગીત આપ્યું હતું. આ ઉપરાંત તેમણે ‘જાને ભી દો યારો’ તથા ‘દ્રોહ કાલ’ જેવી અન્ય ફિલ્મમાં પણ સંગીત આપ્યું છે. તેમણે સિરિયલ ‘ભારત એક ખોજ’ના ગીત ‘સૃષ્ટિ સે પહલે સત્ય નહીં થા’માં સંગીત આપ્યું હતું. તેમના ગીતો ‘હમ હોંગે કામયાબ’ (જાને ભી દો યારો) તથા ‘મારે ગામ કાથા પારે’ (મંથન) ઘણાં જ લોકપ્રિય રહ્યાં છે.

Shah Jina