મિત્રો ઉત્તરાયણના ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે, વળી ગુજરાતમાં તો દિવાળી બાદ જ પતંગો ચગાવવાની શરૂ થઇ જાય છે, લોકો હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણના દિવસે અગાશી ઉપર જઈને પતંગો ચગાવી પોતાના શોખને પુરા કરતા હોય છે. બાળકો માટે તો આ તહેવાર 2-3 મહિના સુધી ચાલતો તહેવાર છે, ઉત્તરાયણના એક દોઢ મહિના પહેલા અને એક દોઢ મહિના પછી પણ બાળકો તો ખુશી ખુશી આ પર્વને માણે છે.

ઉત્તરાયણ માટે ગુજરાત જ પ્રખ્યાત છે, અહીંયાની ઉત્તરાયણને માણવા માટે દેશ વિદેશથી પણ લોકો આવે છે, ઘણી જગ્યાએ પતંગ મહોત્સવ પણ યોજાય છે અને મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ આ ઉત્સવમાં જોડાતા હોય છે.

પરંતુ ઉત્તરાયણ ઉપર સૌથી વધુ અકસ્માત થતા હોવાનું પણ આપણે જોતા હોઈએ છે, આકાશમાં પતંગની દોરીના કારણે પક્ષીઓ ઘવાય છે તો જમીન ઉપર માણસો, ઘણા પક્ષીઓની સાથે માણસોના જીવ પણ આ તહેવારમાં જોખમમાં હોય છે એ વાત પણ આપણે જાણીએ છીએ.

રસ્તા ઉપર બાઈક લઈને કે ચાલીને જતા ક્યારે દોરી કોના ગળાની આરપાર થઇ જાય એ વાત પણ આપણને ખબર નથી તો મિત્રો આ દિવસો દરમિયાન આપણે આપણી સાવચેતી રાખવાની ચોક્કસ જરૂર છે. ઘરની બહાર નીકળતા દરેક વ્યક્તિએ ગળામાં કોઈ જાડું કાપડ, મફલર કે એવી કોઈ વસ્તુ વીંટળાઈ દેવી જોઈએ જેના કારણે જો દોરી ઘસાય તો પણ મોટી નુકશાની ના થઇ શકે, કારણ કે રસ્તામાં આવતી એ દોરી એટલી નાજુક હોય છે કે એ દેખાઈ પણ નથી શકતી અને ક્યારે આવીને આપણું ગળું કાપી નાખે એ પણ ખબર નથી રહેતી.

હવે તો બાઈક ચલાવનાર માટે બાઈક ઉપર એવા સળિયા મુકવામાં આવે છે જેના કારણે દોરી તેને ઘસાઈ તમારા માથા ઉપરથી ચાલી જાય, તો મિત્રો તમે એ સુવિધા પણ કરાવી શકો છો, એ સમયે તમે 100-200 રૂપિયા સામે જોવા માટે ના રહેતા પરંતુ તમારી સુરક્ષાનો વિચાર કરજો, કારણ કે દુર્ઘટના ક્યારેય તમને જણાવીને નથી આવતી, એ અચાનક જ થઇ જાય છે માટે એ પણ સાવધાની રાખજો.

બીજી એક મુખ્ય વાત એ કરવાની છે કે જો તમે ચાલીને કોઈ રસ્તા ઉપરથી જઈ રહ્યા હોય ત્યારે તમને રસ્તામાં જો કોઈ અવરોધ રૂપ દોરી પરોવાયેલી જોવા મળે તો એક માનવધર્મ સમજીને તેને દૂર કરજો, કારણ કે તમારી હટાવેલી એ દોરી કોઈનો જીવ બચાવી શકે છે, તમને ભલે એ દોરી દ્વારા નુકશાની નથી થઇ પરંતુ બીજા કોઈનો જીવ પણ જઈ શકે છે. માટે જો રસ્તામાં એવી કોઈ દોરી દેખાય તો થોડો સમય બચાવી એ દોરીને દૂર કરજો.

પતંગ ચગાવતી વખતે પણ જયારે તમારી પતંગ કપાઈ જાય ત્યારે આવેશમાં આવીને દોરીને ખેંચવાની ભૂલ ક્યારેય ના કરશો કારણ કે જ્યારે તમે એ દોરી ખેંચતા હશો ત્યારે એ દોરી નીચે કોઈની ઉપર પણ પડી હોઈ શકે છે, કોઈ રસ્તાને રોકી પણ શકે છે, એ રસ્તા ઉપરથી જો કોઈ ચાલીને કે બાઈક લઈને નીકળતું હશે અને તમે આવેશમાં આવી દોરી ખેંચતા હશો તો કોઈકનો જીવ પણ જઈ શકે છે માટે હંમેશા દોરી ખેંચતી વખતે ધ્યાન ચોક્કસ રાખજો.

આ વિશ્વ માત્ર મનુષ્યોનું નથી, અહીંયા ઘણા બધા પશુ પક્ષીઓ પણ રહે છે, અને ખાસ ઉત્તરાયણની અંદર જ ઘણા પક્ષીઓ આપણા કારણે જ ઘવાતા હોય છે, ઘણા મૃત્યુ પણ પામતા હોય છે અને આ વાત આપણે સૌ જાણીએ છીએ, ઘણી જ જીવદયા સંસ્થાઓ ઉત્તરાયણના પર્વ નિમિત્તે આવા પક્ષીઓની સારવાર કરવાનું બીડું પણ ઝડપે છે. પરંતુ આ કામ ફક્ત એવી સંસ્થાઓનું નથી આપણું પણ છે. આપણે પણ એટલી કાળજી રાખીએ કે આપણા કારણે કોઈપણ પશુ પક્ષીને નુકશાન ના પહોંચે.

આપણા મોજશોખની સાથે સાથે કોઈના જીવનનો પણ વિચાર કરીએ તો આ પ્રસંગને વધુ મઝાનો અને વધુ આનંદદાયક બનાવી શકીએ છીએ. મિત્રો આપણા હાથમાં જે દોર રહેલી છે એ કોઈના જીવનની અંતિમ દોર ના બની જાય તેનું ખાસ ધ્યાન રાખીને આ પર્વની ઉજવણી કરીએ. આ વાતને દરેક ગુજરાતી સુધી વહેંચતી કરીએ, આ ઉત્તરાયણ આપણે કોઈનો જીવ બચાવીને ઉજવીએ..!!
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.