નથી રહ્યા જુનિયર મહેમૂદ, પેટના કેન્સરથી જંગ હાર્યા બાદ દુનિયાને કહ્યુ અલવિદા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક
67 વર્ષની ઉંમરે જુનિયર મહેમૂદનું નિધન, કેન્સર સામે હાર્યા જિંદગીની જંગ
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતાઓમાંના એક જુનિયર મેહમૂદનું કેન્સર સામેની લડાઈ બાદ નિધન થયું છે. જુનિયર મહમૂદ સ્ટેજ 4 પેટના કેન્સર સામે લડી રહ્યા હતા. તેમની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જુનિયર મહેમૂદે રાત્રે લગભગ 2 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, જુમાની નમાજ બાદ જુનિયર મેહમૂદને જુહુના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.
જુનિયર મહેમૂદે દુનિયાને કહ્યુ અલવિદા
જુનિયર મહેમૂદ સાહબનું સાચું નામ નઈમ સૈયદ હતું. તેમનો જન્મ 15 નવેમ્બર 1956ના રોજ થયો હતો. થોડા દિવસ પહેલા જ માસ્ટર રાજુએ સમાચાર આપ્યા હતા કે જુનિયર મહેમૂદ પેટના કેન્સરથી પીડિત છે. આ પછી કેટલાક સ્ટાર્સ પણ તેમને મળવા ગયા હતા. જુનિયર મહેમૂદની હાલત પૂછવા માસ્ટર રાજુ રોજ જતા હોવાના અહેવાલ છે. તેમણે જ પોતાની પોસ્ટ દ્વારા જુનિયર મહેમૂદની ખરાબ હાલત વિશે દુનિયાને જાણ કરી હતી.
પેટના કેન્સરથી જંગ હાર્યા
અભિનેતા સાથેનો ફોટો શેર કરતા માસ્ટર રાજુએ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘જુનિયર મહેમૂદ જીને પેટનું કેન્સર હોવાનું નિદાન થયું છે. કૃપા કરીને તેને તમારી પ્રાર્થનામાં રાખો.’ આ પછી, જોની લીવર જુનિયર મહેમૂદની મદદ માટે આગળ આવ્યો. આ મુશ્કેલ સમયમાં મહેમૂદના નજીકના મિત્ર સલામ કાઝી પણ તેમની સાથે હતા. જુનિયર મહેમૂદ એક સમયે ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારમાંના એક હતા. તેમની બીમારી બાદની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ યુઝર્સ પણ દુખી થઇ ગયા હતા.
બાળ કલાકાર સાથે કરી હતી કરિયરની શરૂઆત
તેમની હાલત જોવી ચાહકો અને નજીકના લોકો માટે મુશ્કેલ હતું. જુનિયર મેહમૂદે સુપરસ્ટાર જીતેન્દ્ર અને તેના બાળપણના મિત્ર અભિનેતા સચિન પિલગાંવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને બંને સ્ટાર્સે તેમની છેલ્લી ઈચ્છા પૂરી પણ કરી. જણાવી દઇએ કે, જુનિયર મેહમૂદે બોલિવૂડમાં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમને બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં વિશેષ ઓળખ પણ મળી હતી.